અમદાવાદ, તા.31
વસ્ત્રાપુર સરકારી વસાહત પાસેથી પસાર થતા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના બે અધિકારી પર અજાણ્યા શખ્સો હુમલો કરી ફરાર થઈ ગયા છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે નંબર પ્લેટ વિનાની કારમાં ફરાર થયેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે એજ્યુકેશન ઈન્સ્પેકટર તરીકે નોકરી કરતા હિતેન્દ્રસિંહ દેવુભાઈ પઢેરીયા (રહે. સરકારી વસાહત,વસ્ત્રાપુર) ગઈકાલે શુક્રવાર સાંજે સવા છ વાગે નોકરી પૂર્ણ કરી ઘરે જવા નિકળ્યા હતા. હિતેન્દ્ર પઢેરીયાની નજીકમાં રહેતા એજ્યુકેશન નિરીક્ષણ અધિકારી મનહર દાયમાં સાથે ટુ વ્હીલર પર ઘરે જવા નિકળ્યા હતા. દરમિયાનમાં સરકારી વસાહત પહેલા એક અજાણ્યા શખ્સે રોડ વચ્ચે ઉભા રહી ટુ વ્હીલર રોકી કેમ આમ ચલાવો છો, જોતા નથી, ધ્યાન રાખો તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી હિતેન્દ્ર પઢેરીયાએ તમે રસ્તામાં ઉભા છો તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સે ગાળો આપી લાફો માર્યો હતો.
હિતેન્દ્ર પઢેરીયા અને અજાણ્યા શખ્સ વચ્ચે શરૂ થયેલા ઝઘડા દરમિયાન રોડ પર પહેલેથી પાર્ક કરાયેલી એક કારમાંથી બે અજાણ્યા શખ્સો લાકડી અને ધોકા સાથે ઉતર્યા હતા. આ ત્રણેય શખ્સોએ હિતેન્દ્ર પઢેરીયા પર હુમલો કરતા મનહર દાયમાં વચ્ચે પડતા તેમને પણ અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલાથી ડરી ગયેલા બંને અધિકારી સ્થળ પરથી ભાગી ગયા હતા. દરમિયાન ત્રણેય અજાણ્યા શખ્સો નંબર પ્લેટ વિનાની કારમાં બેસીને વસ્ત્રાપુર તળાવ તરફ નાસી ગયા હતા.