અમદાવાદ, તા.29
પ્રજાના પૈસે રાજનેતાઓ વૃક્ષોના વાવેતરમાં પણ રાજકારણ રમતા થઈ ગયા છે. 9 વર્ષ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં 9 લાખ વૃક્ષો વાવીને પાકિસ્તાનને લલકાર આપ્યો હતો. તે વૃક્ષો ક્યાં ગયા તેનો હિસાબ છુપાવવા માટે અમપા વૃક્ષોની ગણતરી કરતું નથી. મોદીએ વિશ્વ વિક્રમ કરીને પાકિસ્તાનને મોટો પાઠ ભણાવ્યો હોય તેવું રાજકારણ રમેલા હવે ભાજપના પ્રમુખ અમિત શાહ તેમના રસ્તે જઈને ફરી એક વખત વિશ્વ વિક્રમ કરવા અમદાવાદ આવ્યા અને વૃક્ષોનું રાજકારણ ખેલી ગયા. આમ બન્ને નેતાઓના મળીને અમદાવાદમાં 20 લાખ વૃક્ષો નવા હોવા જોઈતા હતા. પણ હકીકતમાં તેમાં ઘટાડો થઈ રહ્યો છે. પ્રજાના લાખો રૂપિયા વાપરી નાંખ્યા બાદ 1 કે 2 લાખ વૃક્ષો ઉછરે છે તે પણ લોકોએ પોતાના બંગલામાં વાવેલા હોય છે તે. આમ પ્રજાની આંખમાં ધૂળ નાંખવા માટે વૃક્ષોના નામે છેતરપીંડી ચાલી રહી છે.
શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં 31મી જુલાઈ 2010માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના ગ્રીન અમદાવાદ પ્રોજેક્ટ અન્વયે અંદાજે 9 લાખ વૃક્ષોનું વાવેતર કરાવીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. પાકિસ્તાનના નામે 5 લાખ વૃક્ષો વાવવાનો રેકોર્ડ હતો તે ભારતના નામે કરાવ્યો હતો. જેની પ્રસિદ્ધી તો મોદીએ લીધી પણ વૃક્ષો તો ઊગ્યા નહીં અને મોદીનું જુઠાણું પકડાયું હતું. હવે અમિત શાહનું જુઠાણું પકડવા માટે એક વર્ષ જોઈશે. જે સ્થળે અગાઉ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યાં આજે જૂજ વૃક્ષો જ દેખાઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં વૃક્ષોના વાવેતર બાદ તેનું જતન કરવામાં અમપા ઊણું ઉતર્યું છે. અને સાથે સાથે પ્લાન્ટેશન કરાયા પછી વૃક્ષોની માવજત કરવા માટે કયા પગલાં લેવાયા તેનો ઉત્તર અમપાના સત્તાવાળાઓ પાસે પણ નથી. મોટા ઉપાડે થતાં વૃક્ષારોપણ બાદ તેનું જતન કરવામાં સત્તાધીશો ઊણાં ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે પર્યાવરણના જતન માટે મસમોટા કાર્યક્રમો તેમ જ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વૃક્ષારોપણ કરવામાં આવે છે. પરંતુ તેની સામે વૃક્ષોની જાળવણી કરવામાં રાજ્ય સરકાર અને અમપા તેમ જ વનવિભાગ ઊણું ઊતરતું હોય એવું લાગે છે
2010માં તૈયાર કરાયેલું સ્મૃતિવન લોકોના સ્મૃતિપટલ પરથી ગાયબ થઈ ગયું
ઓગસ્ટ 2010માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શહેરમાં એકસાથે વિવિધ વિસ્તારોમાં 9.19 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાવીને વિશ્વ વિક્રમ બનાવીને ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું હતું. મોટી જાહેરાતો કરીને પ્રજાને ભરમાવી હતી. પણ વૃક્ષો 10 ટકા પણ બચાવી શક્યા નથી. પ્રજા સાથે મોદીની એ મોટી છેતરપીંડી હતી. હવે તે કામ અમિત શાહ કરી રહ્યા છે. એ સમયે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક સ્મૃતિ વન પણ તૈયાર કરાયું હતું. જે આજે શહેરીજનોના સ્મૃતિપટલ પરથી ગાયબ થઈ ગયું છે. ત્યાં પથ્થર સિવાય કંઈ નથી. આજે આ વન વેરાન બની ગયું છે. પરંતુ આટલા મોટા પાયે ઓક્સિજન પાર્ક બનાવવાનું જે આયોજન છે તેની હાલત વર્ષ 2010માં અમપાએ બનાવેલા સ્મૃતિવન જેવી નહિ થાય એવો એક સવાલ પણ પર્યાવરણપ્રેમીઓ ઉઠાવી રહ્યા છે.
