અંબાજી, તા.૧૧
લીલીછમ અરવલ્લીની ગીરીમાળા વચ્ચે બિરાજતાં માઁ અંબાના પાયલાગણ કરવા નીકળી પડેલા હજારો ભક્તો હજુ રસ્તામાં છે. મંગળવારે મેઘરાજા કસોટી કરતા હોય તેમ ધોધમાર વરસ્યા, પણ આતો માઁ અંબાના ભક્તો, રોકાય એ બીજા.માનો રથડો ખેંચતા જાય અને બોલતા જાય બોલ માડી અંબે જય જય અંબે. આગળવાળા બોલે જય અંબે. પાછળવાળા બોલે જય અંબે. ધજાવાળા બોલે જય અંબે. એમ કહી એકબીજાના પગમાં જોમ પૂરતા આગળ વધી રહ્યા છે. માઁના ધામને જોડતા દરેક માર્ગો માઇભક્તોથી છલકાઇ ગયા છે. માઁનો મહામેળો હવે સોળે કળાએ ખિલ્યો હોય તેવો માહોલ બન્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સંઘો માઁના ધામ ભણી આગળ વધી રહ્યા છે.
અરવલ્લીની ગિરીમાળાઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે. અંબાજી જેમ જેમ નજીક આવે તેમ તેમ પદયાત્રિકોના જોમ, જુસ્સા અને ઉત્સાહમાં અનેક ઘણો વધારો થતો જાય છે. અંબાજી મંદિરનું શિખર અને ધજા જોઇ યાત્રિકોના આનંદનો કોઇ પાર રહેતો નથી. ઘણા યાત્રિકો ભાવવિભોર બની જતા તેમની આંખોમાં હર્ષના આંસુ અને મોં પર અજોડ ભક્તિભાવ જોવા મળે છે. તો અંબાજીમાં પહોંચી ચૂકેલા ભક્તો માના દર્શન કરી ધન્ય બન્યા હતા.
વિસનગરથી ખેરાલુ અંબાજીના માર્ગો ઉપર માઇભક્તોના ઘોડાપુર ઉમટી પડતાં બોલ મારી અંબે જય જય અંબેના નારાઓ સાથે નાચતા ગાતા માતાના દર્શને જઇ રહ્યા છે. કેટલાક એકલ દોકલ પદયાત્રીઓ તો ક્યાંક સંઘો સાથે માનો રથ લઇ અંબાજી જતા માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે.
અંબાજી તરફના માર્ગો ઉપર પદયાત્રીઓનો પ્રવાહ ઊમટી પડ્યો છે. મંગળવારે સાંજે ખેરાલુ-સતલાસણાના માર્ગો ઉપર જાણે માતાજી પરીક્ષા લેતા હોય તેમ ધોધમાર વરસાદ પડ્યો હતો. પરંતુ વરસાદ વચ્ચે પણ માઇભક્તો અડગ શ્રધ્ધાથી નાચતા કૂદતા માતાજી ધામે જવા મક્કમતાથી પ્રયાણ કર્યું હતું.
ગુજરાતી
English


