અમદાવાદ,03
સ્થાનિક શેરબજારોમાં સતત ચોથા દિવસે ઘટાડો થયો હતો. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લીધે અમેરિકાને ભારે આર્થિક નુકસાન થયું છે, જેને લીધે વૈશ્વિક બજારોમાં મંદીમય હતાં. આ સાથે યુરોપની કંપનીઓના નફામાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશંકાને પગલે પણ યુરોપનાં માર્કેટ નરમ હતાં. આમ નરમ વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોનો પગલે સ્થાનિક શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. જેથી સેન્સેક્સ ઇન્ટ્રા-ડે દરમ્યાન 350 પોઇન્ટ તૂટ્યો eહતો. જોકે બજારમાં અંતિમ સેશન દરમ્યાન વેચાણો કપાતાં સેન્સેક્સ નીચલા મથાળેથી સુધર્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ 199 પોઇન્ટ તૂટીને 38,106.87ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફટી 50 ઇન્ડેક્સ 46.80 પોઇન્ટ તૂટીને 11,313.10ના મથાળે બંધ રહ્યો હતો.
રિઝર્વ બેન્કની ધિરાણ નીતિ બેઠક પહેલાં શેરબજારમાં સુસ્તીનો માહોલ હતો. આરબીઆઇ રેપો રેટમાં વધુ એક કાપ મૂકે એવી સંભાવના છે. રિઝર્વ બેન્ક જીડીપીને વેગ આપવા શાં પગલાં લે છે, એના પર બજારની નજર છે. જોકે આરબીઆઇની નીતિ પહેલા બજારમાં સાવચેતીનો માહોલ હતો. જેથી બેન્કોમાં ભારે વેચવાલી થઈ હતી. બેન્કોની સાથે મેટલ શેરોમાં પણ વેચવાલી હતી.
બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન નિફ્ટીના 11માંથી સાત ઇન્ડેક્સ મંદીમાં હતા. બેન્કો, મેટલ, ફાર્મા, ફાઇનાન્સિયલ અને ખાનગી બેન્કોના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જોકે યસ બેન્ક 34 ટકા મજબૂત હતો. આ સાથે તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, આઇટીસી, એચસીએલ ટેકમાં તેજી હતી. જ્યારે એરટેલ, વેદાંતા, સન ફાર્મા અને કોટક બેન્કમાં વેચવાલી થઈ હતી.
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 19 શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 31 શેરોમાં મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1066 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1629 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 799 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1332 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 7 શેરો ઘટીને સાથે બંધ થયા હતા. જોકે નાના અને મધ્યમ શેરોમાં નીચા મથાળેથી નવી લેવાલી આવતાં આ શેરો સુધર્યા હતા. આ સાથે સરકારી કંપનીઓ ખાસ કરીને સરકારી રિફાઇનરીના શેરો સુધર્યા હતા. સરકારના બીપીસીએલના હિસ્સાને વેચવાની કેબિનેટની મંજૂરી મળવાની ધારણાએ બીપીસીએલ 7.50 ટકા વધીને રૂ. 530.95ના મથાળે બંધ રહ્યો હતો.
યસ બેન્ક 34 ટકા વધ્યો
યસ બેન્કના સહસંસ્થાપક અશોક કપૂરની પુત્રીએ યસ બેન્કના મેનેજમેન્ટમાં અને લીડરશિપમાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો હતો. આ સાથે યસ બેન્કની નાણાકીય સ્થિતિ પણ મજબૂત હોવાનું જણાવ્યું હતું. જેથી યસ બેન્કના શેર 34 ટકા વધીને રૂ. 42.75ના મથાળે બંધ રહ્યો હતો.
બેન્ક નિફ્ટી 307 પોઇન્ટ ઘટ્યો
બેન્કિંગ શેરોમાં ઘટાડાને પગલે નિફ્ટી બેન્ક 307 પોઇન્ટ તૂટીને 28,418.50ના મથાળે બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 164 પોઇન્ટ તૂટીને 15,866.05ના મથાળે બંધ રહ્યો હતો. આમ બેંકિંગ શેર્સમાં ધોવાણ ચાલુ છે. પીએસયુ બેંક શેર્સમાં વેચવાલી ઘણા સમયથી છે, પરંતુ ખાનગી ક્ષેત્રના કેટલાક બેકિંગ શેર્સ પણ ઝડપી ઘટાડો દર્શાવી રહ્યા છે અને બે વર્ષ અગાઉ ઊંચા ભાવે ખાનગી શેર્સ ખરીદનારા રોકાણકારોની મૂડીમાં પણ મોટું ધોવાણ થયું છે.
