લોખંડના ગડરોની ચોરી કરતાં બે શખ્સ ઝડપાયા

અમદાવાદ: તા. 23
અમદાવાદ શહેરના નારણપુરા રેલવે ક્રોસિંગ પાસેથી રિક્ષામાં લોખંડના ગડરો ભરીને જતાં બે શખ્સોને નારણપુરા પોલીસે ઝડપી લીધા છે. પૂછપરછમાં ગડરો ચોરીની હોવાની કબૂલાત કરતા પોલીસે રિક્ષા સહિત કુલ રૂપિયા ૮૪,૮૦૦ના મુદ્દામાલને કબ્જે લઈને બંનેની ધરપકડ કરી છે. નારણપુરા પોલીસનો સ્ટાફ નાઈટ રાઉન્ડમાં હતો ત્યારે સવારે વહેલી પરોઢના નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે આશ્રમ રોડ તરફથી આવતી એક રિક્ષા શંકાસ્પદ જણાતા તેને અટકાવી હતી. રિક્ષાની તલાશી લેતા તેમાંથી લોખંડની ચાર ગડર મળી આવી હતી. જે અંગે રિક્ષા ચાલક અને તેમાં બેસેલ અન્ય વ્યક્તિને પૂછપરછ કરતાં માહિતી આપી શક્યા ન હતા. આથી આ બંને શખ્સોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં આ ગડર માધવપુરાથી લઈ આવ્યા હોવાનું જણાવ્યુ હતું. આથી નારણપુરા પોલીસના લોકરક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપજી પ્રધાનજીએ આ બંને શખ્સ નસીમ મુસ્તુફામીયાં શેખ (ઉ.૫૨ રહે.દિલ્હીવાળી ચાલી, બકરા મંડી પાસે, રાણીપ) અને દિપક લાલજીભાઈ પટેલ (ઉ.૫૨ રહે. પારસનગર  વિભાગ-૨,સોલા રોડ, નારણપુરા)ની ધરપકડ કરીને તેમની સામે ફરિયાદ નોંધી ચાર ગડર અને રિક્ષા કબ્જે લઈ આગળની તપાસ શરૂ કરી છે.