વડોદરામાં રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન માટે કુલપતિ નિયુક્ત કરાશેે

કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતનાં વડોદરામાં રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી) માટે કુલપતિના પદની રચના કરવાની મંજૂરી આપી, મંત્રીમંડળે ભારતના સૌપ્રથમ રેલ અને પરિવહન વિશ્વવિદ્યાલય – રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન (એનઆરટીઆઈ) માટે કુલપતિના પદનું નિર્માણ કરવા માટે મંજૂરી આપી દીધી છે.

કુલપતિ એ આ સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી રહેશે અને તે સંસ્થાની બાબતો પર સામાન્ય દેખરેખ અને નિયંત્રણ રાખશે અને તે સંસ્થાન – માનિત વિશ્વવિદ્યાલયના તમામ સત્તાધીશોના નિર્ણયોનું અમલીકરણ કરાવવા માટે જવાબદાર હશે.

એનઆરટીઆઈએ ભારતના 20 રાજ્યોમાંથી કુલ 10૩ વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા ખોલ્યા છે જેમાં બે સંપૂર્ણ રીતે આવાસીય સ્નાતક અભ્યાસક્રમ – પરિવહન ટેકનોલોજીમાં બીએસસી અને પરિવહન વ્યવસ્થાપનમાં ડીબીએનો સમાવેશ થાય છે. તેની માટેના વર્ગો 5મી સપ્ટેમ્બર 2018થી શરુ કરવામાં આવ્યા છે. આ ત્રણ વર્ષના ડીગ્રી અભ્યાસક્રમો એ વિશ્વની ખ્યાતનામ સંસ્થાના ધોરણો સાથેના અંતર્દેશીય અભ્યાસક્રમ ધોરણો ધરાવે છે, જેમાં ફાઉન્ડેશન, કોર અને ઈલેક્ટિવ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

એનઆરટીઆઈ સંયુક્ત સંશોધન અને અધ્યાપકગણ તથા વિદ્યાર્થી આદાન-પ્રદાનના ક્ષેત્રમાં આગળ પડતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાણ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એનઆરટીઆઈ દ્વારા અત્યાર સુધીમાં કોર્નેલ યુનિવર્સિટી, અમેરિકા; યુનિવર્સિટી ઑફ કેલિફોર્નીયા, બર્કલે; એમઆઈઆઈટી, મોસ્કો અને સેંટ પીટ્સબર્ગ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી, રશિયા સાથે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

પશ્ચાદભૂમિકા:

એનઆરટીઆઈએ વાહનવ્યવહારને લગતા શિક્ષણ, બહુશાખાકીય સંશોધન અને તાલીમ પર કેન્દ્રિત છે. તેની સ્થાપના 2018માં ડી નોવો શ્રેણી (de Novo category) અંતર્ગત એક ડીમ્ડ ટુ બી યુનીવર્સીટી તરીકે કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય રેલવે અને વાહનવ્યવહાર ક્ષેત્ર માટે શ્રેષ્ઠતમ કક્ષાના અધ્યાપકોના એક સંસાધન પુલનું નિર્માણ કરવાનો હતો.