સમગ્ર રાજ્યમાં વન વિભાગ દ્વારા અલગ કામથી થતાં ખર્ચના વાઉચર મૂકવામાં આવતાં હોય છે. જેમાં મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનું વન વિભાગ સમક્ષ ફરિયાદ થતાં તપાસ શરૂં થઈ છે.
ધારી વન વિભાગની સરસીયા રેન્જમાં વર્ષોથી બોગસ વાઉચર બનાવી ઉચાપત કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જે અંગેની ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષકમાં તપાસ ચાલતી હોય સફાળા જાગેલા વનતંત્રએ અરજદારને પુરાવા સાથે હાજર રહેવા જણાવેલ. જેથી અરજદારે ધારી ડી.સી.એફ. સમક્ષ લાખો રૂપિયાના બોગસ વાઉચર રજૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને હજુ પણ લાખો રૂપિયાના બોગસ વાઉચર બન્યાનું તપાસમાં ખૂલશે તેવું જણાઈ આવે છે. આ સમગ્ર કૌભાંડ ખૂબ જ મોટું હોય તપાસ એ.સી.બી. દ્વારા થાય તેવી માંગ ઉઠી છે.
ધારી ગીર પૂર્વ સરસીયા રેન્જમાં આર.એફ.ઓ., બીટગાર્ડ વગેરે દ્વારા વર્ષોથી ખોટા વાઉચર બનાવી પૈસા હજમ કરી જવાનું કૌભાંડ કરવામાં આવ્યું હોય જેની સ્થાનિક વનતંત્ર દ્વારા કયારેય યોગ્ય તપાસ કરવામાં આવી નહોતી અને સબ સલામત જેવા રિપોર્ટ કરવામાં આવતા. ત્યારે આ વખતે ખુદ અરજદારે જ સમગ્ર કૌભાંડના સજજડ પુરાવા તપાસમાં રજૂ કર્યા હતા. જેમાં ખોટા નામ, સરનામા લખી બોગસ સહીથી વાઉચર બન્યા હતા તો અનેક વાઉચરોમાં તો કોઈ જનામ પણ લખવામાં આવ્યા ન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.
જે ખોટા વાઉચર કહેવાતી ધારી વનતંત્ર તપાસમાં સામે ન આવ્યા હોય તેવા વાઉચર અરજદારે શોધી કાઢતા વન વિભાગ પણ મુંઝવણમાં મુકાઈ ગયું હતું. તો આ સમગ્ર ઉચાપત કૌભાંડ હજુ ઘણું મોટું હોય સમગ્ર મામલાની તપાસ એ.સી.બી. દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને તપાસ નાટક કરતા તપાસ અધિકારીઓને પણ સમગ્ર કૌભાંડમાં આરોપી બનાવી ફરિયાદ દાખલ કરવા ઉચ્ચ કક્ષાએ માંગ કરવામાં આવી હતી.