વડગામ, તા.૧૮
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામમાં બસના અભાવે વિફરેલા વિદ્યાર્થીઓએ બસ રોકી ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. જો કે દોડી આવેલી પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો માંડ થાળે પાડ્યો હતો.
તાલુકા મથક વડગામ ખાતે મંગળવારે સાંજે સ્કૂલો છૂટ્યા બાદ વિદ્યાર્થીઓના ટોળેટોળાં આવીને બસની રાહ જોઈ ઉભા હતા. પણ મોડા સુધી બસ ન આવતા વિદ્યાર્થીઓ રજળ્યાં હતાં. જે દરમ્યાન પાલનપુર મુક્તેશ્વર બોર્ડ લગાવેલી બસ વડગામ બસ સ્ટેન્ડ પર આવીને ઊભી હતી. જેમાં પણ વિદ્યાર્થીઓ ઘેટાં બકરાંની જેમ ભરાયાં હતા. પરંતુ કલાક સુધી બીજી કોઈ બસ આવી નહતી. જેથી વિદ્યાર્થીઓ ઘરે જવા માટે વંચિત રહ્યા હતા. જેને લઇ વિફરેલા વિદ્યાર્થીઓએ બસને રોકી ચક્કાજામ કર્યું હતું, અને બીજી બસો ચાલુ કરવામાં આવે અને સ્કુલ છૂટ્યા પછી સમય સર ઘરે પહોંચે તેવી માંગ સાથે રોષ ઠાલવ્યો હતો. જેના પગલે વડગામ પોલીસને જાણ થતાં પી.એસ.આઇ એમ.આર. મોહનીયા પોલીસ સ્ટાફ સાથે આવી પહોંચી ટ્રાફિક દૂર કરી વિદ્યાર્થીઓને સમજાવી સમગ્ર મામલો થાળે પાડયો હતો.