રૂની ખુલતી મોસમે જ રૂ. ૧૦૦૦નુ ગાબડું: વ્હાઈટ ગોલ્ડની પ્રતિષ્ઠા ગુમાવી

ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૫: કપાસ વાવેતર વિસ્તારમાં ૨૦૧૯-૨૦ની ખુલતી મોસમમાં જ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૫૦૦થી ૧૦૦૦ ગબડી પડવાને લીધે રૂએ “વ્હાઈટ ગોલ્ડ”ની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ટેકાના ભાવથી ખરીદી શરુ કરી દીધી છે. રૂમાં ભેજ અને ક્વાલિટી પ્રમાણે ભાવ રૂ.૪૭૦૦થી ૫૨૫૦ આસપાસ બોલાય છે. સરકારે ખેડૂત પાસેથી સીધી ખરીદી કરવાની પરવાનગી આપ્યા પછી, ઉત્તરના રાજ્યોમાં ત્રણ વર્ષ પછી પહેલી વખત સીસીઆઈ બજારમાં ઉતરી છે. અલબત્ત, ભેજનું પ્રમાણ વધુ હોવાથી રૂ ખરીદી સાવ ધીમી ચાલી રહી છે.

સીસીઆઈ ૧૨ ટકાના મોઈશ્ચર (ભેજ)નાં પ્રમાણ સાથે રૂ ખરીદી રહી છે, પણ બજારમાં આવતા માલમાં ભેજનું પ્રમાણ તેના કરતા વધુ છે. ગતવર્ષે સીસીસઆઇએ ૧૦.૭ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) રૂ ટેકાના ભાવથી પ્રાપ્ત કર્યું હતું. ૨૦૧૯-૨૦ની મોસમ માટે ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૫૪૫૦થી વધારીને રૂ. ૫૫૫૦ કર્યો છે. ઉત્તર ભારતમાં અત્યારે દૈનિક સરેરાશ ૪૦થી ૫૦ હજાર, ગુજરાતમાં ૬૦થી ૬૫ હજાર, મહારાષ્ટ્રમાં ૪થી પાંચ હજાર, કર્ણાટકમાં બે હાજર અને તેલંગાના વિસ્તારના બેથી ત્રણ હજાર ગાંસડીની આવક રહે છે. ઓક્ટોબર એન્ડ અથવા નવેમ્બરના આરંભથી આવકોનો વેગ વધવાની શક્યતા છે. ૨૦૧૯-૨૦ની મોસમમા સીસીઆઈ ૧૦૦ લાખ ગાંસડી રૂ ખરીદવાનો લક્ષ્યાંક ધરાવે છે.