વડોદરામાં શાકભાજી પકવવા પાણી નહીં રસાયણથી સિંચાઈ

ગુજરાત જેને ‘શાકભાજીનો ટોપલો’ ગણે છે તે વિસ્તારમાં આવેલ લુણા ગામના ભૂગર્ભજળમાંથી પાણી નહી કેમિકલ્સ નીકળે છે. સરકારી ભાષામાં કહીએ તો લુણા ગામના ભૂગર્ભ જળ પર પ્રદુષણ ફેલાવતા ઉધોગોના કેમિકલ્સે આંતકવાદી હુમલો કર્યો છે. તેનાથી શાકભાજી ઉગાડવામાં આવે છે તે રોજના 35 લાખ લોકો ખાય છે.

20 વર્ષથી ગામના લોકોનું કોઈ સાંભતું નથી. ગુજરાતની ચોકીદાર સરકાર તે રોકવામાં નિષ્ફળ રહી છે. લુણામાં
આપાત્કાલીન પરિસ્થિતી હોવાનું જાહેર કરવામાં આવે. આ વિસ્તારના તમામ લોકોના આરોગ્યની તપાસ અને અન્ય અભ્યાસો થવા જોઈએ.

COD – કેમિકલ ઓક્સિજન ડિમાંડ, BOD – બાયોલોજિકલ ઓક્સિજન ડિમાંડ. એપ્રિલ ૨૦૦૪માં સુપ્રીમ કોર્ટ મોનિટ્રિંગ કમેટી (SCMC) લુણા ગામની આસપાસના વિસ્તારોમાં આવી હતી. Writ Petition (Civil) No. 695 of 1995માં ૭ મે ૨૦૦૪ના રોજ સુપ્રીમ કોર્ટે SCMC રીપોર્ટના આધારે આપેલા ચુકાદા મુજબ વડોદરાના આ જ ગામો, અંકલેશ્વર અને વાપીના ગામોના ભૂગર્ભ જળને જોખમી ઔધોગિક કચરાને કારણે જે નુકશાન થયું છે તેમને પીવાનું પાણી આપવાની વાત કરી હતી. આમ ૨૦૦૪થી આ વિસ્તારના ભૂગર્ભજળ પ્રદુષિત થયાની જાણકારી સહુ લાગતાં-વળગતા વિભાગોને હતી.
ખાસ કરીને જોખમી ઔધોગિક કચરાનો મુદ્દો એમાં હતો. અત્યારે જે કુવાની વાત કરવાની છે તે Huntsman International India (P) Ltd. નામની અમેરિકી કંપનીની પ્રીમાયસીસમાં આવેલી છે. આ પહેલા આ કંપનીનું નામ Metrochem Industries Limited, બાદમાં Metroglobal Limited, અને Baroda Textile Effects Private Limited  કરવામાં આવ્યું હતું અને તે પછી તેને હાલની અમેરિકી કંપની Huntsman International India (P) Ltd.એ ખરીદી હતી.

૩૫ લાખથી વધુ લોકોનું રોજનું શાકભાજી લુણા અને આસપાસના ગામોમાંથી જ જાય છે. પરંતુ આ ૩૫ લાખ લોકો માટે હવે ચિંતાજનક, ભયજનક સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, પર્યાવરણ સુરક્ષા સમિતી અને સ્થાનિક ખેડુત આગેવાનોની બનેલી સમિતી દ્વારા લુણા અને આસપાસના વિસ્તારોમાં સિંચાઇ માટે વપરાતા કુવાઓના પાણીના સેમ્પલ લઇને તેનુ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યુ હતું. તેનો રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટ એવુ કહે છે કે લુણા અને આસપાસના વિસ્તારના કુવાઓમાં પાણી નહી પરંતુ ઝેરી કેમિકલ છે.

