અમદાવાદ, તા. 22
કથિત પ્રેમ પ્રકરણમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા પાસે લીનુ સિંહ દ્વારા તેમની પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ અંગેનાં દસ્તાવેજી પુરાવા તેમની પાસે હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. આ પ્રકારનાં આક્ષેપ સાથે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે.
મોડી સાંજે પોતાનાં ગૌરવ દહિયાએ વકીલ હિતેશ ગુપ્તા પત્રકારો સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારો સાથેની વાતચીતમાં તેમના વકીલે કહ્યું કે, આ મહિલા દ્વારા તેમને ફસાવવામાં આવી રહ્યા છે અને તેમણે ક્યારેય આ મહિલા સાથે લગ્ન નથી કર્યા. અને આ મહિલા સદંતર જૂઠ્ઠું બોલી રહી છે. આ મહિલાએ તેમની સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ આ મહિલાની વિવાદાસ્પદ ભૂમિકાઓને જોતાં દહિયાએ ક્યારેય તેની સાથે લગ્ન કર્યાં નહોતા. ટૂંકમાં આ સંબંધ લગ્નમાં પરિણમતાં પહેલાં જ પૂર્ણ થઈ ગયો હતો. અને મહિલાએ જે આરોપો મૂક્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. અને આ મહિલાએ દહિયા પાસે રૂ. 20 કરોડની માંગણી કરી હોવાનાં દસ્તાવેજી પુરાવા પણ છે અને જે અમે જે તે તપાસ એજન્સીની તપાસ દરમિયાન આપ્યા છે. અને વખત આવ્યે અમે મીડિયા સમક્ષ પણ એ રજૂ કરીશું. આ ઉપરાંત દહિયા આઈએએસ અધિકારી હોવાનાં કારણે તે કાયદાની મર્યાદામાં રહીને રજૂઆત કરી રહ્યાં છે.
તિરુપતિમાં લગ્નની વાત ખોટી
તિરુપતિમાં લગ્ન અંગેનાં પૂછાયેલા સવાલમાં ગુપ્તાએ જણાવ્યું હતું કે, તિરુપતિમાં લગ્નની વાત છે તો ત્યાં લગ્ન કરવા માટેની જરૂરી પ્રક્રિયા કરવી પડે છે અને જે માટે ક્યારેય દહિયાએ કે આ મહિલાએ કરી જ નથી. અને જે તસ્વીરોને રજૂ કરીને લગ્નનો દાવો કરી રહી છે તો તે મામલે અમારા તરફથી તપાસ એજન્સીને જરૂરી દસ્તાવેજો પણ આપી દેવામાં આવ્યા છે. જ્યારે આ મહિલાએ ફેસબૂકમાં પણ ફેક આઈડી બનાવીને તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાનું અમે સાબિત કરી આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આ મહિલાએ ફેસબૂકમાં ફેક આઈડી બનાવીને તેમાં જ તેના અને દહિયાનાં ફોટા અપલોડ કરેલાં. અને લગ્નની વાત જાહેર કરી હતી. આ ઉપરાંત જે બાળકની વાત કરે છે તો તેનાં જન્મના સમયે જે તે હોસ્પિટલમાં આ મહિલાએ પોતાનાં ફોર્મમાં લગ્ન નહિ કર્યા હોવાની વાતનો ઉલ્લેખ કરેલો છે. આ ઉપરાંત મહિલા દ્વારા જે દાવા કરવામાં આવે છે તે ખોટા અને દહિયાને બદનામ કરવાના આશયથી જ કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં કરેલી ફરિયાદની તપાસમાં મહિલા હાજર નથી રહી
ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે, આ મહિલા દ્વારા જે પ્રકારે દાવા કરવામાં આવી રહ્યા છે તેને જોતાં આ મહિલાએ દિલ્હીનાં માલવિયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી અને અગાઉ પણ આ મહિલાએ અલીગઢમાં એક ફરિયાદ કરેલી. તેની સામે અમારા તરફથી પણ અરજી કરાયેલી. અને દિલ્હીનાં માલવીયનગર પોલીસ સ્ટેશનની ફરિયાદની તપાસમાં અમે તમામ સમયે હાજર રહ્યા છીએ જ્યારે આ મહિલા ક્યારેય ઉપસ્થિત થઈ જ નથી. આટલું ઓછું હોય એમ બુધવારે દિલ્હીનાં આ પોલીસ સ્ટેશનમાં અમે તપાસ માટે હાજર રહ્યા હતા પરંતુ આ મહિલાને ફોન કરવા છતાં તે હાજર રહી નહોતી તે જ બતાવે છે કે આ મહિલા દ્વારા ખોટી ફરિયાદ કરીને દહિયાને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.
એક સવાલનાં જવાબમાં ગુપ્તાએ જણાવ્યુ હતું કે, અમને દહિયાનો સસ્પેન્શનનો ઓર્ડર મળ્યો છે. પરંતુ તપાસ કમિશનનો અહેવાલ મળ્યો નથી. આ અહેવાલ જ્યારે મળશે ત્યારે અમે તે બાબતે જરૂરી પુરાવા રજૂ કરીને અમારી નિર્દોષતા સાબિત કરીશું.