મોડાસા, તા.૦૫
ગતિશીલ ગુજરાત મોડેલને દેશભરમાં તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓ થાકતા નથી. અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે, અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધા થી આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જોજનો દૂર છે.
મોડાસા તાલુકાના મુલોજ થી નહેરુંકંપા, ડોક્ટર કંપા સહીત ૧૦ વધુ ગોમોને જોડાતો માર્ગ આઝાદીના ૭૨ વર્ષ વહી જવા છતાં ન બનતા દર વર્ષે ચોમાસાની ઋતુ શરુ થતાની સાથે પ્રજાજનોમાં અજંપા ભરી ચિંતાની લકીરો તણાઈ જાય છે. ૩૫ વર્ષ અગાઉ આ માર્ગ મંજુર થયો હતો અને કોન્ટ્રાકટરે કામગીરી શરુ કરી મેટલ પથારી દઈ કામ અગમ્ય કારણોસર અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. જે આજ દિન સુધી પૂર્ણ ન થતા વાંઘામાંથી પસાર થવું પડે છે. ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં વરસાદ થતા મેશ્વો નદીમાં પાણી આવતા આ વાંઘામાં પણ પાણી આવી જતા રસ્તો બંધ થઈ જાય છે. સામાન્ય વરસાદમાં વાંઘામાં પાણી વહેતા શાળામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ અને કામકાજ અર્થે જનાર પ્રજાજનો જીવન જોખમે પસાર થવા મજબુર બને છે. બીમાર દર્દીઓ તો સારવાર વગર મહામુસીબતમાં મુકાતા હોય છે.
જીલ્લા કલેક્ટર, મંત્રી થી લઈ સંત્રી અને ગાંધીનગરમાં મુલોજ-નહેરુ કંપા વચ્ચે રસ્તો બનાવવા વારંવાર રજુઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા પ્રજાજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર, વણીયાદ તરફ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ, પશુ પાલકો અને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ બનાવવા વહીવટી તંત્ર પાસે માંગ ઉઠી છે અને મુશ્કેલીનો અંત નહીં આવેતો, ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.