લોકરક્ષક પેપર કૌભાંડનો ભેજાબાજ દિલ્હીથી પકડાયો

બહુચર્ચિત લોકરક્ષક પેપર લિક કૌભાંડનો માસ્ટર માઇન્ડ દિલ્હીથી પકડાઇ ગયો છે. પેપરલિક કાંડમાં અગાઉ 20 આરોપી પકડાયા બાદ દિલ્હી પોલીસમાંથી સસ્પેન્ડ કરાયેલો વિનોદ ધરમવીરસિંગ ચિખારા (ઉ.વ.34) માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસે દિલ્હી-હરિયાણા બોર્ડર પરથી તેને ઝડપી લીધો છે. આરોપી વિનોદ તેના ભાઇ સાથે મળીને સરકારી ભરતીની ઓનલાઈન પરીક્ષા લેતી કોમ્પ્યુટર લેબ ચલાવે છે.

પેપરકાંડનો માસ્ટરમાઇન્ડ વિનોદ પેપર રદ્ થયા બાદ લોકેશન બદલતો રહેતો હતો અને મોબાઇલમાં સીમકાર્ડ પણ જુદા જુદા વાપરતો હતો. વિનોદે વિરેન્દ્ર માથુરને પેપર આપીને 10 લાખ રૂપિયા લીધા હતા. વિનોદની પૂછપરછમાં સામે આવ્યું છે કે કર્ણાટકના ઉડુપી જિલ્લામાં મનીપાલમાં પ્રિન્ટિંગ પ્રેસમાંથી ગુજરાત એલઆરડીનું પેપર વિનય અરોરા, વિનોદ રાઠોડ, મહાદેવ અસ્તુરે, સત્યવાન અને રોહીતની મદદથી ચોરી કર્યું હતુ. અને કુલ એક કરોડ રૂપિયામાં સોદો થયો હતો.

ગુજરાતમાંથી દિલ્હી ગયેલા ઉમેદવારોને પેપર વાંચવા આપવામાં આવતુ હતુ અને વિનોદ પણ ત્યાં હાજર રહેતો હતો. વિનોદ ચિખારા, અશોક અને વિજય દિલ્હી પોલીસમાં બોગસ માર્કશીટ અને ખોટા ડોક્યુમેન્ટસ રજૂ કરીને ભરતી થયા હતા. પાંચ વર્ષ સુધી પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કર્યા બાદ સમગ્ર રેકેટ બહાર આવ્યું હતું.અને તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા.