વધું એક ઈમાનદાર અધિકારીનો ભાજપ સરકારમાં ભોગ લેવાયો, તેણે શું કર્યું  ?  

ભ્રષ્ટાચાર શિષ્ટાચાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

ગુજરાતમાં પ્રજા હિતમાં નોકરી કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સરકારે આખરે બરતરફ કર્યાં છે. આજના સમયમાં કોઈપણ વહીવટી અધિકારી કૌભાંડ કરે, પ્રજાને પરેશાન કરે, પણ જો સત્તા પક્ષના નેતાઓને સાચવી લે તો તેને ભ્રષ્ટાચાર કરે એવી જગ્યાએ નોકરી મળતી રહે છે. પણ ચિંતન એમાના ન હતા. પોતાની ઇમાનદારી અને પ્રજાહિતના કાર્યોના કારણે તેઓ હંમેશાં રાજકારણીઓના આંખમાં કણાની જેમ ખૂંચતા રહ્યા હતા. 7 વર્ષની નોકરીમાં મામલતદારની 11 બદલી કરી દેવામાં આવી હતી. તેમને કોઈ પણ કારણ વગર બઢતી આપવામાં આવી ન હતી. હવે  ચિંતન વૈષ્ણવને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચિંતન વૈષ્ણવ સામે ભ્રષ્ટાચાર અથવા ગેરરીતિનો આરોપ નથી પણ તેમના વ્યવહારને કારણે બરતરફ કરવામાં આવ્યા છે.

તેઓ હંમેશા પ્રજા માટે, પ્રજા વતી અને પ્રજા થકી કામ કરવામાં માનતા હતા. તેમના સાચા કામમાં કોઇ ઉચ્ચ અધિકારી કે સ્થાનિક ભાજપના નેતાઓ આડે આવે તો તેમને ગણકારતાં ન હતા. તેઓ માત્ર પ્રજાના હિતમાં યોગ્ય નિર્ણય લેવાનું સમજતા હતા.  જેના કારણે હંમેશા તેમને ભાજપના નેતાઓ અને નેતીઓ સાથે વાંકું પડતું હતું. પણ તે તેમને ગણકારતા ન હતા. ચિંતન વૈષ્ણવની પોતાની ઇમાનદારીનો એટલો વટ હતો કે તેમની કચેરીમાં ભ્રષ્ટ અધિકારીઓ જતાં ડરી જતાં હતા.

મુખ્ય પ્રધાને કેમ આવું કર્યું

જેના કારણે એક સામાન્ય કોટીનો મામલતદાર આપણને સાંભળતો નથી, તેવી ફરિયાદો ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સુધી કરવામાં આવી હતી. અંતે સીએમ ઓફિસમાંથી ચિંતન વૈષ્ણવને કાયમી રીતે પોતાની સેવામાંથી બરતરફ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રજા હિતનું કામ કરતાં હોવા છતાં તેમને પરેશાન કરવા માટે તેમણે જ્યાં પણ કામ કર્યું ત્યાં સ્થાનિક કક્ષાએ વિરોધ કરવાનું નાટક કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ખરેખર પ્રજા હિતમાં માનતાં હોત તો તેમણે તેમની સેવા ચાલુ રાખીને વિજીલંસ કમિશનરમાં તેમને ભ્રષ્ટાચાર નાબૂદીમાં ઉપયોગ કર્યો હોત. પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જ કબુલ્યું હતું કે મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગ ભ્રષ્ટ છે. હવે તેઓ પોતે મહેસૂલ વિભાગની ભ્રષ્ટ ચાલમાં ફસાઈ ગયા છે.

પ્રજા માટે કામ શરૂ કર્યું

સૌથી પહેલા તો મામલતદાર ચિંતન વૈષ્ણવે પોતાના વિસ્તારમાં ‘મામલતદાર તમારા દ્વાર’ તેવો કાર્યક્રમ શરૂ કર્યો હતો અને ગામે ગામ લોકોના પ્રશ્ન માટે તેમના ઘર આંગણે જઈ તેમના પ્રશ્નો ઉકેલવાની શરૂઆત કરી હતી.

