વાપી GIDCની નાથ કંપનીના ગેસ ગળતરમાં 10 કામદારની તબિયત લથડી

વાપી GIDCની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. ગેસ ગળતરની ઘટનના કારણે કંપનીમાં કામ કરતા 10 જેટલા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 3 લોકોને ICUમાં રાખવામાં આવ્યા છે અને ત્રણ વ્યક્તિમાંથી 1ની હાલત ગંભીર હોવાનું ડૉક્ટર જણાવી રહ્યા છે.  નાથ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કોઈ કારણોસર ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. ક્લોરીન વાયુ લીકેજ થવાના કારણે ક્લોરીન હવામાં ભળી ગયો હતો. જેના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને ત્યારબાદ એક પછી એક કર્મચારીની તબિયત લથડવા લાગી હતી. જે જગ્યા પર ક્લોરીન વાયુ લીક થયો હતો, તે જગ્યા પર 10 જેટલા કામદાર કામ કરી રહ્યા હતા અને અચાનક આ તમામ કમચારીઓની હાલત બગડતા તેમણે વાપીની હરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલના ડૉકટરો દ્વારા 7 વ્યક્તિઓને જનરલ વોર્ડમાં અને 3 વ્યક્તિઓને ICUમાં રાખવામાં આવ્યા હતા. ડૉક્ટરોના કહેવા અનુસાર ICUમાં એડમિટ ત્રણ વ્યક્તિમાંથી 1ની હાલત ગંભીર છે.

કંપનીના સંચાલકો આ સમગ્ર મામલાને દબાવી દેવા માંગતા હતા પરંતુ સમગ્ર ઘટનાની મીડિયાને જાણ થતા સંચાલકોની પોલ છતી થઇ ગઈ હતી. આ સમગ્ર મામલે કંપનીના સંચાલકો મીડિયા સામે કઈ પણ બોલવા માટે તૈયાર ન હતા. ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓની સુરક્ષાને લઇને આ કંપની અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર આ કંપની વિવાદમાં આવતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા કંપનીના સંચાલકો સામે કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે, તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.