ભિલાડ અને સોનગઢ ચેકપોસ્ટ પરથી પસાર થતાં વાહનોની ગતિવિધિ ગાંધીનગર લાઈવ મોનિટરીંગ કરી શકાય તેવી ઈન્ટીગ્રેશન સિસ્ટમનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ સરકારી વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા સરકારે ઓનલાઈન સિસ્ટમથી કામગીરી કરી પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. રૂ.150 કરોડનો ભ્રષ્ટાચાર ભીલાડ આરટીઓ ચેક પોસ્ટ પર થતો હોવાનો તેમણે આડકતરી કબુલાત કરી હતી. આ બાદ વાહન વ્યવહાર વિભાગમાં ભૂકંપ વ્યાપી ગયો છે. અગાઉ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મહેસુલ વિભાગ એટલે કે કૌશિક પટેલ અને ગૃહ વિભાગ એટલે કે મુખ્ય પ્રધાનનો પોતાનો વિભાગ ભ્રષ્ટ હોવાનું તેમણે જાહેરમાં કહ્યું ત્યારે પણ કર્મચારીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેઓ વારંવાર કહી રહ્યાં છે કે તેમની સરકાર ભ્રષ્ટ છે. આ પ્રકારે ગુજરાતના એક પણ મુખ્ય પ્રધાને કહ્યું નથી કે તેમની સરકાર ભ્રષ્ટ છે. ગુજરાત પર સૌથી લાંબુ શાસન કરનારા પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 વર્ષ શાસન કર્યું હતું. મુખ્ય પ્રધાન કહે છે કે અગાઉની સરકાર ભ્રષ્ટ હતી. તેમાં મોદીની સરકાર પણ આવી જાય છે. આમ રૃપાણીનું નિવેદન સમગ્ર દેશમાં હલચલ પેદા કરી રહ્યું છે.
સરકારી વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર કાબુ મેળવવા માટે નિયમો અને કાયદામાં સુધારાઓ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી એન્ટી કરપ્શન બ્યુરોને મજબુત બનાવી છેલ્લા 10 મહિનામાં જ 750 થી વધુ સરકારી કર્મચારીઓ-અધિકારીઓને પકડવામાં આવ્યા છે.
ગુજરાતમાં 28 વર્ષથી ભાજપ કે ભાજપ સમર્થિત સરકારો છે. ત્યારે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ભુતકાળમાં સરકારી વિભાગોમાં ખાસ કરીને મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર પર કાબુ મેળવવા માટે પ્લાન-નકશાને મંજુરી આપવી, એનએ પરમિશનથી લઈ તમામ કામગીરી ઓનલાઈન કરી પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આરટીઓ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર ચાલતો હોવાની કબુલાત કરી ઉમેર્યું કે, ભિલાડ ચેકપોસ્ટ પર શું ચાલી રહ્યું છે? તેની ખબર છે એટલે જ ઈન્ટીગ્રેશન સિસ્ટમ લાગુ કરી ચેકપોસ્ટ પરનો ભ્રષ્ટાચાર એક ઝાટકે બંધ કરવાનું શરૂ કરાયું છે. ભુતકાળમાં ભાલાડ આરટીઓ ચેકપોસ્ટની આવક રૂ.150 કરોડ હતી તે હવે રૂ.300 કરોડની થઈ છે.