વાઘોડિયાનાં જરોદ ગામે પરપ્રાંતિયો પર હુમલોઃ હુમલામાં ૬ને ગંભીર ઈજાગ્રસ્ત

હિંમતનગરનાં ઢૂંઢર ગામે 14 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટનાં બાદ પરપ્રાંતિયો પર પ્રહારોની ઘટનાં વધી ગઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતિયો પર હુમલા કરીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે એક્શન મોડમાં આવીને પરપ્રાંતિયો પર હુમલો કરનારાં તત્વોને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહીનો આરંભ કર્યો છે. એક અહેવાલ પ્રમાણે માત્ર સાત દિવસનાં ટૂંકા ગાળામાં પરપ્રાંતિયો પર લગભગ 50 જેટલાં હુમલા કરવામાં આવ્યાં છે. આ પ્રકારનાં હુમલાનાં કારણે પરપ્રાંતિયો ભયનાં ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યાં છે અથવા તો ભયથી તેઓએ ગુજરાત છોડીને પોતાનાં વતનની વાટ પકડી છે. આવો જ હુમલાનો એક કિસ્સો વડોદરા જિલ્લાનાં વાઘોડિયામાં બનવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયાના જરોદ પાસે કામરોલ ગામ નજીક આવેલી કંપનીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમજીવી પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં સંડોવાયેલાને પકડવા પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું. ઘાયલ શ્રમજીવીઓને સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખસેડાયા હતાં. વાઘોડિયાના જરોદ પાસે આવેલ કામરોલ ગામ નજીક પરમ એન્જિનીયરિંગ તેમજ કેન ફાસ્ટનર કંપનીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોપર કોટંબી તેમજ કામરોલ ગામના યુવાનોએ હુમલો કર્યો હતો. હુમલાના પગલે કંપનીમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક ટોળાંએ પરપ્રાંતિયોને મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, તો સાથે જ ટોળાએ કંપનીની મિલ્કતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતાં વાઘોડિયા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ૬ જેટલાં પરપ્રાંતનાં ઘાયલોને સારવાર માટે ૧૦૮ની મદદથી વડોદરા SSG હોસ્પિટલ ખસેડાયા હતાં.પોલીસ દ્વારા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ઘરાયું હતું અને ઘટના સાથે સંડોવાયેલા લોકોની ધરપકડ શરૂ કરી હતી.આશરે ૧૭ જેટલાં લોકો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તમામ હુમલાખોરોને વાઘોડિયાથી દૂર કરજણ પોલીસ મથકે મોડી રાત સુધીમાં લઈ જવામાં આવ્યા હતા. વાઘોડિયા પોલીસ કંપનીના CVTV ફુટેજ તપાસી હજુ પણ હુમલામા સંડોવાયેલા કેટલાંક લોકોની ધરપકડ કરે તેમ ચર્ચાઈ રહ્યું છે.
વાઘોડિયામાં આશરે ૪૦૦૦ ઉપરાંત પરપ્રાંતિયો એકલા તેમજ પરિવાર સાથે વસેલા છે, ત્યારે તેઓ પોતાને અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. સાબરકાંઠાની ઘટનનાને પગલે પરપ્રાંતિયો પર રાજ્યમાં અનેક ઠેકાણે હુમલા થઈ ચૂક્યા છે, ત્યારે તેઓની સુરક્ષાને લઈ પોલીસ વિભાગ સતર્ક બન્યો છે. વળી વાઘોડિયા નગરમા “ગુજરાત બચાવો, કદવા ભગાવો” જેવા ઉશ્કેરણીજનક મેસેજ સોશિયલ મીડિયામાં વહેતાં થતાં પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. જેનાં પગલે વાઘોડિયા નગરનાં દરેક સમાજના આગેવાનો તેમજ સંગઠનનાં યુવાનો સાથે મોડી રાત્રે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. વાઘોડિયા નગરમા શાંતિ બનાવી રાખવા નગરના યુવા સંગઠનોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવી હતી. તો યુવાનોને કાયદો હાથમાં નહિ લેવો જોઈએ તેવી સમજ પણ આપી હતી. વડોદરા જિલ્લામાંથી પોલીસ વિભાગના ઉચ્ચ અઘિકારીઓનો કાફલો ઘટનના પગલે વાઘોડિયા દોડી આવી સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે સોશિયલ મીડિયા પર ફેલાતા મેસેજો, ફોટાઓ તેમજ વાયરલ વિડિયો થકી યુવાનો ગેરમાર્ગે દોરાઈ કાયદો હાથમાં લે છે ત્યારે આવા યુવાનો ઉશ્કેરાઈ કાયદાની ઝપેટમાં આવી જાય છે ને પોતાને તેમજ પરિવારને સંકટમા મૂકી દે છે. તો પોલીસ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા સામે પણ કાયદાનો કોરડો વિંઝી કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર છે.
વાઘોડિયાનાં જરોદ ગામે બનેલી ઘટના બાદ કામરોલના ૮ તેમજ કોટંબીના ૯ આરોપીઓને પકડી વાઘોડિયામાં શાંતિ જળવાય અને સંઘર્ષ સર્જાય નહિ, તે માટે હુમલામા સંડોવાયેલા તમામ આરોપીઓને કરજણ પોલીસ મથકે મોકલી દેવામાં આવ્યા છે મોડી રાત સુધી અનેક સંગઠનો વચ્ચે બેઠકનો દોર શરૂ થયો હતો. આજે તેના પરિણામ પર સૌની નજર મંડરાયેલી છે.