વચેટીયાઓ 22 વર્ષથી સરકારમાં ભ્રષ્ટ્રાચાર કરતાં હોવાથી નવી સેતુ યોજના આવી

નાગરિકોની રજૂઆતોનો ઘરઆંગણે ઉકેલ લાવી રાજય સરકારે સેવા સેતુ યોજનાનો ચોથા તબકકો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી આરંભ થયો છે. સરકારી યોજનાઓમાં વચેટીયાઓ મલાઈ ખાઈ જાય છે એવું 22 વર્ષ પછી ભાજપ સરકારને લાગતાં આ યોજના ચાલુ કરી છે.
ઢઢેલા ખાતે યોજાયેલ સેવા સેતુ કેમ્પમાં 2000 જેટલા નાગરિકોને એક જ સ્થળેથી વ્યકિતલક્ષી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. 13 વિભાગોની 55 જેટલી વ્યકિતલક્ષી યોજનાઓના લાભો એક જ સ્થળેથી નાગરિકોને આપવામાં આવે છે.
રાજયમાં યોજાયેલા છેલ્લા ત્રણ સેવા સેતુ કાર્યક્રમ થકી વચેટીયા, દલાલો વગર પારદર્શી રીતે એક કરોડથી વધુ વ્યકિતઓને એક સ્થળેથી વ્યકિતલક્ષી  લાભો આપવામાં આવ્યા હતાં.
ઢઢેલા ગામે 11 ગામો માટે યોજાયેલ સેવા સેતુ કેમ્પમાં 2000 લોકોને લાભ મળ્યો છે.
8 થી 10 ગામોનું કલસ્ટર બનાવી આગામી ત્રણ માસમાં 18 હજાર ગામડાઓને આવરી લઇને નાગરિકોને મળવાપાત્ર વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ગામ સુધી પહોંચી જશે. જેથી લોકોને એક જ સ્થળેથી લાભો મળતા સરકારી કચેરીઓના ધકકા ખાવામાંથી મુકિત મળશે. ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો, આદિવાસીઓના કામો ઝડપભેર થાય છે.
વર્ષ 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ હેઠળ ઘરવિહોણાઓને ઘરનું ઘર આપવામાં આવશે. દાહોદ  જિલ્લામાં 18 હજાર ઘરોના લક્ષ્યાંક સામે 12,000 લાભાર્થીઓને આવાસો પૂરા પાડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નવતર કાર્યક્રમ શરૂ કરાવ્યો છે.