પર્યાવરણ સુરક્ષા સમિતીના રોહિત પ્રજાપતિનું કહેવુ છે કે ‘લુણાના કુવાઓના પાણીના ટેસ્ટિંગનો રિપોર્ટ બાદ ‘ભયજનક’ શબ્દ પણ ખૂબ નાનો પડે તેવી સ્થિતિ લુણાના ભૂગર્ભ જળની છે. ૧૯૯૯થી એટલે કે ૨૦ વર્ષથી અમે આ બાબતે વડોદરા કલેક્ટરથી લઇને સુપ્રિમકોર્ટ સુધી ફરિયાદ કરી ચુક્યા છીએ. પરંતુ કોઇ પરિણામ આવ્યુ નથી. ફરીથી અમે જીપીસીબીને સાથે રાખીને ૧૬ ઓક્ટોબર ૨૦૧૮ અને ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ એમ બે વખત કુવાઓના પાણીનો સર્વે કર્યો હતો તેના પરિણામ અત્યંત ચોંકાવનારા છે. કદાચ આખા દેશમાં કોઇ સ્થળે આટલી હદે ભૂગર્ભજળ પ્રદૂષિત નહી હોય. વર્ષ ૨૦૧૭માં સુપ્રિમકોર્ટે હૂકમ આપ્યો હતો કે ભૂગર્ભજળને પ્રદૂષિત કરતા ઉદ્યોગો પાસેથી વળતરની વસુલાત કરવી, ઉદ્યોગો ચલાવવા માટે આપેલા લાયસન્સ રદ્ કરીને ઉદ્યોગોને તાળા મારી દેવા અને જવાબદાર તમામ લોકો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવી’

રોહિત પ્રજાપતિએ ઉમેર્યુ હતું કે ‘ સુપ્રિમકોર્ટના આ હૂકમને પણ બે વર્ષ થઇ ગયા છતાં પણ ગુજરાત સરકાર આ મામલે કોઇ કાર્યવાહી નથી કરી અને તાજેતરમાં લુણા ગામના કુવાઓના સર્વેમાં જાણવા મળ્યુ છે કે અગાઉ કરતા પણ પરિસ્થિત વધુ ખરાબ થઇ છે માટે અમે પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને નોટિસ આપી છે કે લુણાના ભૂગર્ભજળ પ્રદૂષિત કરવા માટે જવાબદાર વર્ષ ૨૦૦૦થી વર્ષ ૨૦૧૯ સુધીના ગુજરાતના ચિફ સેક્રેટરી, એન્વાયરમેેન્ટ સેક્રેટરી, જીપીસીબી ચેરમેન અને કલેક્ટર (વડોદરા) ઉપરાંત લુણાની આસપાસના ઉદ્યોગોના સંચાલકો સામે ફોજદારી કેસ દાખલ કરવો અને વળતરની વસુલાત કરવી.

લુણાના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચુકવવાની માંગણી

પર્યાવરણ સુરક્ષા સમિતીએ માગ કરી છે કે ૧૯૯૯થી અત્યાર સુધી અનેક વખત લુણાના કુવાઓનો સર્વે થઇ ચુક્યો છે આ સર્વેમાં જે કુવાઓની નોંધણી થઇ છે અને તેના રિપોર્ટ સરકારી ચોપડે નોંધાયા છે તેમને વળતર ચુકવવામાં આવે.

– છેલ્લા ૩ વર્ષ દરમિયાન કુવો પ્રદૂષિત થયો હોય તેવા ખેડૂતને રૃ. બે લાખ વળતર અને જ્યાં સુધી કુવાનું ભૂગર્ભજળ શુદ્ધ ના થાય ત્યા સુધી દર મહિને રૃ.૧૫,૦૦૦ ચુકવવા.

– ત્રણ થી પાંચ વર્ષ દરમિયાન કુવો પ્રદૂષિત થયો હોય તેવા ખેડૂતને રૃ.પાંચ લાખ વળતર અને જ્યાં સુધી કુવાનું ભૂગર્ભજળ શુદ્ધ ના થાય ત્યા સુધી દર મહિને રૃ.૧૫,૦૦૦ ચુકવવા.

– પાંચ કરતા વધુ વર્ષથી કુવો પ્રદૂષિત થયો હોય તેવા ખેડૂતને રૃ.દશ લાખ વળતર અને જ્યાં સુધી કુવાનું ભૂગર્ભજળ શુદ્ધ ના થાય ત્યા સુધી દર મહિને રૃ.૧૫,૦૦૦ ચુકવવા.