પુનમ માડમ

ખંભાળિયા તાલુકામાં વિલેજ વિઝિટના કાર્યક્રમો દ્વારા વિશેષ રીતે સામાન્ય જનતા ગરીબો માટે સારી વ્યવસ્થા કરીને સામાન્ય જનતાને સરકારી યોજનાના લાભો મળતા કરીને અનોખી વ્યવસ્થા કરીને લોકપ્રિયતા મેળવી હતી. 13 ઓક્ટોબર 2018માં તેમની બદલી કરવામાં આવી હતી. ભાજપની નેતી અને સાંસદ પૂનમ માડમનો આદેશ ન માનનારા અને ખંભાળિયા પ્રજાના હિતમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ફટાકડાના વેપારીઓના લાઈસન્સ રીન્યુ ન કરનાર મામલતદાર ચિંતન વૈષ્ણવને સાંસદ પૂનમ માડમની સુચના મુજબ તેમને પહેલા રજા પર મોકલી આપવામાં આવ્યા હતા. ફટાકડાના 33 લાઈસન્સ  એક્સપલોસીવ એકટ 2008ના નિયમો મુજબ ન હોવાથી રીન્યુ કરવાનો ઇનકાર કરેલો હતો. પોલીસ અને  નગર પાલિકા પાસેથી NOC માંગવામાં આવેલા હતી. NOC મંગાવ્યા આપવામાં આવ્યા ન હતા. તેથી તેમને કાયદા મુજબ ફટાકડા વેચવાનું લાઈસન્સ આપી શકાય નહીં.

એક મહિના પછી ફરીથી સાંસદ દ્વારા મામલતદાર યોગ્ય નિર્ણય કરવા સૂચના અપાય હતી. પરંતુ માલતદાર દ્વારા તપાસ કરાતા ફરી જૂની પરિસ્થિતિ હોવાથી લાઇસન્સ રીન્યુ થયા ન હતા.

તેથી નેતી માડમ અને મામલતદાર વૈષ્ણવ વચ્ચે પ્રજા વિરોધી અને પ્રજા હિતનું યુદ્ધ ખેલાયું હતું. ફટાકડાના વેપારી અને મામલતદાર વચ્ચે હોબાળો સર્જાયો હતો. જેને થાળે પાડવા સાંસદે દરમિયાનગીરી કરી હતી. પરંતુ કલેક્ટરની હાજરીમાં મામલતદાર પર હુમલો થતાં મામલો વધુ બિચક્યો હતો.

નેતીની ધમકી

બન્ને વચ્ચે મામલો બિચકતા પુનમ માડમે માલતદારને હાંકી કાઢવાની ધમકી સુધા આપી દીધી હતી. જેને પગલે મામલતદાર ચિંતન વૈષ્ણ રજા પર ઉતરી ગયા હતા. હાલ ચિંતન વૈષ્ણવનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનિ કથળતી સ્થિતિ અંગે સવાલો ઉભા કરતાં સાંસદ પુનમ માડમ સામે પણ આરોપ લગાવી રહ્યાં હતા. વીડિયોમાં મામલતદારનું કહેવું હતું કે, તેમને અને તેમના પરિવાર પર જાનમાલનું જોખમ હતું.  તેઓ અહીં માંડ એક વર્ષ સારી રીતે કામ કરી શક્યા હતા.

હુમલો થયો

સરપંચો અને ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેની પાછળ કોઈ રાજનેતા હતા. રેલી બાદ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી મામલતદારની દાહોદ ખાતે બદલી કરી દીધી હતી. સર્કિટ હાઉસમાં કલેક્ટર અને સાંસદ માડમની હાજરી વચ્ચે મામલતદાર ચિંતન વૈષ્ણવ પર બીજા હોલમાં લોકો દ્વારા હુમલો થયો હતો.

રજા પર ઉતારવા ભાજપના નેતાઓનો આદેશ

આ સમયે સાંસદ પૂનમ માડમ દ્વારા તાત્કાલિક મામલતદારને રજા પર ઉતરી અન્ય અધિકારીને ચાર્જ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને લઈને મામલતદાર વૈષ્ણવ લાંબી રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. બીજી તરફ મામલતદાર વૈષ્ણવ તરફી કિસાન સંઘ મેદાને આવી ઈમાનદાર અધિકારીની રાજકીય કિન્નાખોરીથી બદલી ન કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી.

પંચાયત પ્રધાન પણ સામે આવી ગયા

ચિંતન વૈષ્ણવ 2011માં મામલતદાર તરીકે નિમણૂક પામ્યા બાદમાં તેમની બદલી હળવદ ખાતે થઈ હતી. પરંતુ હળવદમાં જાહેર રસ્તા પર ગેરકાયદે હોટેલ ખડકી દેનારા અને તત્કાલીન ભાજપના ધારાસભ્ય જયંતિ કવાડીયાના ટેકેદારનું દબાણ હટાવવા જતા તેમની બદલી મહેસાણા ખાતે કરી નાખવામાં આવી હતી.

