વાગડિયા, ઉનાળું, શિયાળુ અને ત્રપકિયા એમ ચાર જાતના મગ

મહર્ષિ ચરકે જીવનીય વનસ્પતિ સંવર્ગ તરીકે દસ વનસ્પતિઓ દર્શાવેલ છે. જેમાં મગને જીવન ટકાવી રાખનાર વનસ્પતિમાં પ્રથમ ક્રમે મુકેલ છે. મગનું મૂળ વતન ભારતીય ઉપખંડ માનવામાં આવે છે. જોકે એક અન્ય માન્યતા મુજબ મગ સૌપ્રથમ મોંગોલીયાના જંગલોમાંથી મળી આવ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે મગ પોતાની આગવી વિશિષ્ટતાના કારણે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જોવા મળે છે.
ભારતમાં મગની ખેતી હજારો વર્ષથી કરવામાં આવતી હોવાના અનેક પ્રમાણો મળી આવેલા છે. જેમાં ભારતના પુરાતન સ્થળો જેવા કે હડ્ડપન સંસ્કૃતિની ધરોહર ગણાતા પંજાબમાંથી 4500 વર્ષ જૂના મગના કાર્બોદિત દાણા મળી આવ્યા છે, તો દક્ષિણ ભારતના કર્ણાટકમાંથી 4000 વર્ષ જૂના મગના મોટા દાણા મળી આવ્યા છે.
સામાન્ય રીતે મગને દરેક પ્રકારની જમીન માફક આવે છે, આમ છતાં હલકી, ગોરાડું કે મધ્યમ કાળી અને સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બર્મા, ઈરાન, ઈરાક, ઈન્ડોનેશિયા, વિયેતનામ, યુરોપ, અમેરીકા વગેરે અનેક દેશોમાં મગની ખેતી કરવામાં આવે છે. અંગ્રેજીમાં ગ્રીન ગ્રામ કે ગોલ્ડન ગ્રામ તરીકે ઓળખાતા મગનો દાણો ગોળ અને લીલા રંગનો હોય છે. આ ઉપરાંત કાળા, લીલા, પીળા, સફેદ અને લાલ રંગના મગ પણ જોવા મળે છે.
આપણે ત્યાં વાગડિયા, ઉનાળું, શિયાળુ અને ત્રપકિયા એમ ચાર જાતના મગ જોવા મળે છે. મગનો દાણો લીલો અને ભરાવદાર હોય તેને વાગડિયા મગ કહેવામાં આવે છે. શેરડી ભેગા વાવવામાં આવતા મગને ઉનાળુ મગ તથા શિયાળુ પાક સાથે વાવવામાં આવતા લીલા રંગના મગને શિયાળુ મગ કહેવામાં આવે છે. જયારે ઉનાળામાં કાબરા જેવા રંગના મગ વાવવામાં આવે છે, જેને ત્રપકિયા મગ કહે છે. આ ઉપરાંત મુદંગપર્ણા, કામમુદ્રા અને સહા નામના જંગલી મગની જાતો પણ આવેલી છે.
આપણે ત્યાં મગની બે પ્રસંગે જરૂર પડે છે, એક માંગલિક પ્રસંગ હોય ત્યારે લાપસી સાથે મગના શાકને શુકનવંતુ માનવામાં આવે છે. જયારે બીજા પ્રસંગમાં માણસને બીમારી ઘેરી વળે ત્યારે મગને યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત ગૃહસ્થોથી લઈને સાધુ-સંતો, જૈન મુનિઓમાં અઠ્ઠાઈ જેવા લાંબા ઉપવાસ પછી મગના પાણીથી ખોરાકની શરૂઆત કરવામાં આવતી હોય તેની મોટા પ્રમાણમાં જરૂર પડે છે.
દ્વિદળ ધાન્ય મગમાં 25% પ્રોટીન, 60% કાર્બોહાઈડ્રેટ, 13% ચરબી ઉપરાંત થોડા પ્રમાણમાં વિટામિન-સી તેમજ એ, બી, ઈ અને ડી રહેલા છે. ફણગાવેલા મગને તો આયુર્વેદમાં પોષક તત્વોનો ભંડાર માનવામાં આવેલ છે. ફણગાવેલા મગ અન્ય પોષક તત્વો સાથે તદ્દન મફતમાં વિટામિન્સ એ, બી અને સી પૂરા પાડતા હોય ગર્ભવતી સ્ત્રીઓએ આહારમાં દરરોજ ફણગાવેલા મગ ચાવીને ખાવાની ટેવ પાડવી જોઈએ. ફણગાવેલા મગ ખાવાથી ગર્ભસ્થ શિશુનો શારિરીક તેમજ માનસિક રીતે બહુ સારો વિકાસ થાય છે. ફણગાવેલા મગ ખાવાથી વાળ કાળા, ઘાટા અને સુંવાળા થાય છે.
યુરોપિયન નાવિકો સદીઓ પહેલા લાંબી દરિયાઈ મુસાફરીમાં મગ સાથે લઈ જતા, અને મુસાફરી દરમિયાન ફણગાવેલા મગ ખાઈ તંદુરસ્તી જાળવી રાખતા. યુરોપના લોકો સવારના નાસ્તામાં ફણાગાવેલા મગ લેવાનું વધુ પસંદ કરે છે. આજની મોંઘવારીમાં મોંઘા લીલા શાકભાજીની જગ્યાએ મધ્યમ વર્ગની ગૃહિણીઓ ફણગાવેલા મગ દ્વારા પોતાના પરિવારનું સ્વાસ્થ્ય બહુ સારી રીતે જાળવી રાખે છે.
