લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને ફરતા ત્રણ દારૂડીયાઓ ઝડપાયા

અમદાવાદ, તા.૧૩

સાયન્સ સિટી ટેનિસ કોર્ટ પાસેથી સોલા પોલીસે લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. નશાની હાલતમાં મળેલા ત્રણેય શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકીના બે આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી શાહપુર પોલીસના ચોપેડ વકીલને ધમકી આપવાના ગુનામાં વૉન્ટેડ હતા.

સોલા પોલીસે બાતમીના આધારે ગઈકાલે શનિવારની રાતે સાયન્સ સિટી ટેનિસ કોર્ટ પાસે લકઝુરીયસ કાર અટકાવી હતી. કારમાં બેસેલા ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેઓના નામ જીતેન્દ્ર બળદેવપુરી ગોસ્વામી (ઉ.44 રહે. સમસાર એલીમેન, એસબીઆઈ ઝોનલ ઓફિસની ગલીમાં, આંબાવાડી), પ્રજ્ઞેશ હર્ષદભાઈ પટેલ (ઉ.40 રહે. હરેશાંતિ બંગલો, ગોકુલ હોટલ પાસે, ગોતા) અને માલદેવ રમુભાઈ ભરવાડ (ઉ.28 રહે. જલધારા, પારસનગર, ઈસનપુર) હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય શખ્સો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે કારની તલાશી લેતા વચ્ચેની સીટના નીચા ભાગેથી અમેરિકન બનાવટની એક લોડેડ પિસ્ટલ મળી આવી હતી. પિસ્ટલનું મેગઝીન તપાસતા તેમાં એક જીવતો કારતૂસ મળ્યો હતો. સોલા પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વિધિવત ધરપકડ કરી હતી.

સોલા પોલીસે 30 લાખ રૂપિયાની કિંમતની લકઝુરીયસ કાર, આરોપીઓ પાસેથી મળી આવેલા જુદાજુદા મોડલ-કંપનીના પાંચ મોબાઈલ ફોન 1.40 લાખના કબ્જે લીધા હતા.

આરોપીનું લાયસન્સ રદ્દ કરવા ભલામણ કરાશે

કારમાંથી મળી આવેલી પિસ્ટલ જીતેન્દ્ર ગોસ્વામીની છે અને તે હથિયાર પરવાનો ધરાવે છે તેમ સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર ગોસ્વામી અને પ્રજ્ઞેશ પટેલ સામે નોંધાયેલા ગુનામાં આરોપીઓએ આગોતરા જામીન મેળવી લીધા છે, પરંતુ તે ગુનામાં હથિયાર કબ્જે કરવાનું બાકી છે. જીતેન્દ્ર ગોસ્વામીના હથિયાર પરવાનો રદ્દ કરવા માટે ભલામણ કરવામાં આવશે.

ત્રણ આરોપીઓમાં બે ચીટરનો સમાવેશ

પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પ્રજ્ઞેશ પટેલ અને માલદેવ ભરવાડ જમીનના મામલામાં છેતરપિંડીના ગુનામાં અગાઉ ઝડપાઈ ચૂક્યા છે. આ ઉપરાંત બંનેની સામે ધમકી આપવાના ગુનાઓ પણ નોંધાયા છે. પ્રજ્ઞેશ અને જીતેન્દ્ર ગોસ્વામી સામે વેજલપુર અને શાહપુર પોલીસ સ્ટેશનમાં વકીલ હર્ષ સુરતીએ ધમકી આપવાની ગત મહિને બે ફરિયાદ ઉપરાછાપરી નોંધાવી હતી. જે પૈકી શાહપુરના કેસમાં બંને આરોપીઓ વૉન્ટેડ હતા.