છાપી, તા.૨૨
બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામમાં એક નવ વર્ષની બાળકી ડિપ્થેરિયાની ઝપેટમાં આવતા તાલુકામાં ખળભળાટ સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવી સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે.
સરહદી બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે છ બાળકો ભોગ બનતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન આ રોગ ટૂંકા ગાળામાં વડગામના ગામડાંઓ સુધી પહોંચતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી મુજબ વડગામ તાલુકાના મેતાના ઇન્દીરાનગરમાં રહેતી નવ વર્ષની કિંજલ નારણભાઇ માજીરાણાને બે ચાર દિવસથી ગળામાં બળતરા તેમજ સોજો આવવા સાથે દુખાવો થતાં પ્રાથમિક સારવાર દરમિયાન ડિપ્થેરિયા થયાનું સામે આવતા બાળકીને તાત્કાલિક પાલનપુર સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યો બાળકીની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ડેન્ગ્યુ બાદ ડિપ્થેરિયા જેવા જીવલેણ રોગનો વડગામ તાલુકામાં પગપેસારો થતાં આરોગ્ય વિભાગ હરકતમા આવી સર્વેની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ચોમાસુ લગભગ પૂર્ણ થતાની સાથે મચ્છરજન્ય અનેક રોગોએ તાલુકામાં માથું ઊંચક્યું છે અને ઘેર ઘેર માંદગીના ખાટલા ખડકાય હોવાનું જાણવા મળી રહ્યું છે. તાલુકામાં હજુ પણ ડેન્ગ્યુનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ત્યારે ડિપ્થેરિયાની ચપેટમાં બાળકી આવતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
તાલુકામાં બોગસ ડોક્ટરોનો ખડકલો
વડગામ તાલુકામાં એક તરફ જીવલેણ રોગોનો ભરડો માથે મંડરાઈ રહ્યો છે, તો બીજી તરફ ગામડે ગામડે ઉઘાડપગા તબીબો કોઈ પણ ડીગ્રી વગર ખુલ્લેઆમ નિર્દોશ જીંદગીઓ સાથે બે રોકટોક ખીલવાડ કરી નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહયા છે. આ સમગ્ર ખેલમાં વડગામ આરોગ્ય તંત્ર ધૂતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધી સબ સલામતના બણગાં ફૂંકી રહયા છે.
ડિપ્થેરિયાને લઈ મીટીંગ યોજાઈ
વડગામ તાલુકામાં ડિપ્થેરિયાનો શંકાસ્પદ કેસ મેતા ગામેથી મળી આવતા વડગામ બ્લોક હેલ્થ ઓફિસર મહેતાની અધ્યક્ષતામાં તાબડતોડ આરોગ્યની વિવિધ ટિમોની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં આ રોગને કાબુમાં લેવા તમામ ઉપાયો સાથે સર્વેની કામગીરી હાથ ધરવાની ચર્ચા હાથ ધરાઈ હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળેલ છે.