મહેસાણામાં રેસ્ટોરાં સામે પગલાં

મહેસાણામાં ટેક્સ ન ભરનારી, બાળ મજૂરો રાખનારી અને વાસી ફૂડ પીરસતી એક રેસ્ટોરન્ટને ચિંતન વૈષ્ણવે સીલ મારી દીધું હતું. પણ આ રેસ્ટોરન્ટના માલિક મંત્રીના સગા હતા. તેથી વૈષ્ણવની બદલી પ્રથમ બનાસકાંઠા અને ત્યાંથી ડાંગના સુબીર તાલુકામાં કરી હતી.

મજૂરો માટે ફેક્ટરી સીલ કરી

ડાંગથી માળિયા (મીયાણા) મૂકવામાં આવ્યા હતા. જ્યાં સાબુના પ્લાન્ટને મજૂરોની સેફ્ટી અને કેમિકલના પ્રદૂષણના મુદ્દે સીલ કરી દેવતા તત્કાલીન ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા તેમની બદલી ફરીથી ડાંગ કરી દીધી હતી. સીલ કરાયેલા સાબુના કારખાનામાં સેફ્ટીના અભાવે બે મજૂરોના પણ મોત નીપજ્યા હતા.

બઢતી ન આપી

7 વર્ષમાં કુલ 11 ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. મામલતદાર ચિંતન વૈષ્ણવ 2011માં જાહેર સેવા આયોગની પરીક્ષા આપીને મામલતદાર બન્યા હતા. તેમની બેચના બધા અધિકારીઓને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પ્રમોશન 30 ઓક્ટોબર 2018માં આપવામાં આવ્યું પણ ચિંતનને આપવામાં આવ્યું ન હતું. તે માટે કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. કે ચિંતન સામે કોઈ તપાસ ચાલતી ન હતી. બે વર્ષમાં મામલતદારને બઢતી મળતી હોય છે. બઢતી મેળવનાર અમુક ડેપ્યુટી કલેક્ટર તો એ જ દિવસે વય માર્યદાના કારણે રીટાયર્ડ પણ થઈ ગયા હતા. પણ ચિંતનનો પગાર 7 વર્ષથી એક જ હતો. મામલતદાર ચિંતન વૈષ્ણવ હંમેશાં પોતાનું ધાર્યું અને અડગ- સચોટ નિર્ણય લેવાના કારણે નારાજ સીનિયર અધિકારીઓ દર વર્ષે ભરવામાં આવતા ખાનગી અહેવાલમાં નકારાત્મક અભિપ્રાય લખતા હતા. જેના કારણે તેમનો પ્રોબેશન પીરીયડ લંબાતો ગયો હતો.

મોટર સાયકલ પર લડાખ ગયા

ખંભાળિયા મામલતદાર ચિંતન વૈષ્ણવ તેમના 4 મિત્રો સાથે ખંભાળિયાથી બૂલેટ ઉપર કારગીલ અને લેહ-લડાખ સુધી 6500 કિ.મી.નો મોટર બાઈક પર પ્રવાસ કર્યો હતો. ચિંતન વૈષ્ણવે અગાઉ બૂલેટ ઉપર સમગ્ર ભારતનું ભ્રમણ પણ કર્યું હતું.

ગામમાં જઈને કામ

અમરેલીના બાબરામાં વહિવટી કામો સરળતાથી થાય અને અરજદારોને કોઇ મુશ્કેલી ન પડે તેથી મામલતદાર દ્વારા સપ્તાહમા મંગળવાર અને શુક્રવાર એમ બે દિવસ મામલતદાર કચેરી આપને ગામમાં લઈ જવામાં આવતી હતી. જ્યાં લોકોના પ્રશ્નો ઉકેલાતાં હતા. તેમણે 2 મહિનામાં 28 ગામોમાં આ રીતે પ્રશ્નો ઉકેલ્યા હતા અને સરકારની યોજનાઓનો લાભ ઘર બેઠા અપાવ્યા હતા. લાભાર્થીને સહાયના હુકમ તેમના ઘરે જઇને આપવામાં આવ્યા હતા. જેમાં સરકારની વિવિધ સહાયકારી યોજનામા ઇન્દિરા પેન્શન યોજના, વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાય, સંકટ મોચન સહાય, અન્ન બ્રહ્મ યોજના, શાળાની મુલાકાત લઇ વિદ્યાર્થીઓનુ મુલ્યાંકન, મધ્યાહન ભોજનમા બાળકો સાથે જમી ભોજનની ચકાસણી, પંચાયત કચેરીના દફતરની ચકાસણી, તાલુકામા આધારકાર્ડની કામગીરી સહિતની તપાસ તેઓ આ ગામોમાં કરતાં હતા.