– લુણા વિસ્તારમાં ઇમરજન્સી જાહેર કરવી અને આ વિસ્તાનરા લોકોના આરોગ્યની તપાસ કરવી.

લુણા ભૂગર્ભજળ હેઝાર્ડસ ટાઇમ લાઇન

– ૧૯૯૯ પર્યાવરણ સુરક્ષા સમિતીએ પ્રથમ વખત આ મામલે ફરિયાદ કરી

– ૨૦૦૪ સુપ્રિમકોર્ટ દ્વારા નિમાયેલા કમિટીએ લુણાનો સર્વે કર્યો જેમાં આ વિસ્તારમાં હેઝાર્ડસ વેસ્ટ અને કેમિકલનું ડમ્પિંગ થયુ હોવાનું ધ્યાન પર આવ્યું. જે બાદ આ વિસ્તારના ગામોને પીવાનું શુધ્ધ પાણી પુરી પાડવા સરકારને હૂકમ કર્યો (આ બાબતે હજુ કશુ થયુ નથી)

– ૨૦૧૧ વડોદરાના તત્કાલીન કલેક્ટરે લુણામાંથી સેમ્પલ કલેક્ટ કર્યા જેમાં પણ કુવાઓ અત્યંત પ્રદૂષિત હોવાનું બહાર આવ્યુ હતું

– ૨૦૧૨ થી૧૬ આ વર્ષો દરમિયાન સીપીસીબીએ પણ સર્વે કર્યો અને સ્થિતિ ભયજનક હોવાનું સાબીત થયુ

– ૨૦૧૭ સુપ્રિમકોર્ટે ભૂગર્ભજળ પ્રદુષણ માટે જવાબદાર લોકો સામે ફોજદારી કેસ દાખલ કરવાનો હૂકમ આપ્યો અને જવાબદાર ઉદ્યોગોના લાયસન્સ રદ્ કરવા પણ સૂચના આપી

– ૨૦૧૮ તાજેતરમાં જીપીસીબીને સાથે રાખીને કરાયેલા સર્વેમાં સ્થિતિ હદ ઉપરાંત ભયજનક હોવાનું બહાર આવ્યુ છે.

કુવાઓના ભૂગર્ભજળ સર્વેનો રિપોર્ટ : CODની માત્રા ઝીરો હોવી જોઇએ તેના બદલે છે ૨,૯૫૯ Mg/L

લુણા અને આસપાસન ાવિસ્તારમાં કુલ ૩૩ કુવાઓ છે. જે પૈકી ૧૦ કુવાઓ પ્રદુષિત અને કેમિકલ યુક્ત પાણીના કારણે ૧૦ વર્ષ પહેલા સીલ કરી દીધા છે. બાકી રહેલા ૨૩માંથી ૭ કુવા હન્ટ્સમેન ઇન્ટરનેશનલ ઇન્ડિયા (પ્રા) લીમિટેડના કેમ્પસમાં છે. આ પૈકી કેટલાક કુવાઓના પાણીમાં CODની માત્રા ઝીરો હોવી જોઇએ તેના બદલે ૨,૯૫૯ Mg/L હોવાનું બહાર આવ્યુ છે. આ ૨૩ પૈકી ૨૧ કુવાઓના ભૂગર્ભજળની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી ૧૯ કુવાઓમાં સીઓડી (કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) અને બીઓડી (બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ)ની માત્રા નિયત હદ કરતા ખૂબ વધુ પ્રમાણમાં મળી આવી છે. તમામ કુવાઓના પાણી લાલ રંગના થઇ ગયા છે.

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ૨૦૧૦, ૨૦૧૨ અને ૨૦૧૬ના રીપોર્ટમાં આ વિસ્તારના ગંભીર પ્રદુષણની વાત વિગતે કરવામાં આવી છે. ૨૦૧૧માં વડોદરાના તે વખતના કલેકટર વિજય નહેરાએ ખાસ લુણા વિસ્તારના ૩૩ કુવાઓની તપાસનો આદેશ GPCBને આપ્યો હતોં અને GPCBએ રીપોર્ટમાં ભૂગર્ભજળ ગંભીર રીતે પ્રદુષિત થયાની વાત કબુલી છે.
‘ગુજરાત ઈકોલોજી કમિશન’ના ૨૦૦૨ના રીપોર્ટમાં રિવર્સ બોરિંગના મુદ્દા વિશે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઝોખમી ઔધોગિક ઘન કચરો કંપનીમાં દાટતા હોવાની શંકા પણ કરવામાં આવી હતી.
ભૂગર્ભજળના પ્રદુષણનો શ્રોતને શોધવા ફેબ્રુઆરી ૨૦૧૪માં Huntsman International India (P) Ltd.માં ઝોખમી ઔધોગિક ઘન કચરો શોધવા માટે કંપનીની અંદર ખોદકામ કરવાની ફરજ પડી હતી. કંપની પરિસરમાં મોટા જથ્થામાં ઝોખમી કચરો મળી આવ્યો હતો. આ જગ્યાને અડકીને બે કુવાઓ AW1 અને AW2 આવેલા છે. પાણીના પ્રદૂષણને સમજવા અને તેમાં ઝેરી રસાયણોની હાજરીનું માપ એટલે COD, તેની માત્રા AW1માં ૨૨૨૫ થી ૨૭૦૦ સુધી મળી છે
અને AW2માં આ માત્રા ૨૯૬૯ છે. ઉધોગો દ્વારા દરિયામાં અથવા નદીમાં પ્રક્રિયા કરેલા એફ્ફ્લુએંટ માટે CODની માન્ય માત્રા ૨૫૦ હોય છે. ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં પર્યાવરણ સુરક્ષા સમિતિ, ફાર્મર્સ એક્શન ગ્રુપ, પ્રદૂષણથી અસરગ્રસ્ત ગ્રામજનો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા થયેલ અભ્યાસમાં ભૂગર્ભજળમાં મળી આવેલ COD માન્ય માત્રા કરતાં અનેકગણી વધુ જણાય આવેલી છે. જે આ ભૂગર્ભ જળ અતિશય પ્રદુષિત હોવાનું બતાવે છે. ડિસેમ્બર મહિનામાં Huntsman International India (P) Ltd. કંપની જાતે પણ આ અભ્યાસમાં સામેલ હતી. આ રીપોર્ટની નકલ માર્ચ ૨૦૧૯માં આરટીઆઈ દ્વારા મેળવવામાં આવી છે.

ભૂગર્ભમાંથી નીકળતું આ પાણી એફ્ફ્લુએંટ પણ ના કહી શકાય. પ્રદૂષણ બોર્ડ દ્વારા એફ્ફ્લુએંટની માન્ય માત્રા કરતાં આ અનેકગણું વધુ પ્રદુષિત છે. આપણે ભૂગર્ભમાંથી નીકળતું આ પાણી, પાણી નહી પરંતુ કેમિકલ છે તેમ કહેવું પડે તેવી પરિસ્થિતી છે. આ કારણે આસપાસના ભૂગર્ભજળ પણ બગડયા છે. Huntsman International India (P) Ltd. કંપનીમાં ભૂગર્ભજળ સફાઈ માટેના પ્રયત્નો છેલ્લા ૩-૪ વર્ષથી ચાલે છે. Huntsman International India (P) Ltd. કંપનીનું માનવું છે કે આ માટે આ પહેલા જે કંપની પાસે તેમણે કપની ખરીદી છે તે કંપની જવાબદાર છે અને તે કંપની સામે Huntsman International India (P) Ltd. કેસ કરેલ છે.
પર્યાવરણ સુરક્ષા સમિતિ, ફાર્મર્સ એક્શન ગ્રુપ, પ્રદૂષણથી અસરગ્રસ્ત ગ્રામજનોની માંગણી છે કે આસપાસના તમામ ઉધોગો સામે ફોજદારી ગુન્હો નોંધાવો જોઈએ. જે ઉધોગ જાતે સાબિત કરી શકે કે આ પ્રદુષણ માટે તેઓ જવાબદાર નથી તે સિવાય દરેક સામે સામૂહિક ફોજદારી કેસ The Environment (Protection) Act, 1986 and The Water (Prevention and Control of Pollution) Act, 1974 હેઠળ નોંધવામાં આવે. ૧૯૯૯-૨૦૦૦થી સતત અનેક ફરિયાદો મુખ્ય સચિવ, પર્યાવરણ સચિવ ગુજરાત, કલેકટર વડોદરા, અને કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયમાં કરવામાં આવી હોવા છતાં ભૂગર્ભજળના પ્રદૂષણને રોકવામાં તમામ નિષ્ફળ રહ્યા છે.

અમે એવી માંગણી કરી છે કે જે તે વખતના મુખ્ય સચિવ, પર્યાવરણ સચિવ ગુજરાત, GPCB ચેરમેન, અને કલેક્ટર વડોદરા ૧૯૯૯ થી ૨૦૧૯ સુધીમાં જે પણ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે તે તમામ સામે સામૂહિક ફોજદારી કેસ The Environment (Protection) Act, 1986 and The Water (Prevention and Control of Pollution) Act, 1974 હેઠળ નોંધવામાં આવે.
જે ખેડૂતોની જમીનમાં કૂવા/બોરમાં પાણી બગડયા બાબતે અખબારોમાં, ટીવીમાં ખેડૂતોના નુકશાન બાબતે આવ્યું છે, રીપોર્ટ બનાવવામાં આવ્યા છે તેવા ખેડૂતોને વળતર આપવામાં આવે. આ બાબતે માંગણી કરી છે. ત્રણ વર્ષ જેટલા સમયથી જે ખેડૂતના ભૂગર્ભજળ પ્રદુષિત થયા છે તેમને રૂ. ૨,૦૦,૦૦૦ (બે લાખ) પ્રતિ કૂવા/બોર મુજબ તાત્કાલિક ચૂકવવામાં આવે. ત્રણ થી પાંચ વર્ષ જેટલા સમયથી જે ખેડૂતના ભૂગર્ભજળ પ્રદુષિત થયા છે તેમને રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) પ્રતિ કૂવા/બોર અને પાંચ થી વધુ વર્ષથી અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) પ્રતિ કૂવા/બોર મુજબ તાત્કાલિક ચૂકવવામાં આવે. અને જ્યાં સુધી આ વિસ્તારનું ભૂગર્ભજળ શુધ્ધ ના થાય ત્યાં સુધી દર મહિને કૂવા/બોર દીઠ ખેડૂતોને રૂ. ૧૫,૦૦૦ ચૂકવવા. વળતર માટેના આ પૈસા જવાબદાર અધિકારીઓના પગારમાંથી અને જવાબદાર ઉધોગો પાસેથી સુપ્રીમ કોર્ટના સિધ્ધાંત ‘Polluters Pay Principle’ મુજબ વસૂલવામાં આવે.

પશુ પાળતા લોકોને પ્રતિ પશુ વળતર આપવામાં આવે અને ખેતી કરતાં ખેડૂતોને સીઝન પ્રમાણે વળતર આપવામાં આવે તેવી માંગણી કરી છે. અમારી દ્રષ્ટિએ આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. અને સરકારી ભાષામાં પાણી, કે જેનો ઉપયોગ લોકો પીવા અને અન્ય ઉપયોગ માટે કરે છે તેવા પાણી ઉપર આ એક આંતકવાદી હુમલા સમાન છે. પાણીનું આ પ્રદૂષણ સુધારવા માટે કદાચ 100 – 150 વર્ષ લાગે અને નિષ્ણાંતોના મતે ભૂગર્ભજળ કદાચ શુધ્ધ ના પણ થાય.
વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અને અન્ય વિભાગોને લખેલા પત્રમાં અમે ઉપરોક્ત માંગણીઓ સામેલ કરી છે. અમારી દ્રષ્ટિએ આ એક આપાત્કાલીન પરિસ્થિતી છે અને લુણામાં આપાત્કાલીન પરિસ્થિતી હોવાનું જાહેર કરવામાં આવે. અને આ વિસ્તારના તમામ લોકોના આરોગ્યની તપાસ અને અન્ય અભ્યાસો થવા જોઈએ. તેમ ફાર્મર્સ એક્શન ગૃપ અને પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા એક જાહેર નિવેદનમાં કહ્યું છે.