લાખો રૂપિયાની લોનના ચક્કરમાં ઠગ ટોળકીએ 91 હજાર પડાવ્યાં

અમદાવાદ, તા.10

વિરમગામ તાલુકામાં રહેતા શિક્ષક અને તેમના મિત્રને લાખો રૂપિયાની લોન આપવાની લાલચ આપી જુદાજુદા ચાર્જ પેટે રૂપિયા 91,637 પડાવી ઓફિસ બંધ કરી ઠગ ટોળકી ફરાર થઈ ગઈ છે. આ મામલે નવરંગપુરા પોલીસે શીવ રાઠોડ, વિજય મહીડા, બિનીતા અને રંજન સામે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રિતેશ કાપડીયા એકાદ મહિના અગાઉ વિરમગામ સ્ટેશન ખાતે આવેલા ગેસ્ટ હાઉસ ખાતે ઓમપ્રકાશ ઉર્ફે મુન્નાના પરિચયમાં આવ્યા હતા. રિતેશ કાપડીયાએ ઓમપ્રકાશને લોન માટે વાત કરતા તેણે નવરંગપુરા સ્ટેડીયમ હાઉસ ખાતે આવેલા કે.વી.એમ.ફાઈનાન્સ સર્વિસીસ કંપનીનું કાર્ડ આપ્યું હતું. કાર્ડમાં આપેલા નંબર પર ફોન કરતા રિતેશભાઈને ડાયરેકટર તરીકેની ઓળખ આપી શીવ રાઠોડે વાત કરી હતી. રિતેશ કાપડીયાએ 14 લાખની અને તેમના મિત્ર ભુદર ઠાકોરે 12 લાખની લોન લેવા માટે ઓમપ્રકાશને કાગળો આપ્યા હતા. ગત 18 સપ્ટેમ્બરના રોજ સ્ટેડીયમ ચાર રસ્તા ખાતે આવેલા સ્ટેડીયમ હાઉસમાં ફાઈનાન્સ કંપનીની ઓફિસ ખાતે રિતેશભાઈ અને ભુદરભાઈ આવ્યા હતા. જ્યાં લોન પ્રોસેસ ફી પેટે રૂપિયા ભર્યા હતા. કંપનીમાં કામ કરતા વિજય મહિડા, બિનીતા અને રંજનની શીવ રાઠોડે ઓળખાણ કરાવી હતી.

પ્રોસેસ ફી ભર્યા બાદ રિતેશભાઈ અને ભુદરભાઈના આઈટી રિર્ટન સહિતના દસ્તાવેજો લોન માટે લીધા હતા. ત્યારબાદ લોન મજૂંર કરવા જુદાજુદા સર્વિસ ચાર્જ પેટે એમ કુલ બંને જણા પાસેથી 91,637 રૂપિયા લોન માટે ઠગ ટોળકીએ પડાવી લીધા હતા. બંને સાથે ઠગાઈ આચર્યા બાદ ટોળકી ઓફિસ બંધ કરીને ફરાર થઈ જતા નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.