વિસનગર પાલિકાના ગઠબંધનના શાસન દ્વારા રૂા.૫૦ લાખની માતબર રકમના ખર્ચે ડોસાભાઈ બાગનુ રીનોવેશન કરવામાં આવ્યુ છે. જે લોકો માટે ખરા અર્થમાં હરવા-ફરવાનુ સ્થળ બની રહે તેવા આકર્ષક બાગનુ લોકાર્પણ રામાપીર મંદિરના મહંત શંકરનાથ બાપુ દ્વારા કરવામાં આવ્યુ હતુ. બાગમાં સિનિયર સિટીઝન્સ પાર્ક પણ બનાવ્યો હોવાથી આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના સભ્યોએ હાજરી આપી હતી.
રસોઈયો સ્વાદિષ્ટ રસોઈ બનાવે અને લોકો ટેસ્ટ લે તેવો ઘાટ ડોસાભાઈ બાગના લોકાર્પણમાં ઘડાયો હતો. બાગ બનાવવા માટે રૂા.૫૦ લાખનો ખર્ચ ફાળવવાનો ઠરાવ કર્યો પ્રજ્ઞાબેન પટેલે. શકુન્તલાબેન પટેલને ઢીંચણની તકલીફ હોવા છતાં બાગની અનેકવાર મુલાકાત લઈ વિકાસ કર્યો. જ્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના શાસનમાં અધુરૂ તમામ કામ પૂર્ણ કરી લોકાર્પણ થયુ. ગઠબંધનના શાસનમાં રૂા.૫૦ લાખના ખર્ચે બાગનો અદ્યતન વિકાસ કરવામાં આવતા તા.૩૦-૧૨-૨૦૧૮ ના રોજ રામાપીર મંદિરના મહંત શંકરનાથજી મહારાજ, પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવનાબેન રબારી, પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, શકુન્તલાબેન પટેલ, સંકલન સમિતિના પ્રમુખ ગોરધનભાઈ પટેલ સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના પ્રમુખ ર્ડા.જે.એન.ઝવેરી, બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, બાગના ચેરમેન મધુબેન ઠાકોર, બાંધકામ ચેરમેન કામીનીબેન પટેલ તથા અન્ય પાલિકા સભ્યો, સંકલન સમિતિના સભ્યો તેમજ સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના સભ્યોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
ત્રણ વર્ષ પહેલા ડોસાભાઈ બાગ ઉજ્જડ હતો. અત્યારે બાગમાં વોકીંગ ટ્રેક બનાવાયો છે. બાળકોને રમતગમતના તમામ સાધનો નવા મુકવામાં આવ્યા છે. સિનિયર સિટીઝન્સ માટેનો અલગ પાર્ક બનાવી તેમાં કસરતના સાધનો મુકવામાં આવ્યા છે. બાગમાં બેસવા માટે બાકડાં મુકવામાં આવ્યા છે. હરવા-ફરવાનુ મન થાય તેવુ ઘાસ ઉગાડવામાં આવ્યુ છે. બાગના લોકાર્પણમાં આવેલા તમામ મહેમાનો અને આમંત્રીતોએ બાગ જોઈને ગઠબંધનના શાસનની કામગીરીની ભારોભાર પ્રશંસા કરી સરાહના કરી હતી.