અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બોરાળા ગામના રેલવે ટ્રેક ઉપર ગત મોડી રાત્રીના 2 સિંહબાળ તેમજ 1 સિંહણ માલગાડીની અડફેટે આવી જતા મોત નીપજ્યા હતા. જેને લઈને વનવિભાગ ત્યાં દોડી ગયું હતું. આ ઘટનામાં ને લઈને ડીઆરએમ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે સ્પીડ રાત્રીના સમયે 45 કિમી ની હોય છે પરંતુ વનવિભાગે આ બાબતે વધુ સંકલનમાં રહેવાની જરૂર છે.
ગત રાત્રીના 11.40 આસપાસ બોટાદથી પીપાવાવ તરફ જઈ રહેલી એક માલગાડીની અડફટે બે બાળ સિંહ અને એક સિંહણ મળી ત્રણના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં ટ્રેઈનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની હોવાની વાતો બહાર આવી છે અને જેને લઈને આ ઘટના સર્જાઈ છે. ત્યારે આ વિસ્તાર ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતો હોય ત્યારે રેલવેના ડીઆરએમ રૂપા શ્રીનિવાસન દ્વારા આ બાબતે પોતાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું અને કહ્યું હતું કે આ ઘટના રાત્રીના બની છે અને આ માર્ગના અનેક વિસ્તારો કે જ્યાં સિંહો ટ્રેક પર આવી જવાની પૂરી શક્યતા રહેલી છે. આ સંજોગોમાં ટ્રેઈન 45 કિમી પર કલાકની સ્પીડે ચાલે છે. સંપૂર્ણ ટ્રેક પર આ સ્પીડ લાગુ નથી, પરંતુ આ બનાવ રાત્રીના સમયે બન્યો હોય અને ત્યારે વિઝીબીલીટી પણ ઓછી હોય જેથી ગાડીની સ્પીડ ઓછી હોય અને ટ્રેઈનના પાયલટ દ્વારા બ્રેક મારવા છતાં આ ઘટના બની હતી અને જેમાં ત્રણ સિંહોના મોત નીપજ્યા હતા. આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું કે રેલવે અને વનવિભાગ દ્વારા 2014માં એક જીપીઓ સાઈન કરવામાં આવ્યો અને થોડા નિયમોનું પાલન કરવાનું હોય છે. સિંહો હાલ તેના મૂળ રહેઠાણ તરફથી અન્ય વિસ્તારો તરફ જઈ રહ્યા છે ત્યારે વનવિભાગે પોતાના ટ્રેકરની મદદથી આ વિસ્તારમાંથી પસાર થતી લોકલ ટ્રેઈનના પાયલટ સાથે સંપૂર્ણ સંકલનમાં રહેવાનું છે. જો સિંહ ટ્રેક કે તેની આસપાસ હોય તો તેની જાણકારી પણ ટ્રેઈન પાયલટને આપવાની છે. જેથી સ્પીડ વધુ ઓછી કરી શકાય અને હોર્ન સાથે ટ્રેઈન પસાર કરી શકાય અને જરૂર પડે જો સિંહ ટ્રેક પર હોય તો ટ્રેઈન અટકાવી પણ શકાય.
આ બાબતે રેલવે વિભાગ દ્વારા એવા વિસ્તારો કે જ્યાં સિંહ ટ્રેક પરથી પસાર થાય ત્યારે સિંહને દૂરથી ઓળખી શકાય તે બાબતે ખાસ ટ્રેઈનીંગ આપવામાં આવે છે અને જેના કારણે 6 જેટલી ઘટનામાં 17 જેટલા સિંહોને બચાવવામાં સફળ પણ રહ્યા છીએ તેમ જણાવ્યું હતું.