વડાલી, તા.૧૧
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરવા આપેલી માહિતી વડાલી તાલુકા પંચાયતના કર્મચારીઓએ લોકો સુધી ન પહોંચાડી કચેરીમાં જ ઢગલા કરી મૂકી તેનો ભરાવો થતા તેને કચેરીના પરિસરમાં જ સોમવારે સળગાવી દેવામાં આવી હતી.
વડાલી તાલુકા પંચાયતમાં માહિતી પુસ્તિકાઓ તંત્રના અધિકારીઓ દ્વારા લોકો સુધી ન પહોંચાડી અભિયાનને માત્ર કાગળ પર બતાવી સરકારને ગેરમાર્ગે દોરી કચેરીમાં જ થોક કરી મૂકી રાખી હતી અને અધિકારીઓએ સોમવારે કચેરીના પરિસરમાં જ ઢગલો કરી સળગાવી દીધી હતી. પરંતુ વરસાદી માહોલ હોવાથી આ સાહિત્ય અધકચરું બળતાં કચેરીના પરિસરમાં જ ગંદકી રૂપે ફેલાઈ રહ્યું છે. જે જોઈ લોકો પ્રજાને ઉપયોગી સરકારના લાખો રૂપિયાનું સ્વચ્છતાનું સાહિત્ય કચેરીમાં દબાવી રાખી તેને સળગાવી તેજ સાહીત્યથી ગંદકી ફેલાવનારા સામે યોગ્ય તપાસ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવા લોકો ઉગ્ર માગ કરી રહ્યા છે.