વાત્રકમાં ૬ યુવાનો ડૂબ્યા, બે મૃતદેહ મળ્યા

અરવલ્લી,તા.6

અરવલ્લી જીલ્લાના નજીક પસાર થતી વાત્રક નદીના પટમાં કેશરપુરાના છ યુવાનો નદીમાં ડૂબી જતા ભારે ચકચાર મચી હતી. છ યુવકો વાત્રક નદીમાં ડૂબી ગયા હોવાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં કેશપુરા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ નદીમાં જંપલાવી પાણીમાં ગરકાવ થયેલા યુવકોની શોધખોળ આદરી હતી. ઘટનાસ્થળે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર પહોંચ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજી ની સ્થાપના કર્યા પછી શુક્રવારે બપોરે કેશરપુરા ગામના યુવકો વાજતે-ગાજતે ગ્રામજનો સાથે  ગણપતિ વિસર્જન માટે વાત્રક નદીના પટમાં પહોંચ્યા હતા ઉપરવાસમાં વરસાદના પગલે વાત્રક નદીમાં ગણપતિની મૂર્તિનું  વિસર્જન કરવા જતા નદીના પ્રવાહમાં સાત જેટલા યુવકો એકાએક નદીના પ્રવાહમાં તણાઈ જતા સ્થાનિકોએ બુમરાણ મચાવતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને એક યુવકને બચાવી લીધો હતો. નદીમાં ડૂબેલા અન્ય છ યુવકોની શોધખોળ હાથ ધરવામા આવી હતી. મોડાસા અને બાયડ ફાયેબ્રિગેડની ટીમે તરવૈયાઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ભારે શોધખોળ આદરી હતી જેમાં ૨ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. જયારે અન્ય ૪ યુવકોની શોધખોળ હાથ ધરવામા આવી હતી.

વાત્રક નદીમાં કેશરપુરા ગામના ૬ યુવકો ગણેશ વિસર્જનમાં નદીના વહેણમાં ડૂબી જતા ભારે રોકોક્કળ મચી હતી. યુવકોના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું બે યુવકોના મૃતદેહ બહાર કાઢતાની સાથે હૈયાફાટ રુદનથી ભારે ગમગીની છવાઈ હતી. રુંવાડા  ઉભા કરી દેનારી આ ગમગીન ઘટનાથી ગ્રામજનો આઘાતમાં સરી પડ્યા હતા