લીલીયામાં સિંહણે વધું 4 બચ્ચાને જન્મ આપ્યો

લીલીયા બૃહદગીર વિસ્‍તારની શેત્રુંજી-ગાગડીયો નદીનાં સીમ વિસ્‍તારમાં પાછલા અઢી દાયકાથી એશિયાઈ સિંહો પોતાનું રહેઠાણ બનાવી મોટી સંખ્‍યામાં વસવાટ કરી રહૃાા છે અને સને 2013થી રાજમાતા સિંહણે અંટાળીયા વિસ્‍તારમાં બચ્‍ચા આપી સિંહોનો વસવાટ શરૂ થયો હતો. ત્‍યારબાદ આ વિસ્‍તારમાં કાયમી સિંહોએ વસવાટ શરૂ કરી નવું નિવાસ સ્‍થાન બનાવી રહેવાનું શરૂ કરેલ છે.

તેવા સમયમાં આજ વિસ્‍તારમાં એક સિંહણે તાજેતરનાં સમયમાં ચાર સિંહબાળને જન્‍મ આપી સિંહોની સંખ્‍યામાં નોંધનીય વધારો કરેલ છે. જેને લઈ સ્‍થાનિક સિંહપ્રેમીઓમાં અનેરો આનંદ અને ઉલ્‍લાસ જોવા મળી રહૃાો છે. સિંહ પોતાના 12થી 15 દિવસનાં ચાર સિંહબાળને લઈ સલામત સ્‍થળે લઈ જતી હતી વેળાએ અંટાળીયા-સાજણટીંબામાર્ગ પસાર કરી રહી હતી તે વેળા એક-એક બચ્‍ચાને પોતાના મોઢામાં લઈ માર્ગના આ છેડેથી પેલા છેડે મુકી રહી હતી. તે વેળા આ માર્ગ પરથી પસાર થઈ રહેલ કેટલાક લોકોએ સિંહણની પોતાના બચ્‍ચા પ્રત્‍યેની માતૃત્‍વભાવના નજરે નિહાળી આશ્ચર્યમાં મુકાયા હતા અને 12થી 15 દિવસના નાનકડા સિંહબાળો નજરે નિહાળી અદભુત આનંદ પણ અનુભવ્‍યો હોવાની લાગણી જોવા મળી હતી. આ વિસ્‍તારમાં વન વિભાગના કર્મચારી રાઉન્‍ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહૃાા હોવાનું નજરે પડી રહૃાું છે.