લવીંગજીને ફરી ચેરમેન બનાવાની હિલચાલથી પાટણ જિ.પં.ની શિક્ષણ સમિતિમાં સભ્યો બેઠકમાં ફરક્યા નહીં

પાટણ, તા.૦૬
પાટણ જીલ્લા પંચાયત ખાતે શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તેમજ સિંચાઈ સમિતિના ચેરમેનોની વરણી કરવા માટે ત્રણ બેઠકો મંગળવારે બોલાવી હતી.જેમાં મહત્વની શિક્ષણ સમિતિમાં 5 સદસ્યો હાજર ન રહેતાં ચેરમેન બનાવી શકાયા નહોતા. ચેરમેન પદે લવીંગજી સોલંકીને ફરીથી બેસાડવાની કથિત હિલચાલને લઇ સભ્યો નારાજ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. મહિલા બાળ વિકાસ સમિતિના બે સદસ્યો ફરવા ગયા હોઈ બેઠક મુલતવી રહી હતી. જોકે, સિંચાઇ સમિતિના ચેરમેનની બિનહરીફ વરણી કરી હતી.

જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેનની વરણીમાં પક્ષે આપેલા મેન્ડેટમાં ચેરમેન તરીકે લવિંગજી સોલંકીનું નામ જાહેર થવાની શક્યતાઓને પગલે કેટલાક સદસ્યો નારાજ થયા હોવાથી બેઠકમા આવ્યા ન હતા. જેથી બેઠક નોન કોરમ થાય તેવી સ્થિતિ સર્જાતા મીટીંગ મુલતવી રાખવી પડી હતી. બેઠકમાં માત્ર બે જ સદસ્ય લવિંગજી સોલંકી અને મંગુબેન સાંકાજી ઠાકોર હાજર રહ્યા હતા. બાકીના મફાજી રતુજી ઠાકોર, સવિતાબેન રામસંગજી ઠાકોર, દિપ્તીબેન અનિલભાઈ પરમાર, હિરલબેન વિપુલ ભાઈ ચૌધરી અને દશરથભાઈ ભીલ ગેરહાજર રહ્યા હતા.

પૂર્વ શિક્ષણ ચેરમેન લવીંગજી સોલંકીએ જણાવ્યા મુજબ મારા નામનો મેન્ડેડ હતો કે નહી તે મને પણ ખબર નથી. બીજા કેટલાક સભ્યો સવારે આવ્યા પછી પાછા જતા રહ્યા હતા.સૂત્રોના મતે મફાજી પણ ચેરમેન પદની હોડમાં હતા પણ તેમણે આ સબંધે કાંઇ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

મહિલા અને બાળ વિકાસ સમિતિના ભચીબેન બાબુભાઇ આહીર હાજર હતા. પરંતુ ચેતનાબેન ભરતભાઈ દેસાઈ અને પાર્વતીબેન પ્રભુજી ઠાકોર ફરવા ગયેલા હોવાથી મીટીંગ મુલત્વી રહી હતી. બંને સમિતિઓની બેઠક મુલત્વી રહેતાં ભાજપ સંગઠનમાંથી મેન્ડેટ લઇને આવેલા ભાજપાના બે પ્રતિનિધિઓ રીન્કુ પટેલ અને રોહિત પટેલ મેન્ડેટ લઈ પરત ગયા હતા. જોકે ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે કાનજીભાઈ જીવાભાઇ દેસાઈની બિનહરીફ વરણી કરાઇ હતી.