લોકસભાની ચૂંટણીને બરાબર એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે રાજયમાં વિવિધ મુદ્દાઓને લઇને પાટીદાર અને દલિત આંદોલનકારીઓ તેમજ અનેક સંગઠનો ફરી ભાજપ સરકાર સામે સક્રિય થઇ રહ્યા છે, જે આગામી સમયમાં ભાજપ માટે શિરદર્દ સમાન બની શકે છે. ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પણ પાસ, દલિત મંચ, ઓબીસી-ઠાકોર, માલધારી સમાજ વિગેરેના સંગઠનો દ્વારા ઉગ્ર રીતે વિવિધ મુદ્દાઓને લઇને આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેના કારણે ભાજપ માંડ માંડ ચૂંટણીમાં જીતી શકયું હતું. ત્યારે ૨૦૧૯માં લોકસભાની બેઠકોનું મિશન-૨૬ પૂર્ણ કરવા ભાજપ સરકાર અને સંગઠન માટે આંદોલનકારીઓના પ્રશ્ને માર્ગ કાઢવાનો અત્યારથી જ પડકાર ઉભો થયો છે.
પાસના કન્વીનર હાર્દિક પટેલે નવેસરથી પાટીદાર અનામત આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે અને તેના ભાગરૂપે કોંગ્રેસના પીઠબળથી મોટી માલવણમાં મહાપંચાયતના નામે એક સંમેલન યોજીને લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મોરચો માંડવાના શ્રીગણેશ કરી દીધા છે. પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ ભવિષ્યમાં સંમેલનો યોજવામાં આવશે. જો કે પાસમાં પડેલા ભાગલા અને વ્યક્તિગત રીતે ખરડાયેલી છબીના કારણે આ વખતે હાર્દિકને પાટીદાર સમાજનો સાથ વ્યાપક પ્રમાણમાં મળે તેવી શકયતા ઓછી છે. તેમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેકટરના કારણે કેટલીક બેઠકો ભાજપને ગૂમાવવી પડી હતી તે બાબતને ભાજપ નજરઅંદાજ કરી શકે તેમ નથી. પાસનું એક અન્ય જૂથ પણ પાટીદાર શહીદ યાત્રા મારફતે અનામત આંદોલનની ઝુંબેશ શરૂ કરવા પ્રયત્નશીલ છે.
બીજી તરફ રાજયમાં છેલ્લા કેટલાક સમયમાં દલિતો પર અત્યાચારને લગતા બનાવો વિવિધ સ્વરૂપે બહાર આવી રહ્યા છે. કેટલાક મુદ્દાઓ સાચા હોય છે તો અનેક કિસ્સામાં અંગત ઝઘડો હોય તેને પણ દલિતો સામેના અત્યાચારનું સ્વરૂપ આપી મુદ્દો બનાવી દઇને કેટલાક આંદોલનકારીઓ સક્રિય છે. કોંગ્રેસના ટેકાથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ ભૂમિહીન દલિતોને સરકારી જમીન, દલિત અત્યાચાર અને ભાજપ સરકારની વિવિધ મુદ્દે નિષ્ફળતાને લઇને સતત આંદોલનનો મોરચો ખોલી રહ્યા છે. ભાજપના દલિત નેતાઓની નિષ્ક્રિયતા અને મેવાણીની આક્રમકતાના કારણે દલિત સમાજનો એક વર્ગ ભાજપ વિમુખ થઇ રહ્યો હોવાની છાપ અત્યારથી જ ઉભી થઇ રહી છે.
તે ઉપરાંત ગૌચર જમીનનો મુદ્દો, દારૂબંધી, ગાયોને ઘાસચારો, સરકારી યોજનાઓમાં આવાસની ફાળવણી વિગેરેને લઇને પણ અનેક સંગઠનો અને સમાજના લોકો ભાજપ સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. ભાજપ સરકારની લોકોપયોગી અનેક યોજનાઓ-જાહેરાતો છતાં તેનો લાભ મળવાના બદલે આંદોલનકારીઓ અને સંગઠનો વિવિધ મુદ્દાઓ પરનું ઉગ્ર વલણ લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ માટે પરેશાની ઉભી કરે તેવા એંધાણ છે.