પર્યાવરણ પ્રેમીઓમાં ગુસ્સો
પર્યાવરણ વિદ્ મહેશ પંડ્યા કહે છે કે, રાજ્ય સરકાર દ્વારા વૃક્ષા રોપણના કાર્યક્રમો કરવામાં આવે છે. તે પર્યાવરણના જતન માટે સારી વાત છે. પરંતુ, વૃક્ષારોપણ કરીને તેઓ તેની જાળવણી નથી કરતા કે કરાવી શકતા એ મોટી ખામી જોવા મળે છે.
યોગગુરૂ રામદેવે નિકંદન કાઢ્યું
જીએમડીસી ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણના એક મહિનામાં જ યોગગુરૂ બાબા રામદેવે યોગનો કાર્યક્રમ રાખ્યો હતો. તેનાં કારણે આ સ્મૃતિ વનના મોટાભાગના વૃક્ષોનું નિકંદન તે સમયે નિકળી ગયું હતું. ત્યારબાદ ભવનોના કારણે બાકીના સ્મૃતિવનનું પણ નિકંદન નીકળી ગયું.
બગીચા ખાતાના ડાયરેક્ટર શું કહે છે?
વર્ષ 2010માં કરાયેલા વિશ્વ વિક્રમી નવ લાખથી વધુ વૃક્ષોના વાવેતર અંગે અમપાના બગીચા ખાતાના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે પછી તેની જાળવણી અને માવજત માટે અમપા દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહોતું. માત્ર 10 ટકા જેટલાં જ વૃક્ષો બચી શક્યા છે, જ્યારે બાકીના વૃક્ષોનું નિકંદન નિકળી ગયું છે.
મોદીને બચાવવા ગણતરી ન કરી
2010માં નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ વિક્રમ કરેલો તેની પોલ બહાર ન આવે તે માટે અમદાવાદમાં વૃક્ષોની કોઇ ગણતરી કરવામાં આવી નથી. લાખોની સંખ્યામાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાંથી વિકાસના ઓઠા હેઠળ પ્રાચીન અને મહામૂલા વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે.
શહેરમાં વૃક્ષોની સ્થિતિ
૨૦૧૨માં કરાયેલી વૃક્ષ ગણતરી મુજબ, શહેરમાં કુલ ૬,૧૮,૦૪૮ વૃક્ષ હતા. શહેરમાં માત્ર ૪.૬૬ ટકા ગ્રીનરી હતી. તો નવા 9 લાખ વૃક્ષો બળી ગયા અને રૂ.10 કરોડનો મોદીએ કરેલો ખર્ચ નકામો ગયો હતો.
લીમડા ૧,૪૨,૭૬૮
આસોપાલવ ૭૦,૫૫૦
પીપળો ૨૦,૧૭૭
વડ ૯,૮૭૦
ઝોન પ્રમાણે 2012માં વૃક્ષો
અમપાના ગ્રીન પ્રોજેક્ટની સચ્ચાઈ (2021ની ગણતરીએ)
ઝોન પ્રમાણે વૃક્ષોની સંખ્યા
ઝોન વૃક્ષો
મધ્ય 23510
પૂર્વ 75447
પશ્ચિમ 64035
ઉત્તર 60677
દક્ષિણ 89063
નવા પશ્ચિમ 84189
બગીચા 25290
કેન્ટોન્ટમેન્ટ 174979
ગ્રીન અમદાવાદ પ્રોજેક્ટ 2010
સ્થળ વૃક્ષો
ઔડાનાં વિસ્તારોમાં 4,57,000
પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ 2,16,260
અમપાના પ્લોટ 1,61,735
શહેરનાં અન્ય વિસ્તારોમં 84,775
કુલ વૃક્ષો 9,19,770
અમદાવાદમાં ટ્રી પ્લાન્ટેશન માટેના દાવા
વિગત 2013-14 2014-15 2015-16
રોડ સાઈડ 25490 32088 25727
અમપાની જગ્યાઓ 21330 8245 8880
ખાનગી સ્થળો 16463 52942 36407
કુલ 63292 93275 80524