રેલિંગના કારણે બસ ખાઇમાં ન પડી અને 50 લોકોના જીવ બચી ગયા..!

પાલનપુર, તા.૦૧

અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 ઘવાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાના કારણે અમદાવાદ રિફર કરાયા છે. જીજે 1 એઝેડ 9795 નંબરની ડબલ ડેકર લકઝરી બસમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખુડેલ અને અન્ય ગામોથી લોકો ધાર્મિકયાત્રાએ નીકળ્યા હતા અને ઊંઝા, બહુચરાજી, અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ વળાંક પર દીવાલ અને રેલિંગ હોવાના કારણે પલટી માર્યા પછી બસ રેલિંગ ઉપર લટકી ગઇ હતી. રેલિંગ ના હોત તો બસ ઊંડી ખીણમાં પડી હોત અને વધુ લોકો અકસ્માતનો ભોગ બનતાં, પણ રેલિંગના કારણે જ મૃત્યુઆંક ઓછો હોવાનું દાંતા પોલીસે જણાવ્યું હતું.

અંબાજી અકસ્માતમાં ઘવાયેલાના મોટાભાગના લોકોના હાથ-પગ-મોંઢા સહિત શરીરના અલગ-અલગ અવયવો કપાયેલા નજરે પડ્યા હતા. ગણ્યાં-ગાંઠ્યા લોકોને જ બેઠો માર સહિત માથા ફૂટ્યા જેવી ઇજાઓ થઇ હતી.

સાંજે 4:30 કલાકની આજુબાજુ આ અકસ્માત થયો હતો. અકસ્માત થતાં સૌથી પહેલા દાંતાના સ્થાનિક લોકો મદદે પહોંચ્યા હતા. ડેપ્યુટી કલેકટર અને અંબાજીના વહીવટદાર પણ તાત્કાલિક જેસીબી અને એમ્બ્યુલન્સ, 108ને બોલાવી જેસીબીથી બસ ઉંચક્યા પછી લાશોને બહાર કાઢી અને 55 ઘવાયેલા લોકોને દાંતા અને પાલનપુરની હોસ્પિટલોમાં મોકલ્યા હતા.

અકસ્માતમાં ઘટના સ્થળની નજીક દાંતા હોસ્પિટલ હતી. પણ આ હોસ્પિટલની એમ્બ્યુલન્સ બગડેલી હોવાના કારણે પહોંચી શકી ન હતી. અંબાજી અને પાલનપુરથી 108 અને એમ્બયુલન્સ પહોંચી હતી. આ સિવાય પ્રાઇવેટ વાહનોથી લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સ્લીપર બસમાં 56ની ક્ષમતા સામે 76 મુસાફરો હતા. પલટી મારતાં બસની છત તૂટી જતાં લોકો ઉપરથી નીચે પટકાયા હતા. જેના કારણે માથા અને મોઢા ઉપર વાગતાં ઘટના સ્થળે જ 21 લોકોનાં મોત થઇ ગયા હતા. જ્યારે નીચે સીટો પર બેસેલા લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી.

ઘટનાસ્થળે બસને ઊંચકવા બે જેસીબી પહેલા લાવવામાં આવી હતી. તેનાથી પણ કામ ન થતાં પોકલેન અને ક્રેન મંગાવી બસને ઊંચકી લોકોને બહાર કાઢ્યા હતા.