લણણી માટે ઉભા રૂ પાક પર વરસાદ-વાવાઝોડા છતાં ઉપજઉતારા વિક્રમ આવશે

મુંબઈ, તા. ૧૧

ઓક્ટોબર એન્ડ અને ગત સપ્તાહે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં પડેલો જતા-ચોમાસાનો વરસાદ, પહેલી ચૂંટાઈ માટે તૈયાર રૂ પાકને ૮થી ૧૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) નુકશાન પહોચાડશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે જતા ચોમાસાનો વરસાદ છતાં હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા ગતવર્ષની ૪૫૮ કિલોથી વધીને ૪૯૭ કિલો આવશે. સામાન્ય રીતે ડીસેમ્બર એન્ડ સુધીમાં રૂની તમામ ચૂંટાઈ (લણણી) પૂરી થઇ જતી હોય છે, પણ આ વર્ષે જમીનમાંના ભેજ, હવામાન અને ભાવને જોતા, માર્ચ સુધી રૂ ઉપાડ ચાલુ રહેશે, એવું વેપારીઓ માની રહ્યા છે.

રૂની નવી આવકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી એક તરફ આવકો ઘટી છે, બીજી તરફ ઔધ્યોગિક વપરાશકારો માટે માફકસર ક્વાલીટીનું રૂ ન હોવાથી કાપડ મિલોની ચિંતાઓમાં વધારો થયો છે. ઔધ્યોગિક સુત્રો જણાવે છે કે નબળી ગુણવતા અને ઓછી આવકોને લીધે હાજર બજારમાં ભાવ વધવા લાગ્યા છે. નવી મોસમના આરંભે રૂમાં ભેજનું પ્રમાણ ૧૫ ટકા હતું તે હવે વધીને ૨૦થી ૨૫ ટકા જેટલું થઇ ગયું છે.

આ વર્ષે ભારતમાં કપાસ વાવેતર વર્ષાનું વર્ષ ૬ ટકા વધીને ૧૨૮ લાખ હેકટરમાં થયું, ત્યાર પછી સરેરાશ કરતા પુષ્કળ વધુ વરસાદ અને ખેડૂતોની સારી માવજતે ઉત્પાદકતા વધવાથી ૨૦૧૯-૨૦નુ રૂ ઉત્પાદન વિપુલ ૧૩.૬ ટકા વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કુલ વાવેતરના ૯૪ ટકા એટલે કે ૧૨૦ લાખ હેક્ટર જમીનમાં બીટી કોટન બિયારણ વવાયું હતું. ૧ ઓક્ટોબરથી શરુ થયેલી વર્તમાન મોસમમાં રૂ ઉત્પાદનનો અંદાજ, કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ ૩૫૪.૫ લાખ ગાંસડી મુક્યો હતો. અલબત્ત, વેપારીઓ અને કાપડ ઉદ્યોગ દ્વારા ઉત્પાદન અંદાજ સપ્ટેમ્બરના ૩૬૮ લાખ ગાંસડીથી ઘટાડીને હવે ૩૬૪ લાખ ગાંસડી મુકવામાં આવ્યો છે.

વેપારીઓ હવે ૧૪ નવેમ્બરે કોટન એદ્વાઈઝરી બોર્ડના નવા અનુમાનો પર નજર રાખીને બેઠા છે. ૨૦૧૮-૧૯ના રૂ પાકનો બોર્ડ અંદાજ ૩૧૨ લાખ ગાંસડી મુક્યો હતો. ૨૦૧૯-૨૦નો સરકારી પ્રથમ આગોતરો અંદાજ, ગતવર્ષના ૨૮૭ લાખ ગાંસડી સામે, ૩૨૩ લાખ ગાંસડી મુક્યો છે. જગતના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતમાં વિદેશી સ્પર્ધક દેશો કરતા ૪ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) વધુ હોવાથી, ૨૦૧૯-૨૦ની રૂ નિકાસ ગતવર્ષ જેટલી જ, છેલ્લા એક દાયકાની સૌથી ઓછી ૪૨ લાખ ગાંસડી સ્થિર અનુમાનિત છે.

૨૦૧૯-૨૦મા ભારતનો રૂ વપરાશ, ગતવર્ષના ૩૧૨ લાખ ગાંસડીથી વધીને ૩૧૫ લાખ ગાંસડી અનુમાનીત છે. અમેરિકન કૃષિમંત્રાલયે વર્તમાન મોસમનો સાઉથ-વેસ્ટ અમેરિકન રૂ પાક ગતવર્ષ કરતા ૪ ટકા ઓછો ૨૦૮ લાખ ગાંસડી  (પ્રત્યેક ૨૧૮ કિલો) મુકવા સાથે, વર્ષાંત સ્ટોક ૯ લાખ ગાંસડી ઘટાડીને ૬૧ લાખ ગાંસડી મુક્યો છે. જો કે વપરાશ ૨૦૦૮-૦૯ના વપરાશ કરતા ૩૧ ટકા વધુ અંદાજાયો છે. યુએસડીએ એ વર્તમાન વર્ષનો સરેરાશ ભાવ અંદાજ, ઓક્ટોબર અનુમાન કરતા પાંચ ટકા વધારીને ૬૧ સેન્ટ પ્રતિ પાઉન્ડ મુક્યો છે. જે કે ૨૦૧૮-૧૯ની મોસમના આખરી સરેરાશ ૭૦.૩ સેન્ટ કરતા ૧૩ ટકા ઓછો મુકાયો છે. અમેરિકા, પાકિસ્તાન અને ચીનમાં ઓછા ઉત્પાદન સાથે, વૈશ્વિક ઉત્પાદન ૩૦ લાખ ગાંસડી ઓછી અનુમાનિત છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૧-૧૧-૨૦૧૯