વડનગરમાં 200 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગરી વડનગરમાં હવે વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે. અંદાજે રૂ.200 કરોડના ખર્ચે 4 એકરમાં તૈયાર થનાર આ મ્યુઝિયમ જમીનથી 18 મીટર નીચે હશે. મ્યુઝિયમ ઉપરાંત પાર્કિંગ અને કાફેટોરિયમ પણ બનશે. મ્યુઝિયમમાં વડનગરના 2500 વર્ષના ઇતિહાસની ઝાંખી પ્રદર્શિત કરાશે. મ્યુઝિયમ માટે ઉત્તર-પૂર્વ ખૂણે શર્મિષ્ઠા તળાવથી પૂર્વ દિશામાં અમથોર માતાજીના મંદિર નજીક જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરાઇ છે. સુમાહિતગાર સુત્રોએ કહ્યું કે જરૂર પડ્યે આ મ્યુઝિયમ બનાવવામાં જાપાનના નિષ્ણાતોની પણ મદદ લેવાશે.

વડનગરમાં દુનિયાનું પ્રથમ સૌથી વિશાળ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેના માટે અમથોર માતા (અમરથોર દરવાજા) મંદિર નજીકની જગ્યા નક્કી કરાઇ છે અને શનિવારે જિલ્લા કલેકટર એચ.કે. પટેલ, પુરાતન વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી જમીન માપણી- સંપાદન માટેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

જો કે સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, રૂ.200 કરોડના ખર્ચે બનનારા મ્યુઝિયમમાં પીએમઓની દેખરેખ હેઠળ આયોજન થઇ રહ્યું છે. જેમાં પ્રવાસીઓ મ્યુઝિયમ નિહાળી શર્મિષ્ઠા તળાવ વોકવે ઉપર પણ સીધા જઇ શકે તેની સાથે લીંકેજ આયોજનને આવરી લેવાશે. મલ્ટીનેશનલ કંપનીઓને પણ આ મ્યુઝિયમના કામમાં જોતરાશે, જરૂર પડ્યે આ મ્યુઝિયમ બનાવવામાં જાપાનના નિષ્ણાતોની પણ મદદ લેવાશે.

વડનગરના 2500 વર્ષથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી આ મ્યુઝિયમ કરાવશે. આ નગરીમાં એક યા બીજાનો વસવાટ રહ્યો છે, ક્યારેય ધ્વંશ થયો નથી એટલે પ્રાચીનકાળથી અત્યાર સુધીની જીવનઝાંખીને આવરી લેવાશે. મ્યુઝિયમ માટે જેમની જમીન અક્વાયર કરવાની થાય છે તેમની સાથે શનિવારે બેઠક થઇ હતી. સંભવત: આગામી બે મહિનામાં કામગીરી શરૂ પણ થઇ જશે. જોકે, સત્તાવાર રીતે અધિકારીઓ કહેવા તૈયાર નથી પણ પ્રોજેક્ટનું સર્વગ્રાહી પ્લાનિંગ તૈયાર કરી લેવાયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

આ મ્યુઝિયમની ખાસિયતોમાં જમીનથી 18થી 20 મીટર નીચે બનશે, મ્યુઝિયમ પાછળ રૂ. 200 કરોડ ખર્ચાશે, એક એકરમાં હશે મ્યુઝિયમ, ત્રણ એકરમાં કાફેટેરિયમ, પાર્કિંગ સહિત ઇન્ફ્રાસ્ટ્રકચર, લિફ્ટની સુવિધાથી સજ્જતાનો સમાવેશ થાય છે.