વસ્ત્રાપુરમાં ગરબામાં નજીવી બાબતે ઝઘડા બાદ મારામારી થતાં સામસામે ફરિયાદ

અમદાવાદ, તા.૨૬

વસ્ત્રાપુર વિસ્તારમાં જન્માષ્ટમીની રાતે ચાલુ ગરબામાં બાઈક લઈને આવ-જા કરતા યુવકો સાથે થયેલી બોલાચાલી અને મારામારીને લઈને બંને પક્ષે સામ-સામે ફરિયાદ થઈ છે.

વસ્ત્રાપુર પ્રેમચંદનગર રોડ પર પાયલ ફ્લેટની સામે આવેલ રણુજાનગર-2ના રહેવાસીઓ દ્વારા જન્માષ્ટમીના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા દરમિયાન રાત્રિના બે વાગ્યાના સુમારે એક બાઇક ઉપર વિવેક ઠાકોર, વિશેષ ઠાકોર અને પાર્થ ઠાકોર નામના ત્રણ યુવાનો આવ્યા હતા. આ યુવકોએ ગરબા લઈ રહેલા લોકોની વચ્ચેથી બે વખત બાઈક કાઢતાં  તેમને વાલીબેન રબારી સહિતના લોકો સમજાવવા લાગ્યા હતા, પરંતુ ત્રણેય શખ્સોએ વાલીબેને ગાળો આપી ઝગડો કરીને જતાં રહ્યા હતા. ત્યાર બાદ વિવેક અને તેના માતા-પિતા દિકરાઓનો પક્ષ લઈને આવ્યા હતા અને વાલીબેનને ગાળો તેમજ ધમકી આપી હતી. આ મામલે વાલીબેન રબારીએ વિવેક, વિશેષ, પાર્થ, આશા અને લક્ષ્મણ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ વસ્ત્રાપુર ગામમાં આવેલા ધનલક્ષ્મી ફ્લેટમાં રહેતા આશાબેન લક્ષ્મણભાઈ ઠાકોરે કિરણ રબારી, લાલા રબારી, જયેશ રબારી, વિષ્ણુ, સુખા, ભાવેશ, વિશાળ, કનુ રબારી, મહેશ, સેંધા રબારી તથા પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.