વકફ 1995ના કાયદા હેઠળ ઈમામ, મૌલવી જેવા લોકોની નોંધણી ફરજિયાત કરવાની માગણી

રાજ્યમાં આવેલી મસ્જિદો અને મદરેસામાં રહેતા અને ઈસ્લામનું શિક્ષણ આપતાં ઈમામ, મુફ્તિ, મૌલવી, આલિમ, કારી જેવા લોકોની નોંધણી કરવામાં આવતી નહિ હોવાથી સાચા મુસ્લિમ સમાજના લોકોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસ પહેલાં સુરતમાંથી લખનૌના કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા કેટલાક મુસ્લિમ લોકો ઝડપાતા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને આ પ્રકારની ઘટના બનતા ફરી મુસ્લિમ સમાજના નિર્દોષ લોકો નિશાન ન બને તે માટે મુસ્લિમ સમાજ દ્વારા રાજ્ય સરકાર વકફ બોર્ડના 1995ના કાયદા અન્વયે આવા લોકોની નોંધણી ફરજિયાત બનાવે એવી માગણી કરી છે.

મુસ્લિમ અગ્રણી દ્વારા દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ બાબતે જુલાઈ મહિનામાં પત્ર લખીને અનુરોધ કર્યો હતો કે, રાજ્યમાં આવેલી મસ્જિદો અને મુસ્લિમ બાળકો માટે ચાલતી મદરેસાઓમાં ભણાવવા માટે આવતા લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી. આ સંજોગોમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક લેભાગુ બની બેઠેલા ઈમામ, મુફ્તિ, મૌલવી, આલિમ અને કારી જેવા લોકો આવી જાય છે અને તેઓ ઉશ્કેરણીજનક ભાષણો તેમ જ દેશહિતની વિરૂદ્ધનો અભ્યાસ કરાવે છે. જેના કારણે આખા મુસ્લિમ સમાજને ગુનેગારની જેમ જોવામાં આવે છે. અને ક્યારેક કોઈ અજુગતી ઘટના બને ત્યારે રાજ્યના સાચા અને નિર્દોષ મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે.

કોઈ એકના કારણે આખી કોમ બદનામ થાય છે

એક અગ્રણીએ નામ ન લખવાની શરતે જનસત્તાને જણાવ્યું કે, હાલમાં જ લખનૌમાં કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા કેટલાંક મુસ્લિમો સુરતથી ઝડપાતા ગુજરાતના મુસ્લિમ સમાજ પર આંગળી ચિંધાઈ રહી છે. છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાતમાં આવી રીતે આવીને ઉશ્કેરણીજનક ભાષણો આપીને મુસ્લિમ સમાજના યુવાનોને ગરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અને આ સ્થિતિમાં કોઈ એક અસામાજિક તત્વને કારણે આખી કોમ બદનામ થઈ રહી છે.

દરેક ક્ષેત્રના લોકોની નોંધણી થાય છે

દેશમાં તમામ ક્ષેત્રના લોકોની નોંધણી જે તે ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થામાં કરવાની ફરજિયાત હોય છે. જેમ કે, તબીબ હોય તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, વકીલ હોય તો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં, ઘરઘાટીની પણ જે તે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. તો મદરેસામાંથી પાસ થઈને ઈમામ, મુફ્તિ, મૌલવી, આલિમ કે કારીની નોંધણી ક્યાંય કરવામાં આવતી નથી. વગેરેની પણ આ પ્રકારે જે તે સંસ્થા સાથે નોંધણી થાય છે. જ્યારે મદરેસામાંથી પાસ થઈને ડીગ્રી લઈને નીકળેલા લોકોનું ક્યાંય રજિસ્ટ્રેશન થતું નથી. આ અંગે મુસ્લિમ અગ્રણી કહે છે, વકફના 1995ના કાયદા પ્રમાણે ઈસ્લામનો પ્રચાર કરતાં તમામ લોકોની નોંધણી કરવાની જોગવાઈ હોવા છતાં ક્યાંય આ પ્રકારની નોંધણી થતી નથી. ત્યારે જો આ પ્રકારની નોંધણી નહિ થાય તો આગામી દિવસોમાં નિર્દોષ લોકોને ભોગ બનવું પડશે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

શું કહે છે વકફ કાયદો-1995ની કલમ 3

વકફ કાયદો-1995ની કલમ 3 (કે)માં સ્પષ્ટ કહ્યું છે કે, જે કોઈ વ્યક્તિ મસ્જિદ, ઈદગાહ, ઈમામ્બ્રા, દરગાહ, મકબરા, કબ્રસ્તાન કે અન્ય કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલો હોય તો તેને વકફ બોર્ડનો સભ્ય ગણવામાં આવે છે અને તે અંતર્ગત કલમ 37 અન્વયે બોર્ડ દ્વારા તેની નોંધણી કરવી ફરજિયાત છે. જેથી કોણ ક્યાં શું કરી રહ્યા છે તેની જાણકારી મળી રહે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તો તે અંગે પણ તાત્કાલિક પગલાં ભરી શકાય છે.