લોકસભા-2019 ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મતથી વંચિત રાખવા ષડયંત્ર રચાયું

લોકસભા-2019ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મતથી વંચિત રાખવા એક ષડયંત્ર રચાયું હતું. નરેન્દ્ર મોદી મતદાન ના કરી શકે તે માટે મતનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સુધી પહોંચવા મથામણ શરૂ કરી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ મતદાર તરીકે સાબરમતી વિધાનસભાની યાદીમાં સામેલ છે અને રાણીપ ખાતેની નિશાન સ્કુલમાં તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી મતદાન કરી રહ્યા છે. લોકસભા-2019 ઈલેકશન પહેલા ચૂંટણી પંચે તા. 4 જાન્યુઆરીથી તા. 10 માર્ચ દરમિયાન કોઈને મતદાર તરીકે નામ ઉમેરવું હોય કે કમી કરાવવું હોય તો રૂબરૂ જઈને તેમજ ઓનલાઈન અરજી કરવા જાહેરાત કરી હતી. મતદાર યાદીમાં નામ ઉમેરવા કે કમી કરવા માટે ઈલેકશન કમીશનની વેબસાઈટ પર ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવતી હતી. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા જ કોઈએ નરેન્દ્ર મોદીનું મતદાર યાદીમાંથી નામ કમી કરવા ભારતીય ચૂંટણી પંચના ઓનલાઈન સોફટવેરમાં અરજી કરી દીધી હતી. નરેન્દ્ર મોદી મતદાન કરવાથી વંચિત રહે તેમજ ઉમેદવારી નોંધાવી ના શકે તે માટે રચાયેલા ષડયંત્રના ભાગરૂપે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી.

સમગ્ર મામલો ઈલેકશન કમિશન તેમજ અમદાવાદ કલેકટર કચેરીના ધ્યાને આવતા સાયબર ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપી દેવામાં આવી હતી. ચેતન અંબાલાલ ગાંધી નામના સરકારી કર્મચારીએ સાયબર ક્રાઈમ બ્રાંચમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. આ મામલો ગુપ્ત હોવાનું જણાવી પોલીસ અધિકારીઓ માહિતી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.