ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં રૂપિયા 19 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સિવિલ હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન બની છે. કારણ કે, રૂપિયા 19 કરોડનો ખર્ચો કર્યા બાદ પણ સ્થાનિક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે મજબૂર છે. સ્થાનિક દર્દીઓનો આરોપ છે કે, આ હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ છે. જેથી તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલનો સહારો લે છે.
ગીર સોમનાથ જીલ્લાના વેરાવડમાં તાજેતરમાં સરકારી હોસ્પિટલ નિર્માણ પામી છે. રૂપિયા 19 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ થયું છે. જો કે,નવાઈ ની વાત તો એ છે કે, આધુનિકિકરણની સાથે નિર્માણ પામેલી આ હોસ્પિટલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવું લાગી રહ્યું છે.
ત્રણથી ચાર માળની આ હોસ્પિટલમાં તબીબોનો અભાવ જોવા મળી રહ્યો છે. અને 15 મેડિકલ ઓફિસરના સ્થાને 6 જ મંજુર થયેલી જગ્યા છે. જેથી તમામ વિભાગ માટે જગ્યાઓ ખાલી પડેલી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. તો સાથે જ દર્દીઓનો પણ આક્ષેપ છે કે આ હોસ્પિટલમા માત્ર ઓપીડીમાં 2 કલાક સેવા મળે છે.
તો હોસ્પિટલના ઈન્ચાર્જ અને આર.એમ.ઓ સમગ્ર વાતને લઈને પોતાનો લુલો બચાવ કરી રહ્યા હોય તેવું જાણાઈ આવ્યું. અને હોસ્પિટલના આર.એમ.ઓ.એ જણાવ્યું કે આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
જો કે હકીકત તો એ છે કે, અહીં પૂરતો સ્ટાફ નથી. અને જે સાધનો છે તેના નિષ્ણાત ડોક્ટરો નથી. જે સાધનોની જરૂરિયાત છે તે સિટીસ્કેન, એમ.આર.આઈ. મશીન પણ જોવા મળતા નથી. તો હાલ વેરાવળ પાટણ શહેરમાં બીમારીએ પણ ભરડો લીધો છે પરંતુ સરકારી હોસ્પિટલમાં ઘટતા સ્ટાફ અને સાધનોના અભાવે ગરીબ અને બીમાર લોકોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે