સમી, તા.૧૦
પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે. ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ થતાં તાલુકાના મોટાભાગના ગામોમાં ભરાયેલા પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં છે. જેને કારણે વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં લાંબો સમય સુધી ભરાઈ રહે છે. આવા પાણીમાં ઝીતેલાની વેલા ઉગી નીકળે છે અને ફળનું મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ થાય છે. ચાલુ વર્ષે તાલુકાના સમશેરપુરા, નાયકા, દુદખા, બાસ્પા, ઉપલીયાસરા, અનવરપુરા, વેડધામ સહિતના ગામોમાં કેટલાય લોકોને તેનાથી રોજગારી પણ મળી રહી છે.
80 વર્ષીય ઘેલાભાઈના જણાવ્યું કે આજથી ત્રીસ વર્ષ પહેલા વઢિયાર પંથકના ઝિતેલા ફળની બહાર રહેતા સંબંધીઓમાં માંગ રહેતી. ખેતરોમાં મજૂરો આ ફળ ખાઈને પણ દિવસ પસાર કરી લેતા અને શહેરની બજારમાં જઇ તેનું વેચાણ પણ કરતા હતા. હાલમાં પણ લોકો વેચીને આમદની મેળવી રહ્યા છે.
તાલુકાના ગ્રામીણ જાણકાર બાબુજી ઠાકોરના જણાવ્યું કે ઝીતેલા એ એક ઔષધીય ફળ છે. પ્રોટીન અને વિટામિન યુક્ત હોઇ ગોળ સાથે નાના બાળકોને ખવડાવવાથી શારીરિક અને માનસિક ઝડપી વિકાસ થાય છે.