વાયુ વાવાઝોડાના કારણે શાળા પ્રવેશોત્સવ રદ કરી રજા જાહેર કરાઈ, પ્રવાસીઓને ગુજરાત છોડી દેવા સૂચના

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે મોડી સાંજે યોજાયેલી ઉચ્ચસ્તરીય
બેઠકમાં રાજ્યમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાને પગલે ઉભી થનારી સ્થિતિ અને તેના સંપૂર્ણ
સજ્જતાથી સામના માટે રાજ્ય સરકારની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ તેમજ
મુખ્ય સચિવ સહિત રાજ્યના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના
વિભાગોની આગોતરી તૈયારીઓની મુખ્યમંત્રીશ્રીને વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સંભવિત વાવાઝોડામાં ઓછામાં ઓછુ જાનમાલને નુકસાન થાય તે રીતે
તંત્ર સંપૂર્ણ સતર્ક રહે તે માટે માર્ગદર્શન આપતાં આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા.
તદનુસાર, આગામી ૧૩ થી ૧૫ દરમ્યાન યોજાનારો રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ
મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.
સૌરાષ્ટ્રના જે ૧૧ જિલ્લાઓ પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દ્વારકા,
જામનગર, મોરબી, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને કચ્છમાં તા. ૧૨ અને ૧૩ જૂન દરમિયાન
શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ અને પ્રભારી સચિવો જે તે જિલ્લામાં પહોંચી
જઇને તંત્રનું માર્ગદર્શન કરે તે હેતુસર આવતીકાલે મળનારી કેબીનેટની બેઠક પણ મુલત્વી
રાખવાનો નિર્ણય કર્યો છે.
તેમણે આ સંભવિત વાવાઝોડામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છમાં વિજપુરવઠાને અસર થાય
તો તેને ત્વરાએ દુરસ્ત કરી શકાય તેવા હેતુસર એક વરિષ્ઠ સનદી અધિકારી શ્રી સંદીપકુમારને
પી.જી.વી.સી.એલ.ની જવાબદારીઓ સોંપી છે તેમજ શહેરી વિકાસ વિભાગને પણ સૂચનાઓ આપી
છે કે, આ ૧૧ જિલ્લાઓમાં ખાનગી કે જાહેર કામો ચાલતા હોય ત્યાં રહેતા શ્રમજીવીઓને સલામત
સ્થળે ખસેડવા તેમજ મોટા હોર્ડિંગ્સ વગેરે દૂર કરીને જાનમાલનું નુકસાન અટકાવવાની સૂચનાઓ
પણ આપી હતી.

તેમણે માર્ગ મકાન, ફોરેસ્ટ, આરોગ્ય, પાણી પુરવઠો, બધા જ વિભાગોને મેનપાવર અને
મશીનરીથી સંપૂર્ણ સજ્જ રહી આ સંભવિત વાવાઝોડાની વ્યાપક અસરો જનજીવનને ઓછી થાય તે
માટે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ, દ્વારકા, પોરબંદર, ગીર સહિત સૌરાષ્ટ્ર- કચ્છના પ્રવાસે આવેલા
અન્ય રાજ્યોના પ્રવાસીઓને આવતી કાલ બપોર સુધીમાં આ પ્રવાસન સ્થળો છોડી દઇ સલામત
સ્થળે પહોંચી જવાની પણ અપીલ કરી છે અને જરૂર જણાય આ માટે સંબંધિત એસ.ટી.ડેપોનો
સંપર્ક કરી ખાસ બસ મેળવી શકશે તેમ પણ જણાવ્યું છે.
એન.ડી.આર.એફ.ની ૩૫ અને એસ.ડી.આર.એફ.ની ૧૧ જેટલી ટીમો આવતીકાલ બપોર સુધીમાં
આ જિલ્લાઓમાં ડિપ્લોય થઇ જાય તેવી વ્યવસ્થાઓ કરી દેવાઇ છે તેની વિગતો આપતાં શ્રી વિજયભાઇ
રૂપાણીએ કહ્યું કે, એન.ડી.આર.એફ.ની કચ્છ, મોરબી અને જુનાગઢમાં ૨-૨ ટીમો, જામનગર, દ્વારકા,
પોરબંદર, ભાવનગર અને બોટાદમાં ૩ ટીમો, અમરેલી અને રાજકોટમાં ૪ ટીમો, તથા સોમનાથમાં ૫
અને વલસાડ અને સુરતમાં ૧-૧ ટીમ સ્ટેન્ડબાય તરીકે પહોંચી જશે તેમ જણાવ્યું હતું.
એસ.ડી.આર.એફ.ની ટીમો જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત અને
ભરૂચમાં તૈનાત રહેશે એટલું જ નહીં આવતીકાલે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં આર્મીની ૧
ટીમ પણ ડિપ્લોય કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંભવિત વાવાઝોડાનો મુકાબલો કરવા રાજ્ય સરકારની સતર્કતામાં લોકો
પણ સહયોગ કરે તેવી અપેક્ષા બેઠક દરમિયાન વ્યક્ત કરી હતી.