અમદાવાદ,તા.28 આવતીકાલને રવિવારથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વરસાદે ગરબા પ્રેમી ખેલૈયા ઓના રંગમાં ભંગ પાડ્યો છે. એક તરફ નવરાત્રિને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કરી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના રાજ્યભરમાં પડી રહેલા વરસાદના લીધે ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. જયારે બીજી તરફ અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબમાં પહેલા બે નોરતા ગરબા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જયારે ગુજરાત સરકાર દ્વારા આયોજિત જીએમડીસી ગ્રાઉન્ડના વાયબ્રન્ટ ગરબા મહોત્સવના મેદાનમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના લીધે વાયબ્રન્ટ ગરબા મહોત્સવમાં પ્રથમ બે દિવસ ગરબા યોજાઈ ન શકે તેવી સ્થિતિ છે. જેથી અમદાવાદના ખેલૈયાઓ નિરાશ થયા છે.
અમદાવાદમાં નવરાત્રિને લઇને અમદાવાદ શહેરની પ્રસિદ્ધ કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબના મેનેજમેન્ટ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને તેઓ દ્વારા ગરબાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે, નવરાત્રિના આયોજનોમાં વરસાદ વિઘ્ન બન્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. શહેરના મોટા ભાગના ગરબા સ્થળોના મેદાનમાં પાણી ભરાઈ ગયા છે. આવી જ રીતે શહેરની પ્રસિદ્ધ કર્ણાવતી અને રાજપથ ક્લબ દ્વારા ગરબાનું આયોજન કરાયું છે. પરંતુ ભારે વરસાદને લીધે રાજપથ અને કર્ણાવતી ક્લબના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, જેને સૂકાતાં બે થી ત્રણ દિવસ લાગી શકે છે. મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે આ બંને ક્લબના મેનેજમેન્ટ દ્વારા નવરાત્રિના પ્રથમ બે દિવસ ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બે દિવસ બાદ નવરાત્રિ ગરબા શરૂ કરવામાં આવશે.
જયારે અમદાવાદ શહેરના જીએમડીસી પાસેના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. આ ગ્રાઉન્ડમાં પણ વરસાદના લીધે પાણી ભરાઈ ગયા છે. વરસાદ એક બે દિવસ સુધી ન પડે અને ઉઘાડ નીકળે તો ગ્રાઉન્ડ સુકાઈ તેમ છે. પરંતુ આજે પણ વરસાદ ચાલુ રહ્યો છે, જેના કારણે મેદાનમાંથી પાણી સુકાયું નથી. જેથી અહીંયા પણ પ્રથમ બે દિવસ સુધી ગરબા યોજાય તેવી કોઈ જ સંભાવના દેખાતી નથી. આ સંજોગોમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનો એક મોટો વર્ગ કે જે અહીંયા ગરબા રમવા આવે છે તેમાં ભારે નિરાશા વ્યાપી છે.
આ ઉપરાંત અન્ય આયોજકો દ્વારા હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વરસાદના વિઘ્નને લીધે નવરાત્રિના ગરબા બંધ રાખવામાં આવતા ખેલૈયાઓ ભારે નિરાશ થયા છે.