નેશનલ કમિશન ફોર માઈનોરીટી એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ એકટ હેઠળ સક્ષમ સત્તાધિકારીને લઘુમતિ શૈક્ષણિક સંસ્થા હોવાનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરી નથી અથવા જેઓની અરજી નકારવામાં આવી છે તેવી તમામ લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓએ આર.ટી.ઈ. એકટ હેઠળ ફાળવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે, તેવો નામદાર સુપ્રિમ કોર્ટે આજે આદેશ આપ્યો છે. નામદાર સુપ્રિમ કોર્ટના ચૂકાદાથી રાજયના નબળા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને લાભ મળશે.
રાજ્યની સ્વનિર્ભર લઘુમતિ પ્રાથમિક શાળાઓમાં જે શાળાઓ પાસે સક્ષમ સત્તાધિકારીશ્રીનું પ્રમાણપત્ર નથી તેવી શાળાઓમાં ધોરણ-૧માં આર.ટી.ઈ. હેઠળ રાજય સરકાર દ્વારા કુલ ર૦૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ આવી શાળાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ના પાડી હતી.
સુપ્રિમ કોર્ટમાં શિક્ષણ વિભાગ દ્વારા અરજી કરવામાં આવેલ હતી. શિક્ષણ વિભાગે રાજ્ય સરકાર દ્વારા આર.ટી.ઈ.ના પ્રથમ રાઉન્ડમાં આ પ્રકારની ૧૧૭ શાળાઓમાં કુલ ર૦૯૦ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલ હતા તે પૈકી ૩૩ જેટલી શાળાઓએ ૩૭૮ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપેલ છે. આ ચૂકાદાથી વધુ ૭૯ શાળાઓએ ૧૬પ૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. જે લઘુમતિ શાળાઓએ દહોભય (નેશનલ કમિશન ફોર માયનોરીટી એજયુકેશન ઈન્સ્ટીટયુટ, દિલ્હી ખાતે લઘુમતિના પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરેલ છે પરંતુ જેનો નિર્ણય આવેલ નથી તેવી ૧૭ શાળાઓમાં ફાળવેલ ૪૧પ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ ફાળવી આપવામાં આવશે.