લોટા દ્વારા પાણી ભરી ખેડૂતોએ સિંચાઈનો કર્યો વિરોધ

મોરબી પંથકમાં જળ માટે જંગ કરી રહેલાં ખેડૂતોનાં આંદોલનને આજે સાતમો દિવસ છે. આ પંથકનાં 20 ગામોનાં ખેડૂતો દ્વારા પોતાનો પાક બચાવવા માટે પાણીની માંગણી કરવામાં આવી રહી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે મતો મેળવવાની લ્હાયમાં ભાજપ સરકાર દ્વારા પાણીની વિવિધ યોજનાઓને અમલી કરવામાં આવી હતી અને ખાસ કરીને સૌની યોજના અમલી કરીને મોટા પાયે પાણીનાં વધામણાં કરવામાં આવ્યા હતા અને આ વધામણાં કરવા ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યાં હતાં. તે સમયે સૌરાષ્ટ્રવાસીઓને આશા હતી કે તેમને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી જશે. ખાસ કરીને ખેડૂતોમાં આનંદની હેલી જે તે સમયે ફેલાઈ હતી. પરંતુ આ આશા ઠગારી નીવડી છે અને આજે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં અપૂરતાં વરસાદનાં કારણે પાણીની અછતનું નિર્માણ થયું છે અને તેનો ભોગ સૌથી પહેલાં ખેડૂતો બન્યાં છે.
મોરબીનાં ડેમી-2 અને ડેમી-3માં પાણી ખલાસ થઈ જવાનાં કારણે આ વિસ્તારનાં 20 ગામોનાં ખેડૂતોને સૌથી વધુ પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં આ ગામોનાં ખેડૂતોએ ડેમી-2 અને ડેમી-3નાં કેચમેન્ટ એરિયામાં પાણીનાં પોકાર સાથે વિવિધ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું છે. આ આંદોલનનાં ભાગરૂપે આજે સાતમા દિવસે આ બંધમાં આ ગામોનાં ખેડૂતો અને બાળકીઓએ લોટા દ્વારા પાણી નાંખીને ડેમ ભરવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોએ પાણી વિનાનાં આ બંધોમાં નાનાં ખાબોચિયામાં તરફડતી માછલીઓ બચાવવા માટે આ પ્રયાસ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર ડેમ ન ભરે તો માત્ર ખેડૂતોને જ નહિ પણ સમગ્ર જીવ સૃષ્ટિનાં અસ્તિત્વ પર જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારે પાણી ભરીને સરકારની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે.
હવે જોવું એ રહ્યું કે, આ વિસ્તારનાં ખેડૂતોને પડી રહેલી હાલાંકીના ઉકેલ માટે રાજ્ય સરકાર કોઈ નક્કર યોજના બનાવે છે કે નહિ.