સૂર્ય પ્રકાશમાં મગ ચાર-પાંચ કલાક મગ પલાળી રાખવા, જો સૂર્ય પ્રકાશ ઉપલબ્ધ ન હોય તો દિવસ દરમિયાન પાંચ-સાત કલાક મગને પલાળી કપડામાં બાંધી હવામાં લટકાવી રાખવાથી બીજા દિવસે ફણગાવેલા મગ તૈયાર થઈ જાય છે. ચીનના લોકો ફણગાવેલા મગના મૂળનું શાક બનાવી ભોજનમાં લેવાનું પસંદ કરે છે. વિયેતનામના લોકો મગના ફણગાને સ્પ્રીંગ રોલના માવા તરીકે વાપરવાનું પસંદ કરે છે.
રોગના દોષ સાથે જઠરાગ્નિને ધ્યાનમાં રાખી મગનો ઔષધરૂપે ઉપચાર કરવામાં આવે તો દર્દીને જરૂરથી લાભ થાય છે. મગનું ઓસામણ મગના સૂપ કરતા પચવામાં વધારે હલકું છે, તો બાફેલા મગ કરતા મગનો સૂપને પચવામાં હળવો માનવામાં આવે છે. ગંભીર બીમારી કે લાંબા ઉપવાસ દરમિયાન પાચનતંત્રનું કાર્ય અતિ અલ્પ થઈ ગયું હોય ત્યારે તેને ફરી કાર્યરત કરવા મગના પાણીથી શરૂઆત કરવામાં આવે છે. મગના પાણીથી શરૂઆત કરી મગના સૂપથી આગળ વધી ક્રમશ બાફેલા મગ અને ખીચડી લેવાથી અવશ્ય લાભ થાય છે. જો મગ પાણીની જગ્યાએ ઠંડા, ચીકણા કે ભારે આહારથી શરૂઆત કરવામાં આવે તો પાચનતંત્ર સાથે સ્વાસ્થ્ય બગડવાની પૂરતી શક્યતા રહે છે.
આયુર્વેદમાં મગ સિવાયના કઠોળ પચવામાં વાયડા માનવામાં આવેલ છે, જ્યારે મગને ખૂબ જ ગુણકારી કઠોળ ગણાવેલ છે. મગ સ્વભાવે શીતળ, કફકર, પિત્તહર, અતિપૌષ્ટિક અને ત્રણેય દોષોનું શમન કરનાર છે. મધુર રસ ધરાવતા મગ તુરા અને અંશત કડવા રસથી પણ યુકત છે. મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક તેમજ સહેજ વાતકારક છે.
આયુર્વેદમાં મગને રુચીકર ગણાવી જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, આંતરડાની શુદ્ધિ કરનાર, રક્તસ્ત્રાવ રોકનાર, રક્તના વિકારો શાંત કરનાર અને રક્તને શુદ્ધ કરનાર, વાયુનું અનુલોમન કરનાર અને ગ્રાહી હોવાનું માનવામાં આવે છે. જોકે આખા મગ કંઈક અંશે વાયુ કરે છે.
મગનું વાત-પિત્તને લગતા રોગોમાં વિશેષ મહત્વ રહેલું છે. મગનો લેપ સોજા મટાડે છે, તો આંખ માટે તે હિતકારી છે. મગના ઓસામણ અને છાશ પર રહેવાથી જૂની સંગ્રહણીના રોગમાં મોટી રાહત થાય છે. તો એકલા મગ ઉપર રહેવાથી વાતરક્તની ગંભીર બીમારીમાં પણ ફાયદો થાય છે. લોહીવા-રક્ત પ્રદરની તકલીફવાળી સ્ત્રીઓએ આહારમાં મગ લેવા જોઈએ. એવી રીતે અતિસારથી પીડાતી વ્યક્તિ માટે મગનો સૂપ ઉત્તમ આહાર મનાયમાનવામાં આવે છે.
પાઈલ્સની બીમારીમાં જો દર્દી મગ, છાશ, સૂરણ અને જીરું સાથે આહાર લે તો હીતાવહ છે. શરીરમાં જો શીળસની તકલીફ હોય તો મગ ખાવાથી રાહત થાય છે. ટી.બી.ની બીમારીમાં આહાર તરીકે દ્રવ્ય સ્વરૂપમાં મગને પ્રાથમિકતા આપવામાં આવે છે. તાવ પછી જો દર્દીને આહાર તરીકે મગ આપવામાં આવે તો તે ઝડપથી સાજો થઈ જાય છે. મગનું ઓસામણ કેટલેક અંશે દૂધની ગરજ પૂરી કરતું હોય બીમાર વ્યક્તિ માટે સુપાચ્ય આહાર માનવામાં આવે છે. તેથી તબીબો હોસ્પિટલમાં દાખલ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને આહારની શરૂઆત મગના પાણીથી કરાવે છે.
દુર્બળ અને અશક્ત વ્યક્તિને મગ ખવડાવવામાં આવે તો તેનામાં તાત્કાલીક શક્તિનો સંચાર થાય છે. તેથી અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રામાં ભાવિકજનોને ઘણું ચાલવાનું હોય પ્રસાદરૂપે ફણગાવેલા મગ અને કાકડી આપવામાં આવે છે, જેથી ભાવિકોને ચાલવા માટે જોઈતી એનર્જી પ્રસાદ સ્વરૂપે મગમાંથી તાત્કાલીક મળી રહેતા ચાલવામાં વિશેષ જોમ મળી રહે છે.
મગના અનેક ગુણોને કારણે આપણે ત્યાં મગ વિશે અનેક કહેવતો લોકજીભે સાંભળવા મળે છે. જેવી કે…

મગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ,
બે-ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ.

મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ,
મારો ખપ ત્યારે પડે, માણસ હોય માંદું.