વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ.

અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો ૩૪૧ કામો જળ સંપત્તિ વિભાગ, ૪૫ કામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૬૭ કામો ગ્રામ વિકાસ એજન્સી એમ કુલ મળીને ૪૫૩ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૯ સુધી અમદાવાદ જિલ્લા દ્વારા ૨૩૭ કામોની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ વર્ષે કુલ ૩૫ તળાવો ઉંડા કરવાની કામગીરી જળ સંપત્તિ વિભાગ દ્વારા ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત ૯,૩૫,૮૮૯ ઘન મી. માટીનું ખોદાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૦ ખેત તલાવડી ઊંડી કરવાની કામગીરી તથા ૨૭ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં કુલ ૮,૯૭૧ માનવ દિનનો ઉદભવ કરવામાં આવ્યો હતો અને ૨,૨૩૯ ઘન મી. માટીનું ખોદાણ કરવામાં આવ્યું હતું. આમ, અમદાવાદ જિલ્લામાં કુલ ૬૫ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરાઇ છે.

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કુલ ૪૪ કામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ, પાણીની ટાંકીની સાફ-સફાઇ, ડ્રેનજ લાઇની સાફ-સફાઇ તથા બોર રીચાર્જ સ્ક્રીમની સફાઇની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

જળ સંપત્તિ વિભાગ દ્વારા વિભાગીય રીતે કુલ ૧૧૧ કામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં નહેરોની સાફસફાઇ, કાંસની સાફ સફાઇ, એચ.આર અને સી.આર ગેટની મરામત, સાબરમતી નદીની સાફ સફાઇ વગેરે કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૨૦૧૯ અંતર્ગત કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૮.૩૮ એમ.સી.એફ.ટી જળ સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.

આમ, તળાવો ઉંડા કરવાથી થનાર ફાયદાઓની વાત કરવામાં આવે તો તળાવો ઉંડા કરતાં તેમાંથી નીકળતી માટીને એક કિ.મી જેટલા અંતર સુધી વહન કરીને લોક ઉપયોગી કામો જેવા કે ગામ તળાવના નિચાણવાળા વિસ્તારમાં પુરાણ કરવું, ગામના રસ્તાઓ લેવલ કરવા, શાળા-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અન્ય સરકારી મકાનોના કમ્પાઉન્ડમાં પુરાણ કરવું જેવી કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તળાવની સંગ્રહ શક્તિ વઘતા અને તળાવની આજુબાજુના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચુ આવતા સીધી તથા આડકતરી રીતે સિંચાઇ વિસ્તારમાં વઘારો થાય છે. પશુઘનને ચોમાસા સિવાયની ઋતુઓમાં પણ પીવાનું પાણી ઉપલબ્ધ બનશે, જેનાથી પશુઘનના સ્થળાંતરના પ્રશ્નોને પણ ટાળી શકાશે.