મહેસાણા, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વતન મહેસાણામાં કોમી તનાવ ઊભો થયો છે. આજે 14 સપ્ટેમ્બર 2019ના રોજ મહેસાણાની દુકાનો અને ઓફિસો સહિત કેટલોક ભાગ બંધ રહ્યો છે. લોકોએ કોમી બાબતોને આગળ ધરીને દેશના મહત્વના રાજકીય સ્થળના પડઘા દેશમાં પાડ્યા છે. મહેસાણા તો બંધ રહ્યું જ છે. અને બીજી સપ્ટેમ્બર 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર બંધ રાખવામાં આવ્યું હતું. તેમાં પણ કોમી બાબત આગળ ધરીને લોકો દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું.
વડનગરમાં એક કિશોરીને ફસાવીને લવજેહાદની ફરિયાદ નોંધાઈ છે. વડનગરમાં 17 વર્ષની એક કિશોરી પર કેટલાક વિધર્મી તત્વોએ દોઢ વર્ષ દુષ્કર્મ આચર્યું હતું. સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ ભભૂકી રહ્યો છે અને લોકોમાં ચર્ચા થઈ રહી છે કે જો વડાપ્રધાન અને કાયદો અને વ્યવસ્થાના રક્ષક ગણાતા ગૃહ પ્રધાનના વતનમાં જ જો આવા હાલ છે, તો અન્યત્ર શું સ્થિતિ હશે?
મહેસાણાના વેપારીઓ સ્વયંભૂ બંધ પાળ્યો હતો પરંતુ હાઇવે વિસ્તાર રાબેતા મુજબ ચાલું રહ્યો હતો. બંધને લઈ તોરણવાડી ચોક પોલીસની ચિંતા વધી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. રેન્જ આઈજી, એસપી અને 2 ડી વાય એસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ, 550 પોલીસ 100 મહિલા પોલીસ 100 હોમગાર્ડ 1 એસઆરપી કંપની દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો.
વડનગર બંધ રહ્યું હતું
મામલતદારને રજૂઆત કરી હતી. તેમણે પગલાં ન લેતાં વડનગરમાં સ્ફોટક સ્થિતી ઊભી થઈ હતી.બંધનું એલાન પરત ખેંચાયું હતું. તેમ છતાં લોકોએ સ્વંભુ બંધ રાખ્યું હતું. વડનગરમાં રહેતી એક કિશોરીને વિધર્મી યુવકોએ પોતાની હવસનો શિકાર બનાવી, ત્યાં સુધી કે સતત દોઢ વર્ષ સુધી કિશોરીને વિવિધ સ્થળે લઈ જઈને આ નરાધમો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવા ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું. આ ઉપરાંત કિશોરીના બિભત્સ ફોટો અને વીડિયો લઈ તેને બ્લેકમેઈલ કરવામાં આવતી હતી.
લવજેહાદની આ ઘટના અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આરોપીઓને છૂટો દોર અપાયો હતો. પોલીસ અને તંત્રના આ વલણથી સમસ્ત વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યાં સુધી કે લબ્ધિ ગેસ્ટ હાઉસની પણ સંડોવણી સામે આવવા છતાં પોલીસ દ્વારા આંખ આડા કાન કરાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
આ મુદ્દે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને મામલતદારને ઝડપથી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે સમસ્ત બહ્મસમાજે આરોપીઓની ધરપકડ ન થતાં હિન્દુ સંગઠનો દ્વારા આકરાં પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી, જેના પગલે 2 સપ્ટેમ્બરના રોજ મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં વિધર્મી ટોળા દ્વારા યુવક પર હુમલો પણ કરાયો હતો. આ ટોળાના હુમલામાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ફોટો-વીડિયો બનાવી કિશોરીને કરવામાં આવતી હતી બ્લેકમેઈલ
અસામાજિક તત્વોએ કિશોરીને વિવિધ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા જેવો અમાનુષી અત્યાચાર તો કર્યો જ, સાથે સાથે કિશોરીના વાંધાજનક ફોટો અને વીડિયો લઈ તેને સતત પોતાની હવસનો શિકાર બનાવવા માટે બ્લેકમેઈલ પણ કરવામાં આવી. જો કિશોરી તેમને તાબે ન થાય તો ફોટો અને વીડિયો બતાવી તેને બ્લેકમેઈલ કરવામાં આવતી હતી.
સમસ્ત બ્રહ્મસમાજ, હિન્દુ સંગઠનોએ અત્યાચાર સામે માંડ્યો મોરચો
કિશોરી સાથેની દુષ્કર્મની ઘટના અને પોલીસ દ્વારા આંખ આડા કાન કરવાના વલણ બાદ સમસ્ત બ્રહ્મસમાજ અને હિન્દુ સંગઠનોએ સરકાર અને મામલતદારને આ અંગે આવેદન આપ્યું છે. આવેદનમાં 24 કલાકમાં આરોપીઓને અને લબ્ધિ ગેસ્ટ હાઉસના માલિકને ઝડપી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. જો આમ થતાં આકરાં પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.