વાડજ પોલીસ સ્ટેશન માથે લઈ પીએસઆઈને ધમકી આપનારા કિન્નરની ધરપકડ

અમદાવાદ, તા.9

મારા વિરૂદ્ધમાં ખોટી ફરિયાદો કેમ દાખલ કરો છો તેમ કહીને એક કિન્નરે વાડજ પોલીસ સ્ટેશન માથે લીધુ હતું. પીએસઆઈ સાથે ઝઘડો તેમજ બિભત્સ વર્તન કરી છરી મારવાની ધમકી આપનારા કિન્નરની આખરે વાડજ પોલીસે ધરપકડ કરી હતી.

વાડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર.મિશ્રાએ કિન્નર પુરૂષોત્તમ ઉર્ફે પ્રાંઝલદે વાલજી ગોહિલ (રહે. કૃષ્ણનગરની ચાલી, રામાપીરનો ટેકરો, નવા વાડજ) સામે બિભત્સ વર્તન કરી ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ મિશ્રા ગઈકાલે રવિવારની રાતે આઠ વાગે વાડજ પોલીસ સ્ટેશન ખાતે ઈન્વે સ્કવૉડમાં ફરજ પર હતા તે સમયે કિન્નર પુરૂષોત્તમ ઉર્ફે પ્રાંઝલદેએ આવીને બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. પીએસઆઈ મિશ્રાને તમે મારા વિરૂદ્ધમાં કેમ ખોટી ખોટી ફરિયાદો દાખલ કરી અમને હેરાન કરો છો તેમ જણાવી કિન્નરે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા પુરૂષોત્તમ ઉર્ફે પ્રાંઝલદેએ પીએસઆઈને ગાળો આપી શાંતિથી નોકરી નહીં કરવા દેવાની ધમકી આપી હતી. કિન્નર પ્રાંઝલદેને શાંત પાડવા અન્ય પોલીસ કર્મચારીઓએ પ્રયાસ કર્યો તો તે વધુ ઉશ્કેરાઈને પીએસઆઈને છરી મારવાની ધમકી આપી કપડા ઉંચા કરી દઈ બિભત્સ વર્તન કર્યું હતું.

પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી પીએસઆઈને ધમકી આપી બિભત્સ વર્તન કરનારા કિન્નર પુરૂષોત્તમ ઉર્ફે પ્રાંઝલદેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.