6 કરોડના જમીન કૌભાંડ જાહેર કર્યા

મામલતદાર પોતે બધું જ નિયમમુજબ કર્યાંના લેખિત પુરાવા જાહેર કર્યા હતા.  ચિંતન વૈષ્ણવે 6 માસ જેવા ટૂંકા ગાળામાં ખંભાળીયામાં રૂ.6 કરોડના જમીન કૌભાંડ બાર પાડયા હતા. અનેક ભૂમાફીયોને ખુલ્લા કર્યા હતા. સરકારી જમીન બચાવી હતી. તે ગુનો કર્યો હોય એવું ભાજપના નેતાઓ માનતા હતા. અધિકારી માટે દેશ પહેલો હતો ભાજપના નેતાઓ માટે મત પહેલા હતા.

લશ્કરની સૈનિકની જમીન પરત અપાવી

ખંભાળિયા નજીકના હર્ષદપુર વિસ્તારમાં રૂ.75 લાખની 15 વિઘા જેટલી ખેતીની જમીનને બોગસ દસ્તાવેજોના આધારે દિલ્હીના મુળ માલિક પૂર્વ સૈનિક મોહન મુકુંદસિંહ હરમાનસિંગ બ્રિગેડીયરની જમીન હડપ કરી જવાના પ્રયાસ સબબ ધોરાજીના શખ્સ સામે પોલીસમાં ગુનો નોંધાયો હતો. બોગસ વારસાઈ એન્ટ્રી દાખલ કરી હતી તે ચિંતને રદ કરાવી હતી.

પ્રદૂષણ કરતાં પ્લાન્ટ સીલ કર્યો

દ્વારકા ખંભાળિયાના વિરમદળ ગામ નજીક આવેલ ખાનગી કંપનીના ડામર પ્લાન્ટમાંથી હવાનું પ્રદૂષણ થતાં નજીકના ખેતરમાં ઊભા પાકને નુકસાની તથા પશુઓના આરોગ્ય પર ખતરો ઊભો થતાં મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા તપાસ કરવામાં આવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ડામર પ્લાન્ટની જમીન બિનખેતી કરી ન હતી. ગ્રામ પંચાયતની મંજુરી લેવામાં આવી ન હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંગેનું પ્રમાણપત્ર ન હતું. તેથી ડામર પ્લાન્ટને સીલ કરી દેવામાં આવ્યો હતો.

પેટ્રોલ પંપ પર દરોડા

અમરેલી જિલ્‍લાનાં અનેક પેટ્રોલપંપમાં તોલમાપમાં ભારે ગોલમાલ થયાની ચર્ચાઓ ઉભી થઈ રહી છે. તેવા જ સમયે મામલતદાર ચિંતન વૈષ્‍ણવે બાબરા શહેરનાં જુદા-જુદા પેટ્રોલપંપની ચકાસણી કરી હતી.

સરકારી કિન્ના ખોરી

22 જાન્યુઆરી 2013થી દ્વારકા મંદિરના વહીવટદાર તરીકે તેમની નિમણુંક થઈ હતી. ત્યારે તેમની સામે વ્યવસાયીક પ્રવૃત્તિ ચાલુ રાખી હોવાનો તથા જામનગરના કલેકટરની પરવાનગી સીવાય અન્ય જિલ્લામાં તાલીમ મેળવી હોવાનો આરોપ હતો. શિસ્ત વિષયક કાર્યવાહી તેમની સામે હાથ ધરવામાં આવી હતી. ચિંતન વૈષ્ણવ જયારે મહેસાણામાં મામલતદાર હતા ત્યારે તેમની સામે ગુજરાત રાજ્ય સેવા (વર્તણુક) નિયમો 1971ની વિવિધ જોગવાઈના ભંગ બદલ ચાર્જસીટ કરવામાં આવી હતી.

દ્વારકા અને મહેસાણાના કેસની તપાસ પુરી થઈ છે અને આ બન્ને કેસમાં ભાજપ સરકારે ચિંતન વૈષ્ણવની ગેરવર્તણુક સાબિત કરેલી હતી. તેથી તેમને નોકરી પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી આર.કે.જોષીની સહિથી તા 2 માર્ચ 2019ના રોજ ઓફિસ સમય બાદ તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવે છે, તેવો આદેશ કરવામાં આવ્યો છે દાહોદ કલેક્ટરને સુચના આપવામાં આવી છે ચિંતન વૈષ્ણવની સેવાઓ ચાલુ રાખવી ઈષ્ટ નથી, તેવું સરકારે નક્કી કર્યુ છે તેની જાણકારી તેમને આપી દેવી.

(દિલીપ પટેલ, અમદાવાદ)

તમામ તસવિરો ચિંતનની ફેસબુક FACEBOOK પરથી