અમદાવાદ,તા:૨૫ તાપી ઉચ્ચ અધિકારીઓ સાથે એક આવાઝ-એક મોરચાના પ્રતિનિધિમંડળની તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં પ્રશાશન સાથે લાંબી ચર્ચા બાદ સંગઠનની સમજૂતી સાથે જિલ્લા પ્રશાસન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરતમાં 23 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ભરવામાં આવેલાં દાવા ફોર્મ બિટકનેક્ટ, સમ્રુદ્ધજીવન તથા મૈત્રેયના રોકાણકારો જે તાપી જિલ્લાના રહેવાસી છે તેઓને ફોર્મ ભરવા માટે વધુ એક મહિનાનો સમય આપવા ઉપરાંત તાપી જિલ્લામાં જ દાવા ફોર્મ મળી રહે તેની સુવિધા જિલ્લા સ્તરે ઊભી કરવા માગ કરાઈ છે, જે બાબતે વહેલી તકે જિલ્લા પ્રશાસન જાહેરાત કરે તેવી આશા છે.
જે કંપનીઓમાં રોકાણકારોનાં નાણાં ડૂબ્યાં છે તેમને સંગઠિત કરી કાયદાકીય તેમજ અન્ય કાર્યવાહી કરવા હેતુ લોકસંગઠન દ્વારા રિપોર્ટ જિલ્લા કલેક્ટર અને સરકારને સુપરત કરવા સંગઠને કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત કલેક્ટરને આપવામાં આવનારી અરજીઓ તેમજ જે કંપનીઓ સામે તાપી જિલ્લામાં ફરિયાદ ન થઈ હોય તે અંગે કાર્યવાહી શરૂ કરાઈ છે. તાપી પોલીસ તંત્ર દ્વારા ચીટફંડ મુદ્દે જોઈન્ટ મીટિંગમાં હાજર અધિકારીઓ દ્વારા પીડિતોને ન્યાયિક કાર્યવાહીમાં સહયોગ કરવાની તાપી જિલ્લા પોલીસ તંત્રએ ખાતરી આપી છે.
જે પણ કંપનીમાં તાપીના રોકાણકારોનાં નાણાં ફસાયાં છે તે ફોર્મ દ્વારા ડૂબેલી રકમની વિગતોની નકલ વહેલી તકે સંગઠનના આગેવાનો મારફતે સંગઠનમાં પહોંચાડી આપે, જેથી તેનો અભ્યાસ રિપોર્ટ તથા તે સંદર્ભની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવી શકાય તેની લોકસંગઠન દ્વારા અપીલ કરાઈ છે.