અમદાવાદ : ફાયનાન્સ કંપનીમાં લૂંટ કરવા માટે ચિરાગ ભાવસારને ગુનાહિત ઈતિહાસ ધરાવતા અમદાવાદ શહેરના કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહે પિસ્તોલ-કારતૂસની વ્યવસ્થા કરી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘાટલોડીયા પોલીસે પિસ્તોલ લાવી આપનારા ગજેન્દ્રસિંહ મફાજી વિહોલની ધરપકડ કરી આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
શનિવારે બપોરે ઘાટલોડીયા પ્રભાત ચોક વિસ્તારમાં આવેલી આઈઆઈએફએલ ફાયનાન્સ કંપનીમાં લૂંટના ઈરાદે ગયેલા ચિરાગ ભાવસારે પિસ્તોલમાંથી ફાયરીંગ કર્યું હતું. જો કે, ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજર આશિષ રાજપરાની બહાદુરીના કારણે આરોપી ચિરાગ ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં પિસ્તોલ આબુ રોડ ખાતેથી લાવ્યો હોવાનું રટણ કરતા ચિરાગે પોલીસે લાલ આંખ કરતા વટાણા વેરી નાંખ્યા હતા અને પિસ્તોલ અમદાવાદના એક કોન્સ્ટેબલે લાવી આપી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ.ગામીતે દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતા અને પોલીસ હેડ કવાટર્સમાં ફરજ બજાવતા ગજેન્દ્ર મફાજી વિહોલને ઝડપી પાડયો હતો. ચિરાગે હથિયાર લેવાની વાત તેના મિત્ર દર્શન ચાવડાને કરતા હથિયારી કોન્સ્ટેબલ ગજેન્દ્રનો પરિચય કરાવ્યો હતો. ગજેન્દ્રએ પિસ્તોલ અને કારતૂસ અપાવવા પેટે 10 હજાર અને 20 હજાર રૂપિયા રોકડા બે તબક્કામાં મેળવ્યા હતા અને 25 હજાર રૂપિયા હથિયાર મોકલનારા એક મુસ્લીમ શખ્સના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. દસેક દિવસ પહેલા ચિરાગને પિસ્તોલ અને કારતૂસની ડિલીવરી મળી હતી.
અઢી મહિના જેલમાં હતો
મહેસાણાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામનો વતની ગજેન્દ્રસિંહ મફાજી વિહોલ વર્ષ 2006માં આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો. હાલ અમદાવાદ પોલીસ હેડ કવાટર્સ ખાતે ફરજ બજાવતો ગજેન્દ્ર વિહોલ વર્ષ 2018માં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના કેસમાં 73 દિવસ જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું પીઆઈ પી.એમ.ગામીતે જણાવ્યું છે. ગજેન્દ્ર વિરૂધ્ધ વર્ષ 2017માં મણીનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.