કુંકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષા જેવા હોય છે. ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જિલ્લામાં રહેતા કુકણા લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે. ડાંગ જિલ્લામાં આ બોલીનો ઉપયોગ 95 ટકાથી પણ વધુ લોકો કરતા હોવાથી ડાંગી બોલી પણ કહેવાય છે.
ગુજરાત સરકારે આ બોલી અને તેના અનોખા શબ્દો માટે કોઈ અલગ દરજ્જો આપ્યો નથી. જે રીતે કચ્છી બોલી છે તેમ આદિવાસી પ્રદેશમાં પણ અલગઅલગ બોલી છે. જે ભારતની ભાષાઓનું મિશ્રણ છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી કુકણા બોલી, ભીલી, ગામીત બોલી, વસાવા બોલી, ધોડીયા બોલી , ચૌધરી બોલી વગેરે આવે છે.
આદિવાસી સમાજ માતૃપ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોડી આયો (દાદીમા) લેતી હોય છે. કન્યા જાન લઇને વરના ઘરે પરણવા જાય છે. તેમ છતાં તેમની માતૃભાષા અંગે ગુજરાત સરકારે આજ સુધી કોઈ મહત્વનો નિર્ણય લીધો નથી.
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આમ જોઇયે તો તમામ આદિવાસી બોલીઓ એકંદરે સાંભળવામાં સમાન લાગે છે. કુંકણા સમાજની વસ્તી ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસવાટ કરતી હોવાથી તેમની ભાષા પર ગુજરાતી અને મરાઠી ભાષાનો પ્રભાવ વધારે જોવા મળે છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિતને પણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં 12 કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ તથા ક્રિયાપદો હોય છે. આદિવાસીઓએ પણ પોતાનું એક અલાયદુ પંચાંગ બનાવ્યું છે.
ધોડિયા જાતિના 250થી વધુ કૂળો છે. કુંકણા લોકો પુરાતન કાળમાં કોંકણના કોઈ ભાગમાંથી આવેલા હોવાથી કુંકણા કહેવાય છે. ભીલી બોલી પણ છે. કૂકણા, ધોડિયા, ગામિત, ચૌધરી, વસાવા, ભીલ, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
કુંકણા ભાષાની કેટલીક વિશિષ્ટતાઓ છે. કુંકણા ભાષામાં માનવાચક સંબોધનો નથી. બીજા પુરુષ સર્વનામમાં ‘તું’ જ બોલાય છે. ‘તમે’ અને ‘આપ’ માટે પણ ‘તું’ જ બોલાય છે. સમૂહ માટે ‘તુંમી’ શબ્દ ઉચ્ચારાય છે. કુંકણા ભાષાના ઘણા શબ્દો અનુનાસિક છે. કુંકણા ભાષામાં પુરુષવાચક અને સ્ત્રીવાચક વિશિષ્ટ શબ્દો છે.
ગુજરાતી વાક્ય: ‘શું કરો છો?’ પુરુષવાચક: ‘કાય કરે હશ રે?’ સ્ત્રીવાચક: ‘કાય કરે હશ હે’ આમ, અનુક્રમે ‘રે’ અને ‘હે’ પુરુષ અને સ્ત્રી માટેનાં ખાસ સર્વનામ છે. આવા અનેક ઉદાહરણો મળી આવે છે.
ડાહ્યાભાઈ વાઢુ દ્વારા સંકલન અને ગુજરાતી અનુવાદ ‘કુંકણા કથાઓ’માં આગવી સૂઝ અને સમજના કારણે આદિવાસી સમાજ, સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય થાય છે. ડાહ્યાભાઈ વાઢુ દ્વારા ભાષાની વિશિષ્ટતાઓ સાથે જાતિવાચક સંજ્ઞા અને કાળ, સંખ્યાવાચક શબ્દો અને શબ્દસૂચી તરીકે સગાઇ સંબોધન, શરીરના ભાગો, ઘરના ભાગો, રસોડાનાં સાધનો, ક્રિયાઓ,પક્ષી અને પ્રાણીના નામો, સામાજિક ઉત્સવો, સર્વનામ અને કેટલાક વિશિષ્ટ શબ્દસૂચી આપી છે. જે ઘણી ઉપયોગી અને નોંધનીય છે.
કુંકણા ભાષાની મૌખિક પરંપરાને જીવંત રાખનાર ભગત દેવો
ડાહ્યાભાઈ વાઢુ પાસેથી સંકલન અને ગુજરાતી અનુવાદ લોકકથાઓનું પુસ્તક ‘કુંકણા કથાઓ’ ઈ.સ.૨૦૦૦માં પ્રાપ્ત થાય છે. જેમાં મુખત્વે મૂળ કુંકણા ભાષા અને ગુજરાતી અનુવાદમાં ચાર કથાઓનો સમાવેશ કર્યો છે. ૧. સતીમાતા, ૨. રાજા માનસિંહ અને સાળવાં રાણી, ૩. કનસરી અને ૪. ઉના. આ કથાઓ વિવિધ પ્રસંગો, તહેવારો, ઋતુચક્ર અને જીવનચક્ર સાથે સંકળાયેલી છે.
કુંકણા સમાજની મૌખિક પરંપરા જોઈએ તો દરેક દિવસે-તહેવાર-ઉત્સવો સાથે- ક્યાંક ને ક્યાંક મૌખિક પરંપરામાં લોકકથા કે લોકગીતો કહેવાતા કે ગવાય છે. આ કથાગીતો ધાંધળી, થાળી, ઢાક જેવા વિવિધ વાજિંત્રોના તાલે કહેવાય છે, ગવાય છે. હવે ડાહ્યાભાઈ વાઢુ દ્વારા સંપાદિત ‘કુંકણા કથાઓ’ના સંદર્ભે એમની કાર્યપધ્ધતિ જોઈશું.
(‘કુંકણા કથાઓ’, સંકલન અને ગુજરાતી અનુવાદ : ડાહ્યાભાઈ વાઢુ, પ્રકાશક : આદિવાસી ભાષા સાહિત્ય પ્રકલ્પ, (સાહિત્ય અકાદમી, નવી દિલ્હી)
કુકણા બોલીના કેટલાક શબ્દાર્થો
ગુજરાતી – કુકણા
મારું – માના
તારું – તુના
કેમ છે – કિસાંક આહા
સારું છે – બેસ આહા
છોકરો – પોસા
છોકરી – પોસી
પિતા – બાહાસ
માતા – આઇસ, આયા
બેન – બહનીસ, બહીન, બુયુ
ભાઈ – ભાઉસ
ભેંસ – દોબડ
ડોસો – ડવર
હું આવું છું – માં યેહે તાંવ
વાઘ – ખડિયાં
માસી – જીજીસ
ખાધુ કે – ખાયનાસ કા
આજે – આજ
ગઇ કાલે – કાલ દીસ
આવતી કાલે – ઉદે (સકાળ)
રીંછ – નડગ