મંગળવારે 22 જેટલી લિસ્ટેડ પીએસયુ બેંક્સમાંથી 14 બેંક શેરોએ લગભગ તેમના દાયકાનું તળિયું દર્શાવ્યું હતું તો પાંચ ખાનગી બેંકિંગ શેર્સ પણ તેમના ઘણા સમયના તળિયા પર પટકાયા હતા. આ કેટલાક ખાનગી શેર્સમાં પ્રારંભિક સમયગાળામાં પેનિક સેલિંગ જોવાયું હતું અને પાછળથી તેમાં નીચા ભાવે સપોર્ટ મળતાં થોડો સુધારો નોંધાયો હતો.
રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધુ એક કાપ મૂકે એવી શક્યતા
રિઝર્વ બેન્ક આવતી કાલે ધિરાણ નીતિની સમીક્ષા બેઠક કરવાની છે. એવી અપેક્ષા છે કે આરબીઆઇના ગવર્નર શક્તિદાસની અધ્યક્ષતાવાળી મોનિટરી પોલિસી કમિટી સુસ્ત પડેલા અર્થતંત્રને વેગ આપવા માટે મહત્ત્વના વ્યાજદર રેપો રેટમાં વધુ એક કાપ મૂકે એવી શક્યતા છે. આ પહેલાં બેન્ક આ વર્ષે રેપો રેટમાં ચાર વાર કાપ મૂકીને કુલ 1.10 ટકાનો કાપ મૂકી ચૂકી છે. ઓગસ્ટમાં આરબીઆઇએ પાછલી સમીક્ષા બેઠકમાં 0.35 ટકાનો કાપ મૂકી ચૂકી છે. જેથી રેપો રેટ 5.40 ટકા પર આવી ગયો છે. બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આરબીઆઇ રેપો રેટમાં હજી 0.25 ટકાથી 0.40 ટકાનો કાપ મૂકે એવી ધારણા છે.
વૈશ્વિક બજારો મહિનાના તળિયે
અમેરિકાની આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની આશંકા અને યુરોપની કંપનીઓના નફામાં નબળાઈની આશંકાને પગલે બુધવારે વૈશ્વિક બજારોમાં નરમાઈ પ્રવર્તતી હતી. અમેરિકાના ઉત્પાદનનો મહત્ત્વનો સૂચકાંક ગણાતો
ઇન્સ્ટિટ્યુટ ફોર સપ્લાય મેનેજમેન્ટ (ISM)નો ફેક્ટરી એક્ટિવિટી ઇન્ડેક્સ મંગળવારે જૂન, 2009 પછીના સૌથી નીચા સ્તરે પહોંચતા વેચવાલી શરૂ થઈ હતી. આ સાથે વૈશ્વિક અર્થતંત્રમાં અત્યાર સુધી આશાનું કિરણ ગણાતા અમેરિકન અર્થતંત્ર પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
યુરોપ પણ મંદીમાં સરી પડવાની શક્યતા હોવાનું જણાય છે. યુરોપની સ્થિતિમાં નબળાઈ અને ચીનની ધીમી પડી રહેલી આર્થિક વૃદ્ધિને પગલે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતા વધી છે. તેને લીધે રોકાણકારોને પ્રોફિટ-બુકિંગનું કારણ મળ્યું છે.
યુરોપિયન બજારોમાં વ્યાપક ઘટાડાને પગલે વૈશ્વિક બજારનો અંદાજ આપતો એમએસસીઆઇ ઇન્ડેક્સ 1.49 ટકા ઘટ્યો હતો. યુરોપનાં બજારો મહિનાની નીચી સપાટીએ સરક્યાં હતાં. એફટીએસઈ 100 ઇન્ડેક્સ યુરોપિયન બજારોમાં સૌથી વધુ બે ટકા ઘટ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 436.86 પોઇન્ટ (1.64 ટકા) ઘટીને 26,136.18ની સપાટીએ સરક્યો હતો. એસ એન્ડ પી 500 46.32 પોઇન્ટ (1.58 ટકા) ઘટીને 2,893.93 અને નેસ્ડેક 118.51 પોઇન્ટ (1.5 ટકા) ઘટીને 7,790.18ના મથાળે પહોંચ્યો હતો.