રેશ્મા પટેલે પોરબંદરથી અપક્ષ ઉમેદવારી કરી, ભાજપ પર પ્રહાર

ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ 1 એપ્રિલ 2019માં પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ક્લેક્ટર કચેરીએ જઇને ઉમેદવારી પત્રક ભર્યું હતું. ગાંધીજીના જન્મ સ્થળ કિર્તીમંદિર જઇને સુતરની આટી પહેરાવી હતી. એનસીપીમાંથી પોરબંદરની સીટ પરથી ટિકીટ મળી નહોતી, જેના કારણે રેશ્મા પટેલે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રેશ્મા પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા 21 ઓક્ટોબર 2017ના રોજ ભાજપનો ખેસ ધારણ કર્યો તે પહેલા તેઓ પાટીદાર આંદોલનમાં સક્રિય નેતા હતા.

રેશ્માએ કહ્યું હતું કે, ભાજપ અંદરથી ખોખલું થઇ ગયું છે, જેથી ખોખલા થઇ રહેલું ભાજપ હાલ કોંગ્રેસમાં તૈયાર થયેલા કદાવર નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી મજબૂત બનવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ ભાજપની આ મૂરાદ પુરી નહીં થાય. પાર્ટી મજબૂત છે તો કોંગ્રેસના નેતાઓને શા માટે ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે. ભાજપ વિકાસના નામે રાજકારણ રમી રહ્યું છે. ભાજપમાં માત્ર વોટબેંકની રાજનીતિ થઈ રહી છે. મેં બિનઅનામત આયોગમાં ત્રુટિ સહિત અનેક બાબતો અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જો કે મારી માંગણી અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સકારાત્મક પગલા લેવામાં આવ્યા નથી.

ગુજરાત ભાજપે ગત વિધાનસભા ચૂંટણી વખતે પ્રજાને જ વચનોની લ્હાણી આપી હતી, તે પૂર્ણ કરવામાં વર્તમાન સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. અમારી માગ હતી કે ,પાટીદાર આંદોલન વખતે પાટીદાર યુવકો પર કરવામાં આવેલા કેસો પરત ખેંચી લેવામાં આવે. જો કે વર્તમાન સરકાર વિકાસની નહી, પરંતુ વિનાશની રાજનીતિ કરી રહી છે. ગુજરાતમાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ સરકારી નોકરીની વયમર્યાદા 40ની કરવામાં આવે.

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મળેલી કારમી હારને લઇને પાટીદાર અગ્રણી રેશ્મા પટેલે બીજેપી પર પ્રહાર કર્યો છે. તેને કેટલાક ટ્વીટ કર્યા છે, જેમા મોદી-શાહ અને બીજેપીની નીતિઓને આડેહાથે લીધી છે. તેને ભાજપને અભિમાની પક્ષ ગણાવ્યો છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચાલુ સત્તા ગુમાવવા પર મોદી અને ભાજપને નિશાને લીધુ છે. ભાજપ અને સીએમ વિજય રૂપાણી સામે પ્રહાર કર્યા હતા, કહ્યું કે ભાજપ વિકાસવાદ અને રાષ્ટ્રવાદની વાત કરી રહી છે. એવા જ કામથી પ્રેરાઈને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીતાડવામાં તમામ પ્રયાસો કર્યા, લોકોના પડતર પ્રશ્નોનું સમાધાન થશે, પરંતુ એવું કઇ જ થયું નહી, સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી તેમ છંતા જનતાના પ્રશ્નોનો કોઇ જ ઉકેલ આવતો નથી, મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓના નામે ભાજપ માત્ર વોટબેંકની રાજનીતિ કરી રહ્યું છે.

રેશ્મા પટેલે કહ્યું કે, હું ઘણી માંગણીઓને લઈને ભાજપ સરકારને પત્રથી અને મૌખિક રજૂઆત કરી રહી છું, પણ તેમાં લાંબા સમયથી કોઈ સકારાત્મક પરિણામ નથી, મેં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને સરકારી નોકરી મળે પણ તેમાં સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વયમર્યાદા 35થી વધારીને 40 વર્ષ કરવામાં આવે અને સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા બિન અનામત વર્ગના ઉમેદવારોની ફિ માફ કરવામાં આવે તેમ છંતા સરકારે અત્યાર સુધી કોઇ જવાબ આપ્યો નથી, બિન અનામત આયોગ અને નિગમની રચના થઈ ગઈ છે પરંતુ તેમાં રહેલી ખામીઓ દૂર કરવા પણ તેમને રજૂઆત કરી છે.

મોટા હોદ્દાવાળાને હાંસિયામાં ધકેલી દેવામાં આવે તો કાર્યકરોનું શું થાય. કારણ કે, ભાજપમાં જે લોકો કહ્યું કરે એ લોકોને જ સ્થાન આપવામાં આવે છે. ભાજપનો કાર્યકર્તાઓ હેરાન થઇ રહ્યા છે. કાર્યકરોના કામ થતા નથી. બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે ભાજપે વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહી છે. જૂઠ અને ભ્રમની રાજનીતિ ભાજપ કરી રહી છે. મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ કે શોષિતવર્ગ હોય દરેકના માથા પર માત્ર વોટબેન્કની રાજનીતિ થઈ રહી છે.