રૂપાણી સામે આદિવાસીઓનો વધતો રોષ

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે નિર્માણ પામનાર વિવિધ રાજ્યોના પ્રસ્તાવિત ભવન માટે જમીન આપવાનો વિરોધ નોંધાવા માટે આદિવાસીઓએ સોમવારે એક વિશાળ પગપાળા રેલી યોજી હતી. હરિયાણા ભવન માટે આદિવાસીઓની જમીન કપાતી હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓએ સોમવારે કેવડિયાથી રાજપીપપળા સુધી વિશાળ પગપાળા રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર સોપ્યું હતું. સમગ્ર આદિવાસી પટ્ટામાં વિજય રૂપાણીની સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે હરિયાણા ભવનનું નિર્માણ કર્યુ તે દિવસે આદિવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલા કથીત પથ્થરમારામાં પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનાના પગલે પોલીસ દ્વારા 11 ઈસમો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે સોમવારે કેવડિયાથ પગપળા રેલી નીકળી હતી.

રેલીમાં ભાજપ સરકારના દમન વિરુદ્ધ આદિવાસીઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. કલેક્ટર સમક્ષ આદિવાસીઓ પર પોલીસની ફરિયાદ રદ કરવા તેમજ જમીનના પ્રશ્નને હલ કરવાની રજૂઆત કલેક્ટરને કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, આદિવાસી નેતાઓએ કલેક્ટરને જણાવ્યું હતું કે વર્ષ 1961-62માં નર્મદા નિગમના નેજા હેઠળ સંપાદન થયેલી જે જમીનો નિગમે વપરાશમાં લીધી નથી તે તેના મૂળ માલિકોને પરત કરવામાં આવે. આ રેલીમાં ગરૂડેશ્વર તાલુકાના આદિવસી તેમજ રાજ્યના અન્ય વિસ્તારના આદિવાસીઓના પ્રતિનિધિઓ એકઠા થયા હતા અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સ્થાનિકોને રોજગારીની પણ માંગણી કરી હતી.