લણવા નજીક વાહનના કાગળો માગતાં પીએસઆઈને કચડી નાખવાનો પ્રયાસ કર્યો

પાટણ, તા.૦૫
ચાણસ્મા-મહેસાણા હાઈવે પર લણવા નજીક પીએસઆઈ આર.વી. પટેલ તેમની ટીમ સાથે રવિવારે વહેલી પરોઢે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પસાર થઇ રહેલી ડાલાના ચાલક પાસે કાગળો માગતાં ચાલકે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીએસઆઈ ખસી જતાં સાઈડની ટક્કર વાગતાં હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. ટક્કર મારી ચાલક સહિત શખ્સો મહેસાણા તરફ ભાગી છૂટ્યા હતા. પોલીસે બાદમાં વિસનગર મહેસાણા અને વડોદરાના પાંચ શખ્સોને પકડી તપાસ હાથ ધરી છે.

શનિવારે રાત્રે ચાણસ્મા પીએસઆઇ આર.વી પટેલ, એએસઆઇ રમેશભાઈ સંગ્રામભાઈ વગેરે 2.15 કલાકના સુમારે લણવા સરકારી દવાખાનાથી થોડેક આગળ માનસી હોટલ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ચાણસ્મા તરફથી સફેદ કલરનું એક બોલેરો ડાલુ પસાર થતાં તેને પોલીસે અટકાવી ગાડીના કાગળો માંગતા ડ્રાઈવરે તેનું લાયસન્સ આપ્યું હતું. પરંતુ ગાડીની આરસીબુક ન હતી. પોલીસે આરસી બુક રજૂ કરવાનું કહેતાં ચાલકે પીએસઆઈ પર કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીએસઆઇ હટી જતાં સાઇડની ટક્કર વાગતાં નીચે પડી ગયા હતા. એએસઆઇ રમેશભાઈ અને પો.કો રાજુભાઈએ ડાલાનો પીછો કર્યો હતો પણ પકડી શક્યા નહોતા. ઇજાગ્રસ્ત પીએસઆઇને લણવા સીએચસી ખાતે લઇ જવામાં આવ્યા હતા.

ટક્કર મારનાર જીપ ડાલાના ડ્રાઇવરનું લાયસન્સ પીએસઆઇના હાથમાં રહી ગયું હતું, તેના પર વિસનગરના જશપાલસિંહ દિલીપસિંહ શીકલીગર લખેલું હોવાથી ચાણસ્મા પોલીસ મથકે જશપાલસિંહ સહિત પાંચથી છ શખ્સો સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાઇ હતી. તેવું તપાસ અધિકારી ઇન્ચાર્જ પી.આઇ પી.સી. દેસાઈએ જણાવ્યું હતું.

પોલીસે આરસી બુક માગતાં ગાડીમાં બેઠેલા શખ્સોએ નહિ હૈ તો કહાંસે લાયેંગે, એસે આરસી બુક માંગ કે પરેશાન કરને કે લિયે ક્યુ આ જાતે હો”તેમ કહી એક શખ્શે ડ્રાઈવરને ઉશ્કેરી” એસે નહી માનેગા ઇસે ઠોક દે” તેમ કહેતાં ડ્રાયવરે ટકકર મારી હતી.

ઝડપાયેલા પાંચ શખ્સોમાં

જશપાલ સિંહ દિલીપસિંહ શિકલીગર રહે વિસનગર, દિલીપ સિંગ ગુરુ દયાલસિંગ શિકલીગર રહે વિસનગર, સોરનસિગ કરતાર સિંગ શિકલીગર રહે મહેસાણા, કિસન જી અળખાજી ઠાકોર રહે વિસનગર, સંજુસિંગ દિલીપસિંગ શિકલીગર રહે વડોદરાનો સમાવેશ